સર્જરીમાં સફળતા:માણસના શરીરમાં ડુક્કરની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, અમેરિકન ડોક્ટર્સને મળી મોટી સફળતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં આ ટ્રાન્સપ્લાન્ટ પ્રયોગ એક બ્રેનડેડ પેશન્ટમાં કરવામાં આવ્યો છે

મેડિકલ સાયન્સની દુનિયામાં એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર્સને માનવ શરીરમાં ડુક્કરનીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મોટી સફળતા મળી છે. આ સફળતા પછી માનવ શરીરમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની અછત દૂર કરી શકાય છે. તમામ સ્ટેટ્સ પછી ડોક્ટર્સનું કહેવું છે કે માનવ શરીરમાં ડુક્કરની કિડની સારી રીતે કામ કરી રહી છે. શરીરની ઈમ્યુન સિસ્ટમે હાલ ડુક્કરના આ અંગનો સ્વીકાર કરી લીધો છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે, આ સફળતા અમેરિકાના ડોક્ટર્સને મળી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ પ્રક્રિયા ન્યૂયોર્ક સિટીમાં NYU લેંગન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવી છે. ડોક્ટર્સનું કહેવું છે કે ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ડુક્કરના જીન બદલી દેવામાં આવ્યા હતા, જેથી માનવ શરીર તેને તાત્કાલિક રિજેક્ટ ના કરે.

નોંધનીય છે કે આવું પહેલીવાર થયું છે કે માનવ શરીરમાં કોઈ અન્ય પ્રાણીની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય. જોકે આ પહેલાં પણ ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા, પરંતુ દર વખતે ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયું હતું, પરંતુ પહેલીવાર ડુક્કરની કિડની માનવીના શરીરે સફળતાપૂર્વક ગ્રહણ કરી લીધી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક બ્રેનડેડ થયેલા દર્દીમાં કરવામાં આવી છે. દર્દીની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું, પરંતુ તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવતાં પહેલાં ડોક્ટર્સે તેના પરિવારની મંજૂરી લીધી હતી. ત્યાર પછી તેમણે આ પ્રયોગ કર્યો હતો. ત્રણ દિવસ સુધી ડુક્કરની કિડની બ્રેનડેડ દર્દીની રક્તવાહિની સાથે જોડાયેલી હતી. કિડનીને શરીરની બહાર જ રાખવામાં આવી હતી. ડોક્ટર્સે ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયાને સામાન્ય ગણાવી હતી.

અમેરિકામાં યુનાઈટેડ નેટવર્ક ફોર ઓર્ગેન શેરિંગ પ્રમાણે, હાલ 1,07,000 લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના વેઈટિંગ લિસ્ટમાં છે. એમાં 90,000થી વધારે લોકોને કિડનીની જરૂર છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીને સરેરાશ ત્રણથી પાંચ વર્ષ રાહ જોવી પડે છે. આ દરમિયાન અમેરિકન ડોક્ટર્સની આ સફળતા આ દિશામાં વરદાન સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...