• Gujarati News
  • India at 75
  • Suddenly The Pathans Started Pouring Kerosene And Burning The Houses; Screams Of People Could Be Heard From All Around, People Were Being Burnt Alive: Jayaba Parmar

1947ની એ ભયાનક રાત...:અચાનક પઠાણો કેરોસિન છાંટી ઘરો સળગાવવા લાગ્યા; ચારેબાજુથી ચીસો સંભળાતી, લોકોને જીવતા સળગાવી દીધા'તાઃ જયાબા પરમાર

અમદાવાદએક મહિનો પહેલાલેખક: વિવેક ચુડાસમા
  • રાંધણ છઠ્ઠના દિવસે જ સમગ્ર ઘટના બની અને સિંધ હૈદરાબાદ હચમચી ગયું
  • રેલવે સ્ટેશન પર જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો દેખાતા હતા

આ વાત છે જામનગરના સુભાષ માર્કેટ વિસ્તારના આંબલીવાળા ફળિયામાં રહેતા ચુડાસમા પરિવારના દીકરી અને હાલ અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા 83 વર્ષીય જયાબા પરમારની. તેમણે દિવ્ય ભાસ્કરને ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી ભારત આવવાની વાત જણાવતા કહે છે કે, ‘અમે વર્ષોથી જામનગરમાં જ રહેતા હતા. મારો જન્મ જામનગરમાં જ થયો હતો. તે સમયે વેપાર-ધંધા માટે સિંધ પ્રદેશ ખૂબ જ સમૃદ્ધ હતો. કાઠિયાવાડમાંથી લોકો સિંધ પ્રદેશમાં રૂપિયા કમાવવા માટે જતા હતા. મારા બાપુજી એ પણ વેપાર માટે સિંધ હૈદરાબાદ જવાનું નક્કી કર્યું.’

‘અમારા મહોલ્લામાં સમૃદ્ધ હિન્દુ કુટુંબો રહેતા હતા’
'હું ત્યારે પાંચ વર્ષની હતી. જ્યારે અમે જામનગરથી પાકિસ્તાન ગયા. 3થી સાડા ત્રણ દિવસનો રસ્તો. જામનગરથી મારવાડ જંકશન જવાનું. ત્યાંથી સીધી પાકિસ્તાનની ટ્રેન મળે. અમે પાકિસ્તાનમાં સિંધ હૈદરબાદમાં રહેતા હતા અને મારા મોટા પપ્પા કરાચીમાં રહેતા હતા. અમને ત્યાં એકાદ અઠવાડિયું મારા મામાએ રાખ્યાં. પછી અમે ત્યાં ઘર લીધું. નીચે દુકાન હતી. ત્યાંથી અંદર જઈએ ત્યાં ગોડાઉન જેવી જગ્યા. ઉપર પણ બે રૂમ હતા. ઘર આલિશાન હતું. ઝરૂખા પણ હતા. ત્યાંની શેરીમાં બંને બાજુ દુકાનોની લાઇનો અને ઉપર ઘરોમાં બધા રહેતા હતા. ત્યાં હિન્દુઓની વસતી મોટા પ્રમાણમાં હતી. અમે રહેતા તે હિન્દુ મહોલ્લો જ હતો. અમારા મહોલ્લામાં મોટાભાગના વેપારી અને સમૃદ્ધ કુટુંબો હતા.'

ચારેબાજુથી ભયાનક ચીસો સંભળાતી હતીઃ જયાબા
'બે વર્ષ અમે ત્યાં રહ્યા. હું સાતેક વર્ષની હોઇશ ત્યારે ભાગલા પાડવાનું એલાન થયું હતું. રાંધણ છઠ્ઠનો દિવસ હતો. રાતના આઠ-નવ વાગ્યાની આસપાસનો ટાઇમ. બધા રાતે જમવાનું બનાવતા હતા. શીતળા સાતમે તો ઠંડુ ખાવાનો રિવાજ હતો. એ વખતે તો જમવાનુંય અઢળક બનાવે. ત્યારે અચાનક અફઘાની પઠાણો આવ્યાં. તેમના હાથમાં કેરોસીનના કેરબા હતા. અમારી શેરીના બધા ઘરો લાકડાંના હતા. પઠાણોએ એક પછી એક દુકાનોમાં કેરોસીન છાંટીને આગ લગાડવા માંડી. થોડી જ મિનિટોમાં આખી શેરીમાં બૂમાબૂમ થવા લાગી. લોકોની ચિચિયારીઓ સંભળાતી હતી. ચારેબાજુથી ભયાનક ચીસો સંભળાય. તેમણે બધાને ઘરમાં જ જીવતા સળગાવી દીધા. અમે ઝરૂખામાંથી બહાર જોયું તો સામેની લાઇનની દુકાનો ભડકે બળતી હતી અને પઠાણો અમારી દુકાનો તરફ આવતા હતા.’

રાતના બાર વાગ્યે ઘોડાગાડીમાં બેસી રેલવે સ્ટેશને પહોંચ્યા
બાપુજી ફટાફટ દુકાન બંધ કરી ઉપર આવ્યા અને કહ્યું કે, ‘હવે તો આપણી પાસે ભાગવાનોય રસ્તો નથી. નીચે તો આ લોકો છે. શું કરીશું?’ અમને તે સમયે કંઈ જ વિચાર ના આવે. મમ્મી-પપ્પા અમારો જીવ બચાવવાની મથામણ કરતા હતા. ત્યારે પહેરે કપડે કંઈ જ લીધા વગર નીકળી જવાનું નક્કી કર્યું. કારણ કે કોઈ જ રસ્તો નહોતો. તે સમયે અમારું પાક્કું ઘર હતું. તો અમે ધાબે ચડ્યાં. ત્યાંથી બીજા ધાબે, ત્રીજા ધાબે, ચોથા ધાબે એમ કરતા-કરતા મારા પિતાજીના ઘોડાગાડીવાળા દોસ્ત બાજુની ગલીમાં જ રહેતા હતા તેમના ઘરે ઊતર્યા. હાંફળા-ફાંફળા થઈને આવેલા અમને જોઈને પાણી આપ્યું અને પછી જમાડ્યાં. રાતના લગભગ 12 વાગ્યા હશે. તેમણે કહ્યું કે, ‘અમે તો રાખીએ, પણ આજુબાજુવાળા જોઈ જશે તો છોડશે નહીં અને અમે કંઈ જ નહીં કરી શકીએ. તો એક કામ કરો હું તમને ઘોડાગાડીથી રેલવે સ્ટેશન મૂકી જઉં છું. ત્યાંથી તમે ભારત જતા રહેજો.’

રેલવે સ્ટેશન પર ચારેય બાજુ માણસો જ માણસો!
નક્કી કર્યા પ્રમાણે અડધી રાતે તેઓ અમને રેલવે સ્ટેશન મૂકવા આવ્યાં. તે સમયે પાકિસ્તાનમાં ઘોડાગાડીમાં પડદા રાખવામાં આવતા હતા. તેથી અમને કોઈએ જોયાં નહોતા. અમે સિંધ હૈદરાબાદ રેલવે સ્ટેશન તો પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો માણસ જ માણસ. જ્યાં જુઓ ત્યાં પબ્લિક. તે વખતે સરકારે મફત ટ્રેન સેવા શરૂ કરી હતી. જેમને પાકિસ્તાનથી ભારત જવું હોય અને જેને ભારતથી પાકિસ્તાન આવવું હોય તેમણે ટિકિટ લેવાની જરૂર નહોતી પડતી.

ટ્રેનમાં પણ હકડેઠઠ માણસો ભરેલાં હતા
ટ્રેન આવી અને હું, નાનો ભાઈ, મમ્મી-પપ્પા અને મમ્મી પાસે 6 મહિનાનો ભાઈ જેમ તેમ કરીને ચડ્યાં. ટ્રેનમાં જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો. ચારની સીટમાં આઠ લોકો બેઠાં'તા. ટ્રેનમાં નીચે પણ ઠાંસી-ઠાંસીને લોકો બેઠાં હતા. બારણે પણ લોકો લટકતા હતા. અરે ડબ્બાની ઉપર પણ માણસો ચડી ગયા હતા. થોડીવારમાં આખી ટ્રેન ભરાઈ ગઈ અને ટ્રેન ઉપડી. સિંધ હૈદરબાદથી ટ્રેન ઉપડી અને સીધી જ ભારતમાં રાજસ્થાનના મારવાડ જંક્શને આવીને ઊભી રહી. વચ્ચે ક્યાંય એકેય સ્ટોપેજ ના કર્યું. ટ્રેનમાં સાડા ત્રણ દિવસ ખાધા-પીધા વગર અમે બેસી રહ્યાં. ઘરેથી કંઈ કરતાં કંઈ લેવા પણ ના રોકાયા અને પહેરે કપડે ત્યાંથી ભાગવું પડ્યું'તું. તે દિવસના દૃશ્યો હજુ પણ મારી આંખ સામે આવીને ઊભા રહી ગયા છે.

બધું જ ત્યાં રહી ગયું તેનો અફસોસ છેઃ જયાબા
મારવાડ આવ્યું અમે નીચે ઊતર્યા. ત્યાં સરકારે રાહત કેમ્પ શરૂ કર્યો હતો. જેમાં ચણાની દાળ-રોટી આપતા હતા. છેક સાડા ત્રણ દિવસે જમવા મળ્યું. ખાધા પછી ત્યાંથી જામનગર આવવા નીકળ્યાં. જામનગરમાં તો બધું જ હતું. એટલે કોઈ ચિંતા નહોતી, પણ સિંધ હૈદરાબાદની બધી ધન-દોલત ત્યાં જ મૂકીને અડધી રાતે નીકળવું પડ્યું તેનો અફસોસ હતો. અમે બહુ જ સમૃદ્ધ હતા. વેપાર સારો ચાલતો હતો. હવે અહીં આવ્યા પછી ફરીથી નવેસરથી શરૂઆત કરવાની હતી. એવામાં અમારો મોટો પરિવાર અને બાપુજી એક જ ઘરમાં કમાતા હતા. તેમના પછી મારા બા કેસરબા અને હું બધા ભાઈ-બહેનોમાં સૌથી મોટી તો અમેય બાપુજીને મદદ કરતા હતા.

શરૂઆતમાં માહોલ બિલકુલ આવો નહોતો
પાકિસ્તાનમાં રહેતા કેટલાક હિન્દુ પરિવારો ભાગલાની જાણ થતા જ ત્યાંથી નીકળી ગયા હતા. તે વખતે આટલું ઘમાસાણ નહોતું. તે લોકો તો દાગીના સહિત બધી જ માલમત્તા લઈને નીકળી ગયા અને હેમખેમ પહોંચી ગયા હતા. તેમાં મારા મામા-મામી પણ હતા. પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તોફાનો વધતા ગયા. માણસોમાં ડર હતો. ભયનો માહોલ હતો. તેવામાં ત્યાંથી જે લોકો નીકળ્યાં તેમણે બધું છોડીને અહીં આવી જવું પડ્યું હતું. તે સમય ખરેખર બહુ જ કટોકટીભર્યો રહ્યો'તો.

ભાસ્કરઃ પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારનો કોઈ યાદગાર કિસ્સો?
જયાબાઃ
મારી ઉંમર છ વર્ષની હતી. ગૌરીવ્રત વખતે હું અને મારો નાનો ભાઈ બધા સાથે શેરીમાં રમતા હતા. ત્યારે એક યુવક આવ્યો અને અમારી સાથે રમતી મારી બહેનપણી દિવાળીને કીધું જા તને ઘરે તારા પપ્પા બોલાવે છે અને તે ઘરે જતી રહી. એટલીવારમાં તે મને અને મારા નાનાને ખભે ઉપાડીને લઈ ગયો. દિવાળી આ બધું જોઈ ગઈ. તેણે ઘરે પહોંચીને તેના પપ્પાને કહ્યું કે, ‘પેલા બંનેને કોઈ ભાઈ ખભે ઉપાડીને લઈ ગયો’ એટલામાં તેમણે મારા પિતાજીને કહ્યુ કે, ‘તમારા છોકરાઓ ક્યાં?’, તો પિતાજીએ કહ્યું - અહીંયા જ રમતા હતા. ત્યારે પ્રાગજીકાકાએ કહ્યું કે, ‘તેમને તો ખોજા ઉપાડી ગયા છે.’ એટલીવારમાં બધા અમારી શોધખોળ કરવા લાગ્યા અને પેલો ખોજો અમને ગામથી દૂર જંગલમાં લઈ ગયો. ત્યાં એક મહાકાળી માતાનું મંદિર હતું. અમને ત્યાં ઓટલે બેસાડ્યાં. ત્યારે સોનું બહુ જ સસ્તું હતું. એમાંય મારા પપ્પા ખૂબ સમૃદ્ધ હતા. તો મેં સોનાની ઘણી વસ્તુઓ પહેરી હતી. તેણે નાકની ચૂની કાઢી લીધી. પગમાંથી ઝાંઝર કાઢી લીધા. મારા બધા જ ઘરેણાં કાઢી લીધા અને અમને કહ્યું, ‘અહીંયા જ બેસજો હું તમારા માટે જમવાનું લઈને આવું.’ પછી એ આવ્યો જ નહીં. મને યાદ છે કે, તે માણસ ઓળખીતો જ હતો.

ગામમાંથી કચરાનું ગાડું આવ્યું અમને તેમાં બેસાડ્યાંઃ જયાબા
પછી ધીમે ધીમે અંધારું થવા આવ્યું તો અમે બંને રડવા લાગ્યાં. ત્યાંથી થોડેક દૂર થોડા ઝૂંપડા હતા. ત્યાંથી એક બહેન બહાર આવ્યાં અને પૂછ્યું, ‘કોના દીકરા છો?’ પણ અમને ઝાઝી કાંઈ ખબર નહોતી પણ એટલી ખબર હતી કે ક્યાં રહીએ તો એમને કીધું - અમે ગામના છીએ. એવામાં ત્યાં પાછળ એક ખાડો હતો. જ્યાં રોજ ગામનો કચરો ઠલવાતો. ત્યારે ગામમાંથી ગાડામાં કચરો ભરીને ત્યાં ફેંકવાની સિસ્ટમ હતી. બરાબર એ જ વખતે એક ગાડાવાળો ત્યાં કચરો ફેંકવા આવ્યો અને પેલી બાઈએ એને જોયો. એને જઈને કીધું કે, ‘આ છોકરા ગામમાંથી કોઈના છે અને અહીં આવી ગયા છે. તમે ઓળખો છો?’ ગાડાવાળાએ કહ્યુ, ‘ના ઓળખતો તો નથી, પણ હું લઈ જઉં છું. ગામમાંથી કોકના તો હશે જ.’

‘મમ્મીએ તો પાણી ન પીવાની બાધા લઈ લીઘી હતી’
એવામાં ગાડાવાળો અમને લઈને અમારી ગલીએ પહોંચ્યો તો ત્યાં અમને જોઈને બધા ભેગા થઈ ગયા. મારી મમ્મીએ તો જ્યાં સુધી અમે મળીએ નહીં ત્યાં સુધી પાણી ન પીવાની બાધાય લઈ લીધી હતી. કારણ કે અમે બે જ બાળકો હતા અને એમાંય ત્યાં ખોજા બાળકોને ઉપાડી જતા હતા. તેમના ઘરેણાં લઈ તેમને મારીને કૂવામાં ફેંકી દેતા હતા. એટલે સ્વાભાવિક છે કે, ચિંતા તો થવાની જ છે. આમ, હું અને મારો નાનો ભાઈ બચી ગયા અને ત્યારથી આ કિસ્સો મને હજુ સુધી યાદ રહી ગયો છે.

ભાસ્કરઃ ત્યાંના લોકોનું જીવન કેવું હતું?
જયાબાઃ
લોકો બહુ ખુશ રહેતા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંપ પણ એટલો બધો હતો. બંને કોમ પોતપોતાના તહેવારો ધામધૂમથી ઉજવતી હતી. વળી, હૈદરાબાદથી થોડે દૂર એક મહાકાળી માતાનું મંદિર હતું તો ત્યાં મેળો પણ ભરાતો હતો. તે સમયે મોટા પ્રમાણમાં હિન્દુઓ ત્યાં ભેગા થતા હતા. સાતમ-આઠમમાં ત્યાં ચાર-પાંચ દિવસ મંદિરોએ મેળા ભરાતા હતા. લોકો ફરવા પણ જતા હતા. તે સમયે પાકિસ્તાનમાં સ્ત્રીઓ બહુ બહાર ના નીકળે અને નીકળે તો પણ બુરખો તો પહેરવાનો જ આવી પ્રથા હતી. હિન્દુ મહિલાઓ પણ ત્યાં ઝાઝું બહાર ના નીકળે. બાઈઓ બધી ઘરે બેસીને મોતીકામ કરતી. એકબીજાના ઘરે વારે-તહેવારે આવતા જતા. પુરુષો જ પાણી ભરી લાવે. પુરુષો જ દયણું દળાવવા જાય. આમ, મોટા ભાગનું કામ પુરુષો જ કરતા હતા.

તો આ હતી જયાબા પરમારની પાકિસ્તાનના સિંધ હૈદરાબાદથી ભારતમાં ગુજરાતના જામનગર પહોંચવાની કહાણી. તેઓ છેલ્લે કહેતા હતા કે, 'પાકિસ્તાનના મુસલમાનો સારા હતા. તેમને હિન્દુ સાથે કોઈ અણબનાવ થયો હોય તેવું મારા ધ્યાનમાં નથી અને આજે અહીંયા ભારતમાં અને પાકિસ્તાનમાં પરિસ્થિતિ સાવ વિપરીત જ છે!'

અન્ય સમાચારો પણ છે...