1947, જૂન મહિનો...
સૂરજ પણ જાણે હિન્દુસ્તાનમાં લખાઇ રહેલું ભાગલાનું લખાણ જોઇને તપી રહ્યો હતો. બ્રિટિશ હકૂમત ભાગલાની રેખાઓ પર મંજૂરીની મહોર લગાવવા પૂરી તાકાતથી મથી રહી હતી. અફસોસ એ કે તેના મનસૂબા સફળ થતા પણ દેખાઇ રહ્યા હતા. તે મથામણને 1947ના હિન્દુસ્તાનના શબ્દોમાં જણાવી રહ્યા છે - ડૉ. ધનંજય ચોપરા. (લેખક અલ્લાહાબાદ યુનિવર્સિટીના સેન્ટર ઑફ મીડિયા સ્ટડીઝમાં કોર્સ કો-ઓર્ડિનેટર છે.)
^જૂન સુધીમાં તો ભાગલાનો પડઘો મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્પષ્ટ સંભાળાવા લાગ્યો હતો. પંજાબનો એક હિસ્સો પાકિસ્તાનમાં જવાનો છે તેવી ખબર પડતાં જ ઘણી ફિલ્મી હસ્તીઓ પોતાની જમીન ભણી પાછા ફરવાની વાત કહીને પાકિસ્તાનની તરફેણમાં આવી ગઇ, જેમાં નૂરજહાં, સાહિર લુધિયાનવી, બેગમ પારા અને બિબ્બો જેવાં દિગ્ગજ કલાકારો સામેલ હતાં. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને નક્કી કરી લીધું હતું કે તેઓ લાહોરમાં જ રહેશે. લતા મંગેશકરના ગુરુ ઉસ્તાદ અમાનત અલી ખાન ભિંડી બાજારવાલે પણ પાકિસ્તાની થઇ ગયા.
જોકે, બાદમાં તેમાંથી ઘણા લોકો હિન્દુસ્તાન પાછા ફર્યા પણ આ દરમિયાન 1947ના હિન્દુસ્તાનનું સિનેમા થંભ્યું નહીં. આ વર્ષે 15 બોલીમાં 280 ફિલ્મ બની, જે એ જણાવવા માટે પૂરતી હતી કે કલા કોઇ વિભાજનરેખાની મોહતાજ નથી હોતી. બીજી તરફ ભાગલાનો પ્રસ્તાવ તૈયાર કરનારા માઉન્ટબેટને 2 જૂને લંડનથી પાછા ફરતા જ જાહેર કરી દીધું કે સત્તાનું હસ્તાંતરણ જલદી થશે. નેહરુ, પટેલ, કૃપલાની, ઝીણા, લિયાકત અલી, અબ્દુલ રબ નિસ્તાર અને બલદેવ સિંહની હાજરીમાં આ જાહેરાત કરાઇ. 1947ની 3 જૂનની સાંજે 7 વાગ્યે દેશના 4 અગ્રણી નેતાએ (નેહરુ, સરદાર પટેલ, બલદેવ સિંહ અને ઝીણા) રેડિયો પર જાહેરાત કરી દીધી કે તેઓ હિન્દુસ્તાનના ભાગલાની યોજના સાથે સહમત છે. આ સાંભળતા જ મારા નાગરિકોમાં હાહાકાર મચી ગયો. ઘણી આશાઓ બંધાઇ, ઘણી તૂટી. ગાંધીજી હતાશ હતા. જેવી માઉન્ટબેટનને ખબર પડી કે ગાંધીજી કોંગ્રેસ સાથે છેડો ફાડીને 4 જૂનની પ્રાર્થનાસભામાં તેમની યોજનાની ટીકા કરવાના છે, તો તેમણે ગાંધીજીને વાઇસરોય હાઉસમાં બોલાવી લીધા.
માઉન્ટબેટન સફળ રહ્યા. 4 જૂન, 1947ની સાંજે પત્રકારો સાથે વાત કરતા માઉન્ટબેટને સત્તાના હસ્તાંતરણની તારીખ જણાવી- 15 ઓગસ્ટ, 1947. આખો દેશ ચકિત રહી ગયો. લંડનમાં ભારતની આઝાદીની તારીખ જાહેર કરવાની રાહ જોતા બ્રિટિશ પીએમ એટલી પણ ચોંકી ગયા. કોઇએ નહોતું વિચાર્યું કે માઉન્ટબેટન આટલી ઉતાવળમાં હશે. ભાગલાની જાહેરાતથી કાશ્મીર રિયાસતમાં ઊથલપાથલ મચી ગઇ. રાજા હરિસિંહ પર પાકિસ્તાનમાં જોડાવા દબાણ હતું પણ કાશ્મીરની હિન્દુ, શીખ અને બૌદ્ધ વસ્તી હિન્દુસ્તાનનો હિસ્સો બની રહેવા ઇચ્છતી હતી- કાલે વાંચો: ભાગલાનું કાઉન્ટડાઉન શરૂ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.