મે, 1947નો સમય હતો. ધબકારા જાણે થંભી ગયા હતા. એક તરફ બાપુ દિવસે દિવસે બગડી રહેલા દેશના માહોલથી ચિંતિત થઇ રહ્યા હતા તો બીજી તરફ માઉન્ટબેટને આઝાદીની વધુ એક યોજના લંડન મોકલી દીધી હતી. શું, ક્યારે, કેવી રીતે થશે... સવાલોમાં ગૂંચવાયેલા તે માહોલને જાણે 1947ના હિન્દુસ્તાનના શબ્દોમાં જણાવી રહ્યા છે- ડૉ. ધનંજય ચોપરા. (લેખક અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝમાં કોર્સ કો-ઓર્ડિનેટર છે.)
^ બ્રિટિશ હકૂમત હિન્દુસ્તાનમાંથી રવાનગીની તૈયારીમાં લાગી હતી ત્યાં અંગ્રેજ અધિકારીઓ તેમનાં કાળાં કરતૂતોના દસ્તાવેજોનો નાશ કરવા કામે લાગ્યા હતા. ઘણી કચેરીઓ અને સરકારી આવાસોમાંથી અચાનક ધુમાડો ઊઠવા લાગ્યો હતો, જે ઘણા દિવસો સુધી દેખાતો રહ્યો. શું સળગાવાયું, કેમ સળગાવાયું તેની અધિકારીઓ પાસે ઘણી વાર્તાઓ હતી પણ એ નક્કી હતું કે અંગ્રેજો તેમનાં કરતૂતોનો એક પણ દસ્તાવેજ છોડવા નહોતા માગતા. બીજી તરફ રજવાડાં મુદ્દે સરદાર પટેલ પહેલેથી જ સજાગ થઇ ચૂક્યા હતા. તેઓ રજવાડાં-રિયાસતોના પ્રમુખોને સતત મળી રહ્યા હતા. તેમને સમજાવવા પ્રયાસ કરતા હતા અને હિન્દુસ્તાનનો હિસ્સો બની રહેવાના ફાયદા ગણાવતા હતા.
સરદાર પટેલના લોખંડી વ્યક્તિત્વ અને તેમની દૂરદર્શિતાને કારણે જ સવાસોથી વધુ રજવાડાં મારા ભાગલા પહેલાં જ મારામાં ભળવા તૈયાર થઇ ચૂક્યાં હતાં. દેશના ઘણા ભાગોમાં અશાંતિ ફેલાઇ હતી. બાપુ જાણતા હતા કે મેની ગરમી આ વખતે કંઇક વધારે જ અનુભવાશે, કદાચ આ કારણથી જ તેઓ મે મહિનો શરૂ થતાં રાજકીય ઉઠાપટકથી દૂર દિલ્હીની મલિન વસાહતમાં પહોંચીને લોકોની વચ્ચે બેસી ગયા. તેઓ ઇચ્છતા હતા કે કોંગ્રેસીઓ અંગ્રેજોનો એવો કોઇ જ પ્રસ્તાવ ન માને કે જે દેશનું વિભાજન કરતો હોય. તેમનું માનવું હતું કે અંગ્રેજો અહીંથી જતા રહે, જે થશે તેને અમે પહોંચી વળીશું.
દરમિયાન, આઝાદીની ‘માઉન્ટબેટન યોજના’ લંડન પહોંચી ચૂકી હતી. વાઇસરોય તરફથી એટલી સરકાર પાસે આઝાદીની રૂપરેખા પહોંચી હોય તેવો આ પાંચમો પ્રયાસ હતો. મૂળે ભાગલાને પહેલાં ગાંડપણ કહેનારા વાઇસરોયે ભાગલાની જ રૂપરેખા મોકલી હતી, જે વાંચ્યા બાદ નેહરુએ લગભગ બરાડીને કહ્યું- ‘બધો ખેલ ખતમ થઇ ગયો.’ બીજી તરફ બ્રિટિશ પીએમ એટલીએ અમુક સુધારા કરીને માઉન્ટબેટન યોજના પાછી મોકલી દીધી. હિન્દુસ્તાની નેતાઓને સુધારેલો મુસદ્દો મંજૂર નહોતો. માઉન્ટબેટને નેહરુના પ્રિય વી. પી. મેનનની મદદ લીધી. બનેલી યોજનાને નેતાઓની મંજૂરી મળી ગઇ. માઉન્ટબેટન બધું લઇને લંડન પહોંચ્યા. મેનન પણ સાથે હતા. બંને 1947ની 31 મેએ દિલ્હી પાછા ફર્યા. ગાંધીજી પણ જેના માટે કમને તૈયાર થયા હતા તે બધું નક્કી થઇ ચૂક્યું હતું. હવે આ ભાગલાના મુસદ્દા પર અંતિમ મહોર વાગવાની જ બાકી હતી.
- કાલે વાંચો: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ ટુકડા થઇ ગયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.