આખો દેશ પૈસા માટે લાઈનમાં ઊભો છે ત્યારે ગુજરાતનું આ ગામ છે કેશલેસ!

Nov 23,2016 9:03 PM IST

સમગ્ર દેશમાં નોટબંધી બાદ હાલ બેંકો અને ATM બહાર લાઈનો જોવા મળે છે. લોકો પૈસા ઉપાડવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભાં રહે છે. ત્યારે ગુજરાતમાં આવેલું છે એક એવું ગામ જેને આ નોટબંધીની કોઈ અસર નથી થઈ. આ ગામ એટલે સાબરકાંઠાનું આકોદરા. આ ગામ દેશનું સૌપ્રથમ ડિઝીટલ અને કેશલેસ વિલેજ છે. અહીં રોકડમાં કોઈ વ્યવહાર જ થતો નથી. ICIC બેંકે આ ગામને દત્તક લીધું છે અને ગ્રામજનો તેના સહયોગથી 24 કલાક એસએમએસ દ્વારા બેંકિગ સેવાનો લાભ મેળવે છે. અહીં તમામ લોકોના બેંકમાં ખાતા છે. જ્યારે ગામમાં કોઈ વસ્તુ લેવા જાય ત્યારે મોબાઈલ દ્વારા દુકાનદારને પોતાના ખાતમાંથી નાણાં ટ્રાન્સફર કરી દે છે. એક મેસેજ દ્વારા જ સામેવાળાના ખાતામાં તુરંત જ રૂપિયા જમા થઈ જાય છે. ગામમાં આવેલી દુધમંડળી કે દુકાનો પર કોઈપણ જાતનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આ કેશલેશ સેવા ઉપરાંત ગામમાં એનિમલ હોસ્ટેલ, 24 કલાક વાઈ-ફાઈ સુવિધા અને પીવાના પાણી માટે આર.ઓ પ્લાન્ટની વ્યવસ્થા પણ છે. ગામે ડિઝીટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે.