સ્ટિવ સ્મિથે રડતાં રડતાં માગી માફી, કહ્યું બૉલ ટેમ્પરિંગ માટે હું જવાબદાર

Mar 29,2018 6:19 PM IST

બૉલ ટેમ્પરિંગ બાબતે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવ સ્મિથે ઓસ્ટ્રેલિયા પાછા આવી માફી માગી છે. તેણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, બોલ ટેમ્પરિંગ માટે હું દિલગીર છું અને આ માટે માત્ર હું જ જવાબદાર છું. આ મારી લીડરશિપની વિફળતા છે. આ દરમિયાન સ્ટીવ સ્મિથ પોતાની જાતને સંભાળી ન શક્યો અને રડવા લાગ્યો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટને ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેને બૉલ ટેમ્પરિંગની સંપૂર્ણ જવાબદારી લીધી અને માફી માગી. આ વાત કહેતાં કહેતાં સ્ટિવ સ્મિથ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. સ્મિથે કહ્યું કે, સારા લોકો પણ ભૂલ કરે છે. મેં સૌથી મોટી ભૂલ કરી છે કે મેં આ બધુ થવાં દીધું. મેં બહુ ખોટો નિર્ણય કર્યો. હું દિલગીર છું અને માફી માગું છું. આશા છે કે હું આ નુકસાનીની ભરપાઈ કરી શકું. સ્મિથે રડતાં રડતાં કહ્યું, મારી જાણકારીમાં આવું પહેલીવાર થયું છે. હું તમને પ્રોમિસ કરું છું કે આવું ફરીવાર નહીં થાય. હું ઓસ્ટ્રેલિયાની ટીમનો કૅપ્ટન હતો. આ બધું મારી સામે થયું. આ ઘટનાની તમામ જવાબદારી હું લઉં છું પ્રેસ કોન્ફરન્સ પૂરી કરતાં પહેલાં સ્મિથે કહ્યું, હું દિલથી આ ઘટના માટે દિલગીર છું. હું ક્રિકેટને પ્રેમ કરું છું. હું યુવા ખેલાડીઓને આ રમત માટે પ્રેરિત કરવા માગુ છું કે યુવાઓ આ રમત રમે. આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે. ખૂબ જ તકલીફ આપનારી છે. મેં ઓસ્ટ્રેલિયન સમર્થકોને જે દુઃખ આપ્યું તેની માફી માગું છું.; આ પહેલાં બૉલ ટેમ્પરિંગ બાબતે ડૅવિડ વૉર્નર અને કેમેરોન બેન્ક્રોફ્ટે પણ માફી માગી છે. કૅપટાઉન ટેસ્ટમાં બૉલ ટેમ્પરિંગ બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ સ્મિથ, ડૅવિડ વૉર્નર પર 12 મહિના સુધીનો અને કેમરુન બેનક્રેફ્ટને 9 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ ઘટના પછી CAએ તેની તપાસ કરી અને બુધવારે આ ખેલાડીઓને સજા સંભળાવી. એક વર્ષના પ્રતિબંધ ઉપરાંત CAએ કહ્યું કે સ્મિથ 12 મહિનાના પ્રતિબંધ દરમિયાન ઓસ્ટ્રેલિયાની કોઈપણ ટીમમાં કેપ્ટનશિપ નહીં કરી શકે. CAના આ નિર્ણય પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ (BCCI)એ પણ સ્મિથ અને વોર્નરને IPLની આ સિઝનમાં પણ બેન કર્યા છે.