ધર્મશાલા / ધોની હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે: વિરાટ કોહલી

Sep 14,2019 7:09 PM IST

ભારત અને દક્ષિણ આફ્રિકા રવિવારે ધર્મશાલા ખાતે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમશે. મેચના એક દિવસ પહેલા ભારતના કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં એમએસ ધોનીના વખાણ કરતા કહ્યું હતું કે, તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે અને તેના અનુભવને કોઈ રિપ્લેસ કરી શકે તેમ નથી. ધોનીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝમાં સ્થાન નથી મળ્યું. વર્લ્ડ કપ દરમિયાન ધીમી બેટિંગ કરવા બદલ તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે, અનુભવ હંમેશા મહત્ત્વનો રહેશે. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે, ઉંમર ફક્ત એક નંબર છે. તે રીતે ધોનીએ પણ પોતાના કરિયરમાં ઘણું કર્યું છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે. નિવૃત્તિ લેવી તે વ્યક્તિગત નિર્ણય છે, બીજા કોઈએ તે અંગે ટિપ્પણી ન કરવી જોઈએ.