બાપુ, અમને માફ કરજો! / સિંહનો શિકાર: બાપુ સામે રાજદ્રોહ, આંખે દેખ્યો અહેવાલ

Jan 30,2018 2:31 PM IST

30મી જાન્યુઆરીએ એ દૈવનિર્મિત શુક્રવારે ગાંધીજીની ધારણા હતી કે બે દિવસ પછી સેવાગ્રામ જવા નીકળવું. આપના ત્યાં પહોંચવાની તારીખની ખબર આપતો તાર સેવાગ્રામ કરી દઈએ? એવું તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: તારના પૈસા શીદને બગાડવા. અહીંથી નીકળવાની તારીખ હું સાંજના પ્રાર્થના-પ્રવચનમાં જાહેર કરીશ. અને સેવાગ્રામવાળાને તાર પહોંચે તે પહેલાં તો છાપાંમાંથી એમણે તે જાણી લીધું હશે.એ દિવસે સ્નાન કરીને આવ્યા પછી ગાંધીજી ઘણા પ્રફુલ્લ લાગતાં હતા. આશ્રમની કન્યાઓનાં સૂકલકડી શરીર માટે તેમની મજાક એમણે ઉડાવી. કોઈકે કહ્યું કે એક બહેન આજે સેવાગ્રામ જવાનાં હતાં. પણ વાહન ન મળવાથી ગાડી ચૂકી ગયા. આ સાંભળીને ગાંધીજી બોલ્યા: તે ચાલીને કેમ સ્ટેશને ન પહોંચી ગયાં? પોતાની પાસે જે કાંઈ સાધન હોય તે વડે હર કોઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જણે તૈયાર રહેવું જોઈએ, એવી ગાંધીજીની અપેક્ષા હતી. તેઓ જે કાંઈ કામ સોંપતાં, તેમાં સગવડનો અભાવ કે મુશ્કેલી વગેરે બહાનાં સ્વીકારવામાં આવતાં નહીં. દક્ષિણ હિંદના તેમના પ્રવાસ દરમિયાન એક વાર વાહનમાં પેટ્રોલ ખૂટ્યું ત્યારે, તેર માઈલ દૂર સ્ટેશને પહોંચવા માટે પ્રવાસનો સામાન ઉપાડીને પગપાળા જવા તેઓ તૈયાર થઈ ગયા હતા.