2018માં થશે ત્રીજુ વિશ્વયુદ્ધ, નવા વર્ષને લઈને નાસ્ત્રેદમસે કરી છે આ આગાહી

Jan 03,2018 7:44 PM IST

જ્યારે પણ કોઈ આગાહીની વાત આવે એટલે ફ્રાન્સના 16મી સદીના ભવિષ્યવેતા નાસ્ત્રેદમસનું નામ જરૂર ઊછળે. ફરી પાછું બાબા નાસ્ત્રેદમસનું નામ ચર્ચામાં આવ્યું છે. એમની કોઈ ભવિષ્યવાણી ફરી રહી છે કે આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને દુનિયાની સાડાસાતી શરૂ થશે. કેમ કે એ યુદ્ધ છેક 2025માં પૂરું થશે. દુનિયામાં એક મોટો વર્ગ છે જે નાસ્ત્રેદમસની કવિતા સ્વરૂપે કરાયેલી આગાહીઓને સચોટ માને છે. તે પ્રમાણે તેઓ આગામી 20 સદીઓ માટે ચારસો વર્ષ અગાઉ જથ્થાબંધ આગાહીઓ કરી ગયા છે. કહે છે કે પ્રિન્સેસ ડાયેનાનું અકાળ અવસાન, નેપોલિયન-હિટલરના ઉદય, બીજું વિશ્વયુદ્ધ અને તેમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ, 9/11નો હુમલો જેવી તમામ ઘટનાઓની એણે સચોટ આગાહીઓ કરેલી. ઇવન એણે પોતાનું મોત પણ અગાઉથી ભાખી લીધેલું. મૃત્યુની એક રાત પહેલાં એણે કહેલું કે આવતી કાલે રાત્રે પલંગ અને ખુરશીની વચ્ચે એનું મોત થશે. ડિટ્ટો એવું જ થયું! આ તમામ અમંગળ આગાહીઓનું સંકલન નાસ્ત્રેદમસના પુસ્તક પ્રોફેસિસમાં છે. એમની લેટેસ્ટ આગાહી ગંભીર છે. તેનું કારણ છે અત્યારનો વૈશ્વિક માહોલ. ઉત્તર કોરિયાનો ચક્રમ સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના ટેબલ પર મોબાઇલની બાજુમાં પરમાણુ બોમ્બનું બટન રાખીને બેઠો છે. ISISના આતંકવાદીઓએ ઉપાડો લીધો છે. ભારત-પાકિસ્તાન, અમેરિકા-રશિયા, ચીન-અમેરિકાના સંબંધોમાં ખટાશ વધી રહી છે. આગાહી કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ 2025માં પૂરું થશે ત્યાર પછીની દુનિયા જોવા માટે બહુ ઓછા લોકો બચ્યા હશે. નાસ્ત્રેદમસના પટારામાં આ વર્ષ વિશેની બીજી આગાહીઓ કંઇક આવી છેઃ મૃત આત્માઓ કબરમાંથી જાગશે અને વિશ્વમાં અશાંતિ ફેલાવશે, ચીનમાં ભૂકંપ હજારો લોકોનો ભોગ લેશે, પેસિફિક બેલ્ટમાં જ્વાળામુખી પણ હજારો લોકોને ગળી જશે, બાકીના લાખો લોકો પૂરમાં ડૂબી મરશે... નાસ્ત્રેદમસની અન્ય એક આગાહીને નિષ્ણાતો ગ્લોબલ વૉર્મિંગ સાથે પણ જોડી રહ્યા છે. એમણે લખ્યું છે કે, રાજા જંગલોને ચોરી જશે, આકાશ ખૂલી જશે, તાપથી બધાં ખેતરો બળી જશે... એક્ચ્યુઅલી, નાસ્ત્રેદમસની આગાહીઓ અષ્ટંપષ્ટં કવિતાઓ સ્વરૂપે છે, એટલે લોકો તેમાંથી મનગમતા અર્થો શોધી લે છે. આપણે પ્રાર્થના એટલી જ કરવાની કે બાબા નાસ્ત્રેદમસની આગાહીઓ ગુજરાતની ચૂંટણીના એક્ઝિટ પોલ્સની જેમ સદંતર ખોટી પડે.