• Home
  • Gujarati Videos
  • special interview with gujarati actress janki bodiwala in Hu, tame ne celebrity

હું, તમે ને સેલિબ્રિટી / જાનકી બોડીવાલાએ કહ્યું, ‘છેલ્લો દિવસ’નું ઓડિશન આપનારમાં હું સૌથી પહેલી છોકરી હતી

Sep 20,2019 5:41 PM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’; નામનો શો શરૂ કર્યો છે, જેમાં બીજા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા સાથે તેમના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. જાનકી બોડીવાલા ડેન્ટિસ્ટનું ભણતી હતી અને તેણે ભણવાનું અધવચ્ચે મૂકીને ફિલ્મ ‘છેલ્લો દિવસ’; સાઈન કરી હતી. આ ફિલ્મ આટલી હિટ જશે, તે જાનકીને પણ ખ્યાલ નહોતા. ફિલ્મ હિટ જતાં જ જાનકીએ ભણવાનું પડતું મૂકીને એક્ટ્રેસ બનવાનો નિર્ણય લીધો હતો. એક સમયે જાનકી બોડીવાલાનો પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો, જેમાં ત્રણ કાકા તથા તેમનો પરિવાર થઈને 25 લોકો ઘરમાં રહેતાં હતાં. જોકે, હાલમાં તો જાનકી પેરેન્ટ્સ તથા ભાઈ સાથે રહે છે. ડેન્ટિસ્ટમાંથી એક્ટ્રેસ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? આને તો ડેસ્ટિની કહેવાય. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક્ટ્રેસ બનીશ. જોકે, નાનપણમાં જેમ બધાને ડ્રીમ હોય કે એક્ટર બનવું છે, ગીતો ગાવા છે, ડાન્સ કરવો છે, એવું મને પણ હતું. એક દિવસ અચાનક જ મારા પપ્પાએ કહ્યું કે ગુજરાતી ફિલ્મનું ઓડિશન છે તો તું આપી દે. મને થયું કે ચલો ઓડિશન આપી દઈએ અને પછી જે થયું તે તો બધાને ખ્યાલ જ છે. તો, તમે નાનપણમાં શું બનવાનું વિચાર્યું હતું? જ્યારે હું સાતમા ધોરણમાં હતી ત્યારે મારા ભાઈની મલમપટ્ટી કરી હતી તો ત્યારે વિચાર આવ્યો હતો કે મારે ડોક્ટર બનવું છે. પછી પપ્પાને જોઈને વકીલ બનવાનો વિચાર આવ્યો હતો. પછી સાયન્સ લીધું અને બીડીએસ (બેચરલ ઓફ ડેન્ટલ સર્જરી) કર્યું. બસ ફર્સ્ટ યરમાં હતી અને ‘છેલ્લો દિવસ’; માટે ઓડિશન આપ્યું. ઓડિશનમાં કયો સીન ભજવ્યો હતો? મારા પરિવારમાંથી હું પહેલી જ છું, જે ફિલ્મમાં આવી છે. ઓડિશનમાં ફોન કોન્વર્ઝેશનવાળો એક સીન હતો. જેમાં મારે નિખીલ સાથે વાત કરવાની હતી. નિખીલ બીજી જગ્યાએ છે અને હું મારા રૂમમાં છું. મારો બર્થડે છે અને હું ફોન પર વાત કરું છે. તમને ખ્યાલ છે, આ રોલ માટે કેટલા લોકોએ ઓડિશન આપ્યું હતું? એ સમયે ગુજરાતી ફિલ્મનો આટલો પ્રચાર નહોતો પરંતુ ‘છેલ્લા દિવસ’; માટે ઘણાં બધાએ ઓડિશન આપ્યાં હતાં, તેવો મને અંદાજો છે. જોકે, ઓડિશન આપવામાં હું સૌથી પહેલી હતી, એ મને આજે પણ યાદ છે. સ્ક્રીનની નટખટ જાનકી, રિયલ લાઈફમાં કેવી છે? સાચું કહું તો હું ઘણી જ શાંત છું. મેં તો સ્કૂલમાં પણ કોઈ તોફાનો કર્યાં નથી. સ્કૂલમાં હું ઘણી જ હોંશિયાર છોકરી હતી. હું બધા જ ટીચરની ફેવરિટ હતી. માથામાં તેલ નાખીને જતી હતી. રિયલ લાઈફમાં હું સહેજ પણ ચુલબુલી નથી. ‘છેલ્લો દિવસ’;ના શૂટિંગની આગલી રાત નર્વસનેસ થઈ હતી? આખી રાત જાગી નહોતી. ડાર્ક સર્કલનું ટેન્શન હતું. અમે બહુ બધા રિહર્સલ કર્યાં હતાં. હું કેમેરાને પહેલી જ વાર ફેસ કરવાની હતી. મને એવું નહોતું લાગતું કે હું શૂટિંગ માટે જઈ રહી છું, મને એમ જ લાગતું હતું કે હું રિહર્સલ માટે જ જઈ રહી છું. મનમાં મને એવો કોઈ ડર નહોતો. અમે 15 દિવસ સુધી રિહર્સલ કર્યાં હતાં. રોજ સવારે 10થી સાંજના 5 સુધી રિહર્સલ કર્યાં હતાં. 10 વાગે બધા જ ઓફિસ આવી જાય. સીન બાય સીન રિહર્સલ કરતાં હતાં. ‘છેલ્લાં દિવસ’;નો પહેલો સીન કયો હતો? ફિલ્મનો મુર્હૂત શોટ હતો. એમાં હું નહોતી. એ શોટ ફિલ્મમાં પણ નથી. એ સીનમાં ફિલ્મના તમામ કલાકારો હતો. એ સીન નરિયા (માઈકલ)નો હતો. એ આખો મોનોલોગ હતો. હું દૂર ઊભી રહીને જોતી હતી. હું નોટિસ કરતી હતી. પછી મારો સીન આવ્યો. એ સીન પણ ફિલ્મમાં નથી. વાસ્તવમાં પહેલાં દિવસના તમામ સીન્સ સ્ક્રેપમાં ગયા હતાં. એ દિવસે સરે (કૃષ્ણદેવ યાજ્ઞિક) મિટિંગ પણ બોલાવી હતી. અમને એમ પણ કહ્યું હતું કે થોડી મજાક મસ્તી ઓછી કરીને કામ પર ફોકસ કરો. આ દિવસ અમને બધાને જ યાદ રહેશે. ‘છેલ્લાં દિવસ’;ના સેટ પર ફિલ્મ જેવી જ ધમાલ મસ્તી કરતાં? અમને કોલેજનો એક રૂમ આપી દેવામાં આવ્યો હતો. જેમાં હેર-મેકઅપ, કોસ્ચ્યુમ તમામ આવી ગયાં હતાં. આ ફિલ્મના શૂટિંગ માટે અમને વ્યક્તિગત રૂમ મળી શકે તેમ નહોતા. કલાકારો વચ્ચે આ રૂમ આપવામાં આવ્યો હતો. જ્યારે સીન ના હોય ત્યારે અમે બધા આ રૂમમાં બેસીને ચીલ કરતાં, વાતો કરતાં, રિહર્સલ દરમિયાન બધાને પહેલી જ વાર મળી હતી. ધીમે ધીમે બધા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. રૂમમાં પ્રોજેક્ટર હતું તો તેમાં ફિલ્મ જોતા. ગીતો ગાતા તથા પિકનીક પર જતાં એવું લાગતું હતું. ‘છેલ્લા દિવસ’;નો કયો સીન મુશ્કેલ હતો? ‘છેલ્લા દિવસ’;ના શૂટિંગ દરમિયાન કોઈ મુશ્કેલી પડી નથી. ‘છેલ્લા દિવસ’;માં એન્ડમાં જે સ્પીચ આવે છે, તે મારા માટે થોડી ટફ હતી. આ સીન ઓડિટોરિયમમાં હતો, જેમાં મારે હજાર લોકોની સામે બોલવાનું હતું. કેમેરાના અલગ-અલગ એન્ગલ હતાં. પહેલાં એક ટ્રોલી શોટ આમ જાય, પછી એક સામે આવે, પાછળથી, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. એ મારા માટે થોડું કોન્સિયસ થઈ ગયું હતું. અમારા સર તથા ફિલ્મમાં લોય (મિત્ર ગઢવી) નો રોલ જે પ્લે કરે છે, તે મારી બાજુમાં જ ઊભા હતાં. એટલે જો સ્પીચમાં ક્યાંક અટકી જાઉં તો મને પ્રોમ્ટ કરી દેતા અને હું ફરી પાછી સ્પીચ ચાલુ કરી દેતી હતી. ‘છેલ્લો દિવસ’; રિલીઝ બાદ અભ્યાસ છોડવાનો નિર્ણય કેવી રીતે લીધો? ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી જ મજા આવતી હતી. ફિલ્મના શૂટિંગ સમયે ખ્યાલ નહોતો કે આ ફિલ્મ આટલી મોટી હિટ જશે. મને શૂટિંગ કરવું ગમતું હતું. કોલેજમાં હતી ત્યારે સવારે પાંચે વાગે ઊઠવું મને આકરું લાગતું હતું પણ શૂટિંગ માટે હું ચાર વાગે ઊઠી જતી હતી. મેં થોડો બ્રેક લીધો. ફિલ્મ હિટ ગઈ અને પછી મને બેક ટુ બેક કામ મળવા લાગ્યું ત્યારે નક્કી કર્યું કે હવે હું ફિલ્મમાં જ કામ કરીશ. ગુજરાતી સિનેમાને કેવી રીતે જુઓ છો? આમ તો મારું ભવિષ્ય. ઓવરઓલ વાત કરું તો ગુજરાતી સિનેમા ધીમે ધીમે પગલાં લઈ રહી છે. બેબી સ્ટેપ લે, એ સારું છે. કારણ કે બેબી સ્ટેપ બહુ આગળ સુધી જાય છે. ભવિષ્ય બહુ જ સારું છે. ગુજરાતીમાં સારા સારા પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યાં છે. નવા સબ્જેક્ટ્સ પર ફિલ્મ બની રહી છે. ગુજરાતી સિનેમાની કઈ બાબત બદલવા ઈચ્છો છો? કોમેડી, કોમેડી તો ઠીક છે. એક નવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવો. ડિફરન્ટ ડિફરન્ટ સબ્જેક્ટ, ટોપિક્સ છે, એમાં પણ ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ બને તે વધારે સારું. દસે એક ફિલ્મ બનતી હશે, જે ફિમેલ ઓરિએન્ટેડ હોય છે. આ સિવાય બધું સારી રીતે ચાલે છે. આગામી પ્રોજેક્ટ્સ કયા છે? ‘તુ રાજી રે..’; ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તે ખ્યાલ નથી. તેમાં ઘણાં બધા સારા ગુજરાતી કલાકારો છે. આ ફિલ્મ કેન્સર રિલેટેડ છે. આ ફિલ્મને લઈ વધારે નહીં કહી શકું. ફ્યૂચર પ્રોજેક્ટ્સ ચાલુ થશે. હમણાં એક શૂટિંગ ચાલુ કરીશ. ફિલ્મ્સમાં આવી એ પહેલાંની અને અત્યારની જાનકીમાં કેટલો ફેરફાર થયો? ચાર વર્ષ પહેલાં જેવી હતી, તેવી જ આજે પણ છું. જો કોઈ ફેર આવ્યો હશે તો પણ તે 10-20 ટકા આવ્યો હશે. હવે હું લોકો સાથે વાતો કરતી થઈ છું. જોકે, હજી પણ હું પહેલાં જેવી જ શાંત છું. ડ્રીમ કેરેક્ટર કયું છે? પૂરે પૂરી લવ સ્ટોરી હોય તેવી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે. આ ઉપરાંત ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મમાં કામ કરવું છે. આલિયા ભટ્ટે ‘હાઈવે’;માં જે રોલ કર્યો તે પ્રકારનો રોલ કરવો છે. ફેમિનિઝમને લઈ તમે શું માનો છો? ફેમિનિઝમમાં હું માનતી નથી પણ ઈક્વાલિટીમાં માનું છું. ફિઝિકલ સ્ટ્રેન્થને બાદ કરીને એના સિવાયની તમામ ઈક્વાલિટીમાં જરૂરથી માનું છું. તમે બે શોર્ટ ફિલ્મ રિલેશનશીપ પર કરી છે, તો જાનકી અંગત રીતે રિલેશીનશીપને લઈ શું માને છે? તમે જેની સાથે કમ્ફર્ટેબલ હોવ, જેનામાં કમ્પેનિયનશીપ હોય., તમારા મનમાં જે ચાલે તે તમે બધું જ તે વ્યક્તિ સાથે શૅર કરી શકો, તેને સારી રિલેશનશીપ માનું છું. પહેલી કમાણી કેટલી હતી અને મમ્મી-પપ્પા માટે શું લીધું હતું? ‘છેલ્લો દિવસ’;નો ચેક આવ્યો નહોતો. ફિલ્મ પછી મેં તરત જ એક શૂટ કર્યું હતું અને તેમાં મને પાંચ હજાર મળ્યાં હતાં. ‘છેલ્લા દિવસ’;નો જે ચેક આવ્યો તેમાંથી મેં મારા માટે ફોન લીધો હતો. મારા પેરેન્ટ્સે મને સપોર્ટ આપ્યો છે. જે કરવું હોય તે કરે. મમ્મીને એવું હતું કે હું ભણી લઉં. તે હંમેશાં સપોર્ટિવ રહ્યાં છે. સેટ પર સાથે મમ્મી એક-બે વાર જ આવી છે. મને પ્રાઈવસી ભરપૂર આપી છે. આઉટડોર શૂટિંગ હોય ત્યારે મેનેજર સાથે હોય છે. મેનેજર હોય એટલે મારી મમ્મીને શાંતિ. ફિટનેસ માટે શું કરો છો? હું જીમમાં જતી નથી. હું કઈ રીતે પાતળી થઈ એ મને પણ ખબર નથી. હું પ્રોપર ત્રણ ટાઈમ પેટ ભરીને જમું છું. મને લાગે છે કે મારું મેટાબોલિઝમ ફાસ્ટ થઈ ગયું છે. હું સાયકલિંગ, વોકિંગ, યોગ કંઈ જ કરતી નથી. છેલ્લાં દોઢ વર્ષથી તો કંઈ જ કર્યું નથી. થોડાં સમય પહેલાં ડાન્સ ક્લાસ જોઈન કર્યાં હતાં પરંતુ તેમાં પણ બે મહિનામાં સાત દિવસ જ ગઈ હતી. આ સિવાય કંઈ જ કર્યું નથી. હાલમાં તો હું વધુ પાતળી થઈ ગયું છે એટલે થોડું વજન વધારવું છે. રોજ સવારે ઊઠીને એક બોટલ પાણી પી લઉં છું. 15 મિનિટ પછી જાતે ગ્રીન ટીન બનાવું છે. પછી બપોરના લંચ કરું છું. બ્રેક ફાસ્ટ કરતી નથી. શૂટિંગ ના હોય ત્યારે દસ સાડા દસ વાગે ઊઠું. તમારે જેટલું ખાવ એટલું ખાવ પરંતુ તમારે ભોજનના અલગ-અલગ પોર્શન કરીને ખાવા જોઈએ, જેમ કે, એક કલાક પહેલાં આ ખાધું. દોઢ કલાક પછી હું આ ખાઈશ. આ રીતે થોડું થોડું ખાતા રહેવાથી વજન વધતું નથી. ખાવાથી વજન ના વધે. ના ખાઈએ તો શરીરમાં હવા ભરાઈ જવાથી વજન વધી જાય છે. શૂટિંગ દરમિયાન હું અલગ-અલગ પોર્શનમાં જમતી નથી. ત્યાં ખાવાનું ધ્યાન રહેતું નથી. શૂટિંગ પર કોઈનું મેઈન્ટેન રહેતું નથી. જો તમે મમ્મીને સાથે લઈ જાવ તો રહે. શૂટિંગ દરમિયાન તો તમને સમયનું પણ ભાન રહેતું નથી. હું ફ્રૂટ્સ ખાતી જ નથી. સેટ પર જે મળે, તે જ ખાઈ લઉં છું. શૂટિંગ ના હોય ત્યારે શું કરો? જ્યારે શૂટિંગ ના હોય ત્યારે હું મારા રૂમમાં બેઠી હોઉં. નેટફિલિક્સ પરની સીરિઝ જોઉં. મારા બહુ બધા ફ્રેન્ડ્સ નથી. વીકેન્ડમાં ફ્રેન્ડ્સને મળતી હોઉં છું. અમદાવાદમાં હેંગ આઉટ જેવું ખાસ નથી. એટલે સેટરે ડે નાઈટ અમારી ફેવરિટ નાઈટ છે. મારા બધા ફ્રેન્ડ્સ ઘરે આવે અને અમે સવારના છ વાગ્યા સુધી સાથે બેસીને મસ્તી કરીએ. અત્યારે જે મારા ફ્રેન્ડ્સ છે, તે સ્કૂલમાં મારા ક્લાસમાં નહોતાં. મારી એક ફ્રેન્ડ પ્રીત હતી, તેના ફ્રેન્ડ્સ છે. અમે છેલ્લાં સાત વર્ષથી પાંચ ફ્રેન્ડ્સ સાથે છીએ. મારી કોલેજની બેસ્ટ ફ્રેન્ડ એકતા છે, તેની સાથે આજે પણ ટચમાં છું. ઘરની બહાર નીકળતા કઈ વસ્તુઓ પર્સમાં અચૂકથી હોય? હું ક્યારેય લિપસ્ટિક વગર ઘરની બહાર નીકળતી નથી. આ ઉપરાંત મારો ફોન, વોલેટ આ ત્રણ વસ્તુ હોય જ છે. ફિલ્મ સાઈન કરતી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો? ફીમેલના ખાસ એવા કોઈ કેરેક્ટર હોતા નથી. ધીમે ધીમે એ પણ ચેન્જ થઈ રહ્યું છે. સામાન્ય રીતે કો-એક્ટર જોવું, લોકો જોવું, ડિરેક્ટર અને ડીઓપી જોવું. બસ આ બાબતો જોવું. માણસો આજુ બાજુના સારા હોય તો બધું જ સારું થાય. અત્યાર સુધી કયું લોકેશન ટફ લાગ્યું? ‘ઓ ત્તારી’; વખતે કચ્છમાં બે દિવસ શૂટ કર્યું હતું. માર્ચ મહિનામાં અમે રણ જેવા પ્રદેશમાં શૂટિંગ કર્યું હતું. ત્યાં તો અમે બે જ દિવસ શૂટ કર્યું હતું. તડકા ને કારણે મારા માટે ટફ હતું. તડકો સીધો મોં પર આવતો હતો. તમારી પાસે સુપર પાવર હોય તો સૌથી પહેલાં શું કરો? મારી પાસે સુપરપાવર હોય તો વિશ્વમાં શાંતિ જ લાવીશ. હું મારા માટે કંઈ નહીં કરું. વોરની જરૂર જ શું છે. હું તો શાંતિમાં માનું છું. શાંતિથી રહો અને રહેવા દો.