વડોદરા / પતંગ ચગાવવામાં મશગૂલ યુવક સાતમાં માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો

Jan 14,2020 4:58 PM IST

વડોદરાઃશહેરના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતા રહેતા 16 વર્ષના કરણ રાઠોડનું ટેરેસ ઉપરથી પટકાતા મોત નીપજ્યું હતું. કરણ ટેરેસમાં પતંગ ચગાવવામાં મશગુલ હતો. તે દરમિયાન એકાએક પટકાતા મોતને ભેટ્યો હતો. શહેરના ખોડીયાર નગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસ આવેલા છે. મુખ્યમંત્રી આવાસના બસંધીર હાઇટ્સમાં બી-706માં રહેતો કરણ પોપીન્સકુમાર રાઠોડ ટાવરના લોકો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. દરમિયાન એકાએક નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. કરણ નીચે પટકાતા જ પિતા સહિત ટાવરના લોકો દોડી આવ્યા હતા. અને તુરત જ તેને સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જોકે, તબીબોએ સારવાર આપતા પહેલાં જ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બનતા બંસીધર હાઇટ્સમાં ગમગીની ફેલાઇ ગઇ હતી અને ઉત્તરાયણનો પર્વ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.