આણંદ રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવતા હોબાળો

Oct 21,2019 11:22 PM IST

આણંદ: આણંદ રેલવે સ્ટેશન પર સફાઈ કામદારોને મસ્ટર પર દર્શાવેલા દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવતા હોબાળો મચ્યો હતો. રેલવે સ્ટેશનમાં સફાઇ માટેનો કોન્ટ્રાક્ટ રાજસ્થાનના કોન્ટ્રાક્ટરે રાખ્યો છે. છેલ્લા 6 માસથી કોન્ટ્રાક્ટ પર વર્ષો જૂના 42 સફાઇ કામદારો કામ કરી રહ્યાં છે. તેઓને છેલ્લા કેટલાય સમયથી દૈનિક વેતન પેટે માત્ર રૂા 250 ચુકવવામાં આવ્યા છે. તાજેતરમાં મસ્ટર પર સફાઇ કામદારોને દૈનિક વેતન પેટે રૂા 390માં સહી કરવાનું કહેતા સફાઇ કામદારોએના પાડી હતી. તેઓને 6 માસ બાદ મસ્ટર આવ્યું ત્યારે ખબર પડી કે દૈનિક 140 રૂપિયા ઓછાં આપવામાં આવે છે. જેથી સફાઇ કામદારો ભેગા મળીને સોમવારે કામથી અળગા રહીને કોન્ટ્રાકટર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. દૈનિક વેતન પૂરેપૂરું ચુકવવાની માંગ કરી હતી. મસ્ટર પર રૂ.390 દર્શાવ્યા હતા કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદાર તરીકે કામ કરતાં જયદેવ વાધેલાએ જણાવ્યું હતું કે, 6 માસ અગાઉ રાજસ્થાન સી.એલ.મીણાને આણંદ રેલવે સ્ટેશન પર સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેઓએ શરૂઆતથી કોન્ટ્રાક્ટ બેજ પર 42 સફાઇ કામદારોને પાસે કામ કરાવતા હતા. તેઓએ દૈનિક માત્ર 250 લેખે પગાર ચુકવતા હતા. તેઓ શરૂઆત મસ્ટર બતાવતા ન હતા. જો કે જયાં સુધી રેલવે તંત્રની મંજૂરી ના મળે ત્યાં સુધી મસ્ટર મળ્યું ન હતું. તાજેતરમાં મસ્ટર પર સફાઇ કામદારોને નામ સાથે દૈનિક વેતન દર્શાવવામાં આવ્યું હતું. જેમાં દૈનિક વેતનના રૂા.390 દર્શાવ્યા હતા. તેમ છતાં તેઓ એક સફાઇ કામદારોને માત્ર 250 ચુકવતા હતા. પેન્શનના પૈસા કાપી લેતા હાથમાં 200 250માંથી પણ પેન્શનની રકમ કાપી લેતા હતા. જે બાબતે સફાઇ કામદારોએ તેઓને રજૂઆત કરતાં તેઓએ જાતિવાચક શબ્દોથી અપમાન કર્યું હતું. તેમજ 250 રૂપિયામાં કામ કરવું હોય તો કરો નહીં તમને છુટા કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. તેના વિરોધમાં આજે સફાઇ કામદારોએ સફાઇ કામથી અળગા રહીને કોન્ટ્રાકટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ગુજરાત રેલવે પોલીસને આ બાબતે લેખિત રજૂઆત કરીને કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.