નો ફેક ન્યૂઝ / માસૂમને ટોર્ચર કરાતો હોય તેવો વીડિયો વાઈરલ, દિલ્હીના ટીચરનું કારનામું કહીને થાય શેર

Oct 05,2019 6:17 PM IST

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેમાં એક શખ્સ માસૂમને માર મારતો અને ઉંધો લટકાવતો નજરે પડે છે. આવું હિચકારું કૃત્ય કરનાર શખ્સ સામે અનેક યૂઝર્સે ફિટકાર વરસાવ્યો હતો. અનેક લોકોએ આ વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે આ સનકી દિલ્હી પબ્લિક સ્કૂલ , રાજબાગનો શિક્ષક છે. જે બાદ અમે તેની પડતાલ હાથ ધરતાં જ ચોંકાવનારી હકિકત સામે આવી હતી. જેવી અમે આ વીડિયોના કીવર્ડ સર્ચ કર્યા તો જાણવા મળ્યું હતું કે આ વીડિયો જૂનો છે જે ભારતનો નહીં પણ સાઉદી અરેબિયાનો છે. એટલે કે આ ઘટનાને ઈન્ડિયા સાથે કંઈ જ લાગતું વળગતું નથી. આ વીડિયો જોઈને જે તે સમયે સાઉદી પોલીસે પણ આ શખ્સની ધરપકડ કરી દીધી હતી. સાઉદી મીડિયાના રિપોર્ટ્સ મુજબ ફિલિસ્તીની નાગરિક એવા આ શખ્સનું નામ યૂસુફ અલકુતાઈ છે. યૂસુફે પોલીસને જણાવ્યું હતું કે તેણે માસૂમ નાની ઉંમરમાં જ જલદી ઊભો થવા લાગે તે માટે આવું કર્યું હતું. પોતાનું આવું કૃત્ય ગુનો હોવાની જાણ થતાં જ તેણે માફી પણ માગી હતી. પોતાનો બચાવ કરીને તેણે આ બદલ તેની પત્નીને જવાબદાર ગણાવી હતી. એટલે કે અમારી તપાસમાં સામે આવ્યું કે આ વીડિયોમાં કરાયેલા દાવાઓ સદંતર પાયા વિહોણા છે, આવી કોઈ જ ઘટના દિલ્હીમાં બની નથી.