હળવદના માથક ગામની સીમમાં ખેતરમાં દાટેલી હાલતમાં 40 વર્ષીય વ્યક્તિની લાશ મળી

Dec 08,2019 11:37 PM IST

હળવદ: મોરબીના હળવદ તાલુકાના માથક ગામમાં સીમમાં એરંડાના ખેતરમાં 40 વર્ષીય વ્યક્તિની લાશ મળી હતી. ખેતરમાં આંટો મારવા જતા ખેડૂત દંપતીને ખૂબ વાસ આવતા અને કૂતરાઓ ખોદીને બહાર કાઢતા અજાણી વ્યક્તિની લાશ મળી હતી. આ મામલે ખેડૂતે સરપંચને જાણ કરતા તેણે પોલીસને બોલાવી હતી. લાશને બહાર કાઢીને રાજકોટ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. લાશ ગૂમ વ્યક્તિની જ હોવાનું તપાસમાં બહાર આવ્યું માથક ગામની સીમમાં એરંડાના ખેતરમાં ખેડૂત દંપતી ભરત મકવાણા અને લીલા મકવાણા પહોંચ્યા હતા. દરમિયાન તેમને ગંદી વાસ આવતી હોવાનું જણાતા તેમણે સરપંચને ખેતરમાં લાશ હોવાનું ધ્યાન દોર્યું હતું. સરપંચે હળવદ પોલીસ અને મામલતદારને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હળવદ પીઆઈ સંદીપ ખાંભલા અને મામલતદાર વીકે સોલંકી ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસ કરતાં લાશ મળૂ વડોદરાના વાઘોડિયા તાલુકાના મોટા ભરડા ગામના હુનિયાભાઈ આદિવાસીનું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હત્યા કયા કારણે અને કોણે કરી છે તપાસી રહી છે. આડા સંબંધમાં હત્યાની પોલીસને શંકા હળવદ પીઆઈ સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે, માથકમાં જમીનમાં દાટેલી લાશ મળી હતી જેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવતા ગામમાં એક જ ચર્ચા ચાલે છે કે આડા સંબંધમાં તેની હત્યા થઈ છે. હત્યારા અન્ય કોઈ નહીં પરંતુ તેના ઘરના જ હોઈ શકે છે. હાલ તપાસ ચાલી રહી છે સાચી હકીકત તપાસ બાદ બહાર આવશે. (તસવીર અને માહિતી: કિશોર(કેશવ) પરમાર, હળવદ)