ગોવા / રાજ્યપાલે દેશના અમીરોને સડેલા બટાકાના બારદાન જેવા કહ્યા, ક્યારેય એક પણ રૂપિયાનું દાન ના કરે

Dec 03,2019 3:25 PM IST

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે દેશના અમીરોની જે સરખામણી કરતું નિવેદન આપ્યું હતું તે હવે વિવાદોમાં ફસાય તેવા સંજોગો પેદા થયા છે. મલિકે તેમની સ્પીચમાં કહ્યું હતું કે, આપણા ત્યાં જે અમીર છે તેને હું માણસ ગણતો જ નથી. હું તો તેમને સડી ગયેલા બટાકાની બોરી જ માનું છું. જેમના પોકેટમાંથી એક પણ રૂપિયો નથી નીકળતો. સત્યપાલ મલિકે આ નિવેદેન પણ ગોવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઇ)ના સમાપન સમારોહમાં આપ્યું હતું. આ સ્પીચમાં તેમણે દેશમાં વધી રહેલી બેરોજગારી અને ગરીબી પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દેશના અનેક શહેરોની સડકો પર બેગ ભરાવીને હજારો યુવાનો રોજગારીની આશામાં ફરી રહ્યા છે. આપણે તેમને સારી નોકરીની પણ ગેરંટી નથી આપી શકતા. આવી જ હાલત દેશના ખેડૂતો અને જવાનોની પણ છે જ. 14 માળના આલિશાન ઘરમાં રહેવાવાળા અમીરો એક રૂપિયો પણ શિક્ષણ, સેના કે યૂથ માટે નથી ફાળવતા. આવા લોકો મારા માટે તો સડી ગયેલા બટાકાના બારદાન જેવા જ છે. સાથે જ તેમણે ત્યાં હાજર ફિલ્મમેકર્સને પણ આવા લોકો અને મુદ્દાઓ તરફ ધ્યાન આપવાનું આહ્વાન કર્યું હતું. દુનિયાના અનેક દેશોમાં સુપર રિચ લોકો તેમની કમાણીનો અમૂક હિસ્સો ચેરિટીમાં ફાળવે છે પણ આપણા દેશનો અમીર વર્ગ આવું નથી કરતો.