રાજકારણ / મહારાષ્ટ્રમાં સરકાર બનાવનારી શિવસેના પાર્ટીનો ઈતિહાસ જાણો

Nov 27,2019 9:42 PM IST

ઉદ્ધવ ઠાકરે - શિવસેના નેતા હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એ ઉદ્ધવ ઠાકરે જેમણે બાળાસાહેબના નિધન બાદ પક્ષ પ્રમુખ બનવા છતાં ‘શિવસેના સુપ્રિમો’;નું ટાઈટલ લેવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારે આવો જાણીએ કે સિદ્ધાંતવાદી મનાતી શિવસેના નામની આ રાજકીય પાર્ટીનો ઈતિહાસ શું છે? શિવસેનાનો અર્થ થાય છે છત્રપતિ શિવાજીની સેના.. શિવસેના એ મરાઠી પ્રાદેશિક અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય સંગઠન છે. ૯ જૂન ૧૯૬૬ના રોજ મૂળ રાજકીય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ તેની સ્થાપના કરી હતી.[૧] આ પક્ષ મુંબઈના એક આંદોલનમાંથી ઉભર્યો હતો, જે શહેરમાં સ્થળાંતર કરતા મહારાષ્ટ્રીયન લોકો માટે રિઝર્વેશનની માંગ કરતો હતો. હાલમાં તેના અધ્યક્ષ બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે છે. શિવસેનાના સભ્યોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે. શિવસેનાએ સંપૂર્ણ ભારત સુધી વિસ્તરણ કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે પાર્ટીનો પ્રાથમિક આધાર હજી મહારાષ્ટ્રમાં જ છે. ઈતિહાસ - મુંબઈમાં ગુજરાતીઓ ઉદ્યોગો અને ધંધા પર રાજ કરતા હતાં અને દક્ષિણ ભારતના લોકો મજૂરી કરતા હતાં જેને લીધે ત્યાંના મરાઠી લોકોમાં અસંતોષ હતો; બાલ ઠાકરેએ આ અસંતોષને હથિયાર બનાવી પોતાના માર્મિક નામના સામયિકમાં બિન મરાઠીઓ પર આકરા પ્રહાર કર્યા અને ૧૯ જૂન ૧૯૬૬ના રોજ પાર્ટીની સ્થાપના કરી. બેરોજગાર મરાઠીઓ બાલ ઠાકરેના આવા વિચારોથી આકર્ષાયા અને શિવસેનાની વિચારધારા તરફ વળ્યા; શિવસૈનિકો દક્ષિણ ભારતીયોની હોટલમાં મરાઠીઓને નોકરી અપાવવા દબાણ કરવા લાગ્યા. ૧૯૭૦ના દશકમાં આ અભિયાન નિષ્ફળ જતા ભાજપ સાથે ગઠબંધન કર્યું અને શિવસેનાએ હિંદુત્વનો રાગ આલાપવો શરૂ કર્યો. શિવસેના પાર્ટીએ શરૂઆતથી જ મુંબઈ (બીએમસી) મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ૧૯૮૯માં તેણે લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપ સાથે જોડાણ કર્યું, આ જોડાણ ઓક્ટોબર ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં અસ્થાયી ધોરણે તૂટી ગયું હતું. મહાગઠબંધનમાં ઝડપથી સુધારો થયો અને શિવસેના ડિસેમ્બર ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં ભાજપ સરકારનો ભાગ બની ગઈ. ૧૯૯૮થી રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણમાં (એનડીએ) તે ગઠબંધનની ભાગીદાર છે, જેમાં ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન વાજપેયી સરકાર અને હાલની નરેન્દ્ર મોદી સરકારનો સમાવેશ થાય છે . પક્ષ પ્રમુખ બદલાયા - 2004માં બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની કમાન સંભાળી. પરંતુ હજુ બાળ ઠાકરેને જ પાર્ટીનો મહત્વનો ચહેરો ગણવામાં આવતો હતો. 17 નવેમ્બર 2012ના રોજ બાળ ઠાકરેનું નિધન થયું. ઉદ્ધવે જવાબદારી તો સંભાળી હતી પરંતુ શિવસેના સુપ્રિમોનું ટાઈટલ લેવાની મનાઈ કરી દીધી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સર્જન- 2005ના ડિસેમ્બર મહિનામાં બાળ ઠાકરેના ભત્રીજા અને ફાયરબ્રાન્ડ ઈમેજ ધરાવનાર રાજ ઠાકરેએ શિવસેના પાર્ટી છોડી અને પોતીના અલગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટી બનાવી. આ સમયે બંને પાર્ટીઓના સમર્થકો વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બન્યાં હતા. જોકે ત્યાર બાદ 19 માર્ચ 2006 ના દિવસે રાજ ઠાકરેએ શિવાજી પાર્ક ખાતે મનસેની પહેલી સભામાં કહ્યું હતુ કે, ‘અમે અમારું હિન્દુત્વનું સ્ટેન્ડ કદી નહીં છોડીએ અને મહારાષ્ટ્રનો અને અમારી પાર્ટીના ઝંડાના રંગનો વિકાસ એ જ અમારો એજન્ડા રહેશે’;. જોકે શિવસેનાની જેમ મનસે પણ અનેકવાર પોતાના નિવેદનો કે કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિઓથી ચર્ચામાં આવતી રહે છે. સરકારમાં સમાવેશ - 1971થી 2019 સુધી શિવસેનાનાં કુલ 5 સભ્યોને ભારત સરકારમાં મંત્રીપદ કક્ષાનો દરજ્જો મળ્યો છે. જેમાં મનોહર જોશી, આનંદરાવ અદસુલ,સુરેશ પ્રભુ, અનંત ગીતે, અને અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે.