ચોટીલાના ધારૈઇ ગામના ખેડૂતને અજાણ્યા શખ્સે માથામાં ગોળી ધરબી, રાજકોટમાં મોત

Nov 19,2018 9:47 PM IST

રાજકોટ: ચોટીલાના ધારૈઇ ગામમાં રવિવારે મોડી રાત્રે ભાગમાં વાવેલી વાડીનું ધ્યાન રાખતા ખેડૂતને અજાણ્યા શખ્સોએ માથામા ગોળી ધરબી દીધી હતી. ઘાયલને લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ લવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામા પલટાયો હતો. ચોટીલા તાલુકાના ધારૈઇ ગામના કાળુભાઇ મનજીભાઇ અતવાણી(ઉ.35)ને ગઇકાલે રાત્રે પોતાના ગામના જ ભરવાડ નાનુભાઇ બોગીયાના ખેતરે ભાગમાં રાખેલી વાડીનું રખોપું કરવા જતા હતા. દરમિયાન અજાણ્યા શખ્સે આવી પહોંચ્યો હતો અને હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું. જેમાં કાળુભાઇને માથાના ભાગે ગોળી વાગી ગઇ હતી. બનાવની જાણ થતા રાત્રે જ ગામના લોકો અને પરિવાજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જો કે તેને લોહી લુહાણ હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા આજે તેમનું મોત થયું હતું. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત થતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.