કચ્છ / રણોત્સવના ટેન્ટ સિટીમાં આગ લાગતા 3 ટેન્ટ ભસ્મિભૂત થયા, આયોજક પ્રવાસીઓને રિફંડ અને ટિકિટ આપશે

Jan 09,2020 6:32 PM IST

ધોરડો/ ભુજ: કચ્છના સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે આજના સૂર્યોદય બાદ સફેદ રણમાં બનેલી ટેન્ટસિટીમાં દૂર્ઘટના બની હતી. અહીં બ્રેક ફાસ્ટ સમયે અગમ્ય કારણોસર આગ લાગતા 3 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ટેન્ટમાં આગ લાગતા અહીં આવેલા પ્રવાસીઓના ડોક્યુમેન્ટ્સ અને વસ્ત્રો સહિતનો મુદ્દામાલ સળગીને રાખ થઈ ગયો હતો. આમાં અમેરિકાથી આવેલા પ્રવાસીઓના ડોલર તેમજ ટિકિટ સહિતના ડોક્યુમેન્ટ્સ પણ આગ હવાલે થઈ ગયા હતા. હીટરના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કોઈ જાનહાનિ થઈ ન થતાં દેશવિદેશથી આવેલા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. આગમાં પ્રવાસીઓની ટિકિટો પણ બળી જતા ટેન્ટ સિટીના આયોજકો દ્વારા વળતરરૂપે ટિકિટની ફાળવણી કરવા બાંહેધરી આપી હતી.