પોલીસે કિન્નાખોરી રાખી, ફરિયાદ ન લેતા કોર્ટમાં જઈશ: મહિપતસિંહ

Apr 03,2018 12:55 PM IST

ગોંડલ: ગોંડલના રિબડા ગામે IFS ઓફિસર પર હુમલા મામલે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કોર્ટમાં રજૂ કરતા તેને જામીન પર છોડવામાં આવ્યા હતા. મહિપતસિંહએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મારી સાથે કિન્નાખોરી રાખી છે. મારી ફરિયાદ લેતા નથી આથી હું હવે હાઇકોર્ટમાં ફરિયાદ કરીશ ત્યાં પણ ફરિયાદ નહીં લે તો હું સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરીશ. મહિપતસિંહ જાડેજાએ મીડિયા સાથે જણાવતા કહ્યું હતું કે, આ મામલામાં પોલીસે પૂરી તપાસ કરી નથી. ખાસ વાત એ છે કે ઓફિસરોએ જે સ્કોર્પિયો કાર FIRમાં લખાવી હતી તે જીજે 11 હતી અને પોલીસે જીજે 3 કાર કબજે કરી છે. IFS ઓફિસર લેવલના લોકોને અને સરકાર દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનની નહીં પડી હોય તેમ કોઈના ઘરની સામે લઘુશંકા કરવી એ યોગ્ય નથી. પોલીસે આ બાબતે અમારી કોઈ ફરિયાદ લીધી નથી. મારા જૂના કેસો જોઈને મારા પર આ કૃત્ય કરવામાં આવ્યું છે, આ બાબતે અમે ન્યાય માટે હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટેના દરવાજે જઇશું.