કર્ણાવતી કલબના ગાર્ડનમાં તું અમારા ફોટા કેમ પડે છે તેમ કહી નણંદ- ભાભી વચ્ચે મારામારી

Jan 23,2020 10:34 PM IST

અમદાવાદ: એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી કલબમાં નણંદ અને ભાભી વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. કલબમાં નણંદ અને ભાભી સામસામે આવી જતાં તું મારા કેમ ફોટા પાડે છે કહી ઝઘડો અને મારામારી થઈ હતી. સરખેજ પોલીસે આ મામલે માતા-પુત્ર અને પુત્રી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. થલતેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા અને ડિઝાઇનર સ્ટુડિયો ચલાવતા વૈશાલીબેન પટેલ એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબના મેમ્બર છે. પોણા બે વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થઈ ગયું છે. તેમના અવસાન બાદ વૈશાલીબેનને તેમના નણંદ ભૂમિકાબેન પટેલ સાથે ઓછું બોલવાના સંબંધ હતા. અવારનવાર તેઓ વચ્ચે ઝઘડો થતો હતો. સાંજે સાતેક વાગ્યે કલબમાં ગાર્ડનના હિંચકા પાસે વૈશાલીબેન ઉભા હતા તેમના હાથમાં ફોન હતો. દરમ્યાનમાં ભૂમિકાબેન તેમના પુત્ર આર્યન અને પુત્રી અનેરી સાથે ત્યાંથી પસાર થયા હતા. ભૂમિકાબેને અમારા ફોટા કેમ પાડે છે કહ્યું હતું. વૈશાલીબેને મેં ફોટા નથી પાડ્યા કહ્યું હતું. છતાં તેઓએ ગાળાગાળી કરી હતી અને નણંદ ભૂમિકાબેન તેમના સંતાનો સાથે ભાભી વૈશાલીબેનને માર માર્યો હતો. કલબમાં હાજર લોકોએ તેઓને છોડાવ્યા હતા. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.