ડાંગ અકસ્માત/ મૃતકના પરિવારને 2.5 લાખની સહાયની જાહેરાત, ડ્રાઈવર હોસ્પિટલમાં નજરકેદ

Dec 23,2018 10:40 PM IST

સુરતઃ શહેરના અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાનાં બાળકોને ટ્યૂશન આપતા ગુરુકૃપા કલાસીસના સંચાલકો દ્વારા પ્રવાસે લઈ જવાયેલાં બાળકોની બસ શનિવારે મહાલ-બરડીપાડા વચ્ચે તીવ્ર વળાંક પર બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 બાળકોનાં મોત થયા હતા. જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રાઈવર દારૂ પીધેલો હોવાનું બહાર આવ્યું છે. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર સંજય જીતેન્દ્ર મહેતાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અને તેને સિવિલ હોસ્પિટલમાં નજર કેદ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે સીએમ વિજય રૂપાણી દ્વારા અકસ્માતના મૃતકોને 2.5 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.