સજા / જોઈ લો દુષ્કર્મીઓનો અંજામ! નવમી રાતે નરાધમોનો નાશ, પ્રથમવાર દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર

Dec 07,2019 3:04 PM IST

વેટરનરી ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યા પછી તેને સળગાવનાર ચારેય આરોપીઓને હૈદરાબાદ પોલીસે શુક્રવારે વહેલી સવારે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ ઘટના સવારે 5.45થી 6.15 દરમિયાન શાદનગર કસબામાં એ જ સ્થળે થઈ કે ત્યાંથી લગભગ 400 મીટર દૂર આરોપીઓએ ડૉક્ટરને સળગાવી દીધી હતી. ક્રાઈમ સીન રિક્રિએટ કરવા અને ડૉક્ટરનો સામાન લેવા પોલીસ ચારેયને લઈને ગઈ હતી. એ દરમિયાન આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો અને હથિયાર લઈને ભાગ્યા. સાઈબરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે કહ્યું કે પોલીસની જવાબી કાર્યવાહીમાં ચારેય આરોપી ઠાર મરાયા હતા. સવારે-સવારે દુષ્કર્મના આરોપીઓના સમાચાર જાણીને દેશભરમાં લોકોએ ઉજવણી કરી હતી. હૈદરાબાદમાં એન્કાઉન્ટરવાળા સ્થળે લોકો પહોંચી ગયા હતા. તેમણે તેલંગણા પોલીસ જિદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસને ખભે ઊચકી લીધી હતી. પોલીસ પર ફૂલ વરસાવ્યા, ફટાકડા પણ ફોડ્યા. તેમના હાથે રાખડી પણ બાંધવામાં આવી હતી. હૈદરાબાદ એન્કાઉન્ટર પછી તિહાર જેલમાં કેદ નિર્ભયાના દોષીતોની સુરક્ષા વધારાઈ છે.