અમદાવાદ: સંપત્તિ પચાવી પાડવા 5 લાખની સોપાઈ આપી જમાઈએ સાસુની હત્યા કરાવી

Dec 28,2017 4:44 PM IST

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગર વિભાગ-2ના વિશાળ બંગલામાં એકાકી જીવન જીવતા 80 વર્ષીય વૃદ્ધા રંભાબહેન પટેલની ગળેટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ઘરમાં કોઈ લૂંટ ન થતાં પોલીસે જાણભેદુ જ હત્યા માટે જવાબદાર હોવાનું માનતી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં વૃદ્ધાની હત્યા કરાવનાર તેનો ત્રીજા નંબરનો જમાઈ જ હોવાનું બહાર આવ્યું હતું. તેણે વૃદ્ધાની હત્યા કરવા માટે 5 લાખની સોપારી આપી હતી. પોલીસને રંભાબહેન પટેલના જમાઇ રમેશ પટેલ પર શંકા ગઇ હતી. જે બાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા તેમની સધન પૂછપરછ કરાઇ હતી. જેમાં રમેશ પટેલે ગુનાની કબૂલાત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રમેશ પટેલેને રેતીના ધંધામાં નુકસાન થતાં દેવું થઇ ગયું હતું. જ્યારે સાસુ રંભાબહેનને કોઇ દીકરો ન હોવાથી તેમની સંપત્તિ હાંસલ કરી દેવું ભરપાઇ કરવા માટે તેમણે સાસુની હત્યા માટે મુંબઇમાં એક ઓળખિતાની મધ્યસ્થીથી સોપારી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધાની હત્યા કરાવનાર જમાઈને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.