હોબાળો / હાર્દિકની અમદાવાદની સભામાં છુટ્ટાહાથની મારામારી, ખુરશીઓ ઉછળી, 6ની અટકાયત

Apr 21,2019 1:32 AM IST

અમદાવાદઃ હજુ હાર્દિક પટેલના લાફાકાંડની શાહી બુજાઈ નથી ત્યાં જ ફરી આજે અમદાવાદના નિકોલમાં અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની સભામાં હાર્દિકની સામે હોબાળો થયો છે. હાર્દિક પટેલ જ્યારે સભા સંબોધવા પહોંચ્યો ત્યારે લોકોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવ્યો હતો. પાસના નેતા અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાથમાં વી વોન્ટ ગબ્બરના પોસ્ટર લઈ ‘હાર્દિક હાય હાય...’;ના નારા લગાવ્યા હતા. પોલીસનો લાઠીચાર્જ અને 6ની અટકાયતઃ આ હોબાળો થતાં હાર્દિકના સમર્થકો અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. જેમાં હાર્દિકના સમર્થકોએ અલ્પેશના સમર્થકોને ખુરશી-ખુરશીએ માર્યા હતા. જોકે પોલીસ સભામાં હોવા છતાં પરિસ્થિતિ વધુ તંગ બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.અંતે પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. હાર્દિકને આ સભામાં અસમાજિક તત્વો દ્વારા હુમલો થવાનો ડર હતોઃ હાર્દિક પટેલે આજે સવારે જ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી વધુ સિક્યુરિટીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું રાત્રે નિકોલમાં સભા સંબોધવાનો છું જે સભામાં મારા પર અસમાજિક તત્વો દ્વારા હુમલો થઈ શકે છે. આ સંદર્ભે પોલીસ વધુ બંદોબસ્ત ગોઠવી શાંતિ અને વ્યવસ્થા રહે તેવો પ્રયત્ન કરે. હાર્દિકે કહ્યું આ ભાજપના લોકોએ હોબાળો કર્યોઃ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપના મળતિયા લોકોએ મારી સભા બગાડવા માટે અને મારા ડરના કારણે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો અને ઘટના ભાજપ પ્રેરિત હતી. ગીતા પેટલે કહ્યું ભાજપની સભામાં લોકો થતાં નથી એટલે હોબાળો કરાવ્યોઃ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર ગીતા પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે ભાજપની સભામાં લોકો થતાં નથી એટલે મારી સભામાં વધુ લોકો જોઈ ભાજપના મળતિયાઓએ હોબાળો કરાવ્યો હતો. હાર્દિકના સહયોગીનો દાવો ‘આ ભાજપની જ ચાલ છે’; : આ ભાજપની ચાલ છે અને તેમણે જ અલ્પેશ કથિરીયાના બેનર્સ સાથે આવી ખોટી છાપ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. અલ્પેશના પિતા અને ભાઇએ પણ સ્પષ્ટ કરીને સમાજને જણાવ્યું છે કે આ બનાવમાં અલ્પેશ કે તેમની આસપાસની કોઇ વ્યક્તિ નથી અને તેમણે આ બનાવ બાબતે દુ્ઃખ પણ વ્યક્ત કર્યું છે. - નિખિલ સવાણી, હાર્દિકના સહયોગી દૂધ પાઈ ઉછરેલો સાપ હવે ફૂંફાડા મારે છે: હાર્દિક પટેલઃ અમદાવાદની સભા પહેલા હાર્દિકે દેહગામમાં યોજાયેલ સભામાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી જે સાંપને દૂધ પીવડાવી મોટા કર્યા તેણે હવે ફુંફાડા મારવાનું શરૂ કર્યુ છે. નાગ પંચમીના દિવસે નાગને દૂધ પીવડાવીએ છીએ પરંતુ બીજા દિવસે તે જ સાંપ ખેતરમાં દેખાય તો તેને મારીએ છીએ. એટલે હવે તેવી રીતે તેને મારવાનો સમય આવી ગયો છે.’;