તમિળનાડુ / 80 વર્ષનાં દાદી છેલ્લા ત્રીસ વર્ષથી માત્ર 1 રૂ.માં ઇડલી વેચે, ગરીબોના આશીર્વાદ કમાય

Sep 16,2019 8:19 PM IST

તમિળનાડુમાં જ્યાં 20 રૂ.ના ભાવે લોકોને ઇડલી મળે છે તેવામાં એક 80 વર્ષીય દાદી માત્ર એક જ રૂ.માં તાજી ઇડલી લોકોને સર્વ કરીને વાહવાહી મેળવી રહ્યાં છે. વડિવેલમ્પલયમનાં 80 વર્ષીય કમલાથલ રોજ સવારે પાંચ વાગે જાગીને તેમના ગ્રાહકો માટે ઇડલી, નાળિયેરની ચટણી અને સંભાર બનાવવા લાગે છે. આ ઉંમરે પણ એકલાહાથે તેઓ દરેક કામ કરે છે. તેમની નાની દુકાનની બહાર રોજ સવારે 6 વાગે જ ગ્રાહકોની ભીડ જમા થવા લાગે છે. માત્ર એક જ રૂપિયામાં ઇડલીનું વેચાણ કરવા અંગે તેઓએ જણાવ્યું હતું કે તેમના ગ્રાહકો ગરીબ અને મજૂર વર્ગમાંથી આવે છે જેના કારણે તેમને સસ્તું અને સારું ખાવાનું મળી શકે, સાથે જ તેઓ થોડી બચત પણ કરી શકે તે જ તેમનું લક્ષ્ય છે. છેલ્લા 30 વર્ષથી તેઓ આવો અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે. 10 વર્ષ પહેલાં તેઓ માત્ર પચાસ પૈસામાં જ ઇડલીનું વેચાણ કરતાં હતાં. હવે તેઓ એક રૂ.માં રોજની એક હજાર ઇડલી લોકોને પીરસે છે. તેમની કમાણીનો આંકડો પણ સાવ નજીવો કહી શકાય તેટલો એટલે કે 200 રૂ. છે. તેમના ગ્રાહકોએ પણ તેમને અનેક વાર ઇડલીનો ભાવ વધારવાનો આગ્રહ કર્યો હતો, જો કે દાદીમાએ કહ્યું હતું કે, તેઓ ક્યારેય 1 રૂ.થી વધુ ભાવ ઇડલીનો નહીં જ લે. સોશિયલ મીડિયામાં પણ કમલાથલની આવી નિસ્વાર્થ સેવાની વાત બહાર આવતાં જ અનેક યૂઝર્સે તેમના વખાણ કરતાં કહ્યું હતું કે ખરેખર ઉંમર એ માત્ર એક આંકડો જ છે, કોઈ પણ ઉંમરમાં કામ અને જુસ્સો ખતમ નથી થતો.