કચ્છમાં કરા પડતા સાયબેરિયાથી આવેલી 56 કુંજના મોત

Nov 16,2019 1:34 PM IST

ભુજ: રાજસ્થાનના સાંભર લેકમાં હજારો પક્ષી મરવાની દુઃખદ ઘટના બાદ ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગુરુવારે સાંજે આકાશમાંથી પડેલા કરાના કારણે બાનિયારી વિસ્તારમાં કચ્છના પ્રવાસી મહેમાન એવા 56 કુંજ પક્ષીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા,તો 17 ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાનિયારી સીમમાં કમોરાઇ તળાવ નજીક ખેતરોમાં શુક્રવારે સવારે આ ઘટના સામે આવી હતી,જેમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મૃત્યુ પામેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.આ અંગે સ્થાનિકોએ જીવદયા મંડળ અને વનવિભાગને જાણ કરતા તરત વનતંત્રની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. જેમાં 56 કુંજ પક્ષીની પ્રજાતિના ડેમોસાઇલ ક્રેન જે કરકરાના નામે ઓળખાય છે,તેના સામૂહિક મોત થયા હોવાનું સામે આવ્યું હતું.