અટકચાળુ / અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક, ભારતવિરોધી ટ્વિટ સાથે લખાયું, લવ પાકિસ્તાન

Jun 11,2019 1:02 PM IST

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. બચ્ચનની તસવીર અને બાયોડેટા સાથે છેડછાડ કરવા ઉપરાંત આ એકાઉન્ટ પરથી ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું માલુમ પડતાં ચકચાર મચી છે. જે પ્રકારે છેડછાડ થઈ છે એ જોતાં હેકર્સ પાકિસ્તાન સમર્થક હોવાનું જણાય છે. બચ્ચનના ફોટોની જગ્યાએ પાક. વડાપ્રધાન ઈમરાનખાનનો ફોટો લગાડીને ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું છે. ભારતમાં રમજાનના પવિત્ર મહિનામાં રોઝા રાખી રહેલાં મુસ્લિમો પર નિર્દયી હુમલાઓ થાય છે એવી મનઘડંત ઉશ્કેરણી ટ્વિટમાં કરવાનો નિંદનીય પ્રયાસ થયો છે. આ ઘટના વિશે બચ્ચનની સત્તાવાર પ્રતિક્રિયા હજુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહિદ કપૂર સહિત કેટલીક ફિલ્મી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયેલા છે.