ડોકટર બાળકી હોય તો બકરી અને બાળક હોય તો બોકડો જેવા કોડર્વડ વાપરતો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં ગર્ભ પરિક્ષણ કરતા પકડાયેલા ડોકટર અને વચેટીયાની કબુલાત

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં જુદા જુદા વિવાદમાં ફસાયેલા અને અગાઉ પણ પોલીસના હાથે ચડેલા ડો.ખેડાવાળાની હોસ્પિટલે છટકુ ગોઠવીને ભ્રુણ પરિક્ષણ કરતા રંગે હાથે ઝડપી લેતા આરોગ્ય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ડોકટર અને નવલગઢનો વચેટીયો પરિક્ષણ કર્યા બાદ જો બાળકી હોય તો બકરી અને બાળક હોય તો બોકડોના કોડવર્ડથી માતા પિતાને જાણ કરતા હોવાની વિગતો બહાર આવી છે.

કડક કાયદાની ઐતી તૈસી કરીને ધ્રાંગધ્રાનો ડોકટર ભ્રુણનું પરીક્ષણ કરતો હોવાની આરોગ્ય વિભાગને બાતમી મળી હતી. આથી ફુલ પ્લાનિંગ સાથે પ્લાન કરીને કલેક્ટર કે. રાજેશની સુચનાથી આરોગ્ય અધિકારીએ શનિવારે ધ્રાંગધ્રાના ડોકટર પ્રજ્ઞેશ ખેડાવાળા અને નવલગઢ ગામના કાંતીભાઇ પટેલને રંગે હાથે પકડી લીધા હતા. જેમાં પ્રાથમિક પુછપરછમાં એક ભ્રુણના પરિક્ષણ માટે આ ડોકટર રૂ.22 હજાર લેતો હતો.પોતાના ઉપર કોઇને શક ન જાય અને કોઇ સાણસામાં ન ફસાવે તે માટે ડોકટર આ કામ માટે કાંતી પટેલ નામના વચેટીયાને ખાસ રાખ્યો હતો. આ વચેટીયો ગ્રાહકોને લઇને આવતો હતો જેના બદલામાં કાંતીને રૂ.10 હજાર મળતા હોવાનું કહેવામાં આવી રહયુ છે.ડોકટર સામે પોતાની હોસ્પિટલમાં ગેરકાયદેસર સોનોગ્રાફી મશીન રાખીને માતાના ગર્ભમાં રહેલા જીવીત બાળક ન જન્મે અથવા જન્મ્યા પછી મરી જાય તેવા ઇરાદાથી ગેરકાયદેસર ધંધો કરવાનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ચોકાવનારી વિગતો બહાર આવવાની શકયતાઓ સેવાઇ 
રહી છે. 
ડોક્ટરને પકડવા ડમી માતાની મદદ લેવી પડી
ડો.ખેડાવાલાને ત્યાં ગેરકાયદેસર ભ્રુણનું પરિક્ષણ કરવામાં આવતુ હોવાની વિગતો આરોગ્ય વિભાગને મળી હતી. આથી આરોગ્ય વિભાગે પરફેકટ પ્લાન બનાવીને ગર્ભવતી માતા અને તેના પરિવારને મોકલી ડોકટરને અંતે પકડવામાં સફળતા મેળવી હતી. બાળકીઓની ઘટતી સંખ્યા એ ચીંતાનો વિષય બની ગયો હતો. ગર્ભમાં રહેલા બાળકની હાલત જાણવાની આડમાં ગર્ભમાં રહેલ સંતાન દિકરો છે કે દિકરો તે જાણવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેમાં સૌ પ્રથમ તો આ ગુનો બીન જામીન પાત્ર છે. અને તે ગુનો સાબીત થાય તો 10 વર્ષ સજાની જોગવાઇ છે. 

ડોકટર ખેડાવાલા અને કાન્તી પટેલ લાંબા સમયથી આ કાળા કામ આચરી રહયા હોવાનું માનવામાં આવી રહયુ છે. અને આથી જ તેમના કરતુતના મુળ સુધી પહોંચવા માટે પોલીસ સીલ કરેલા સોનોગ્રાફી મશીન અને સીસીટીવી ફુટેજ મેળવશે.જેના આધારે ભ્રુણ પરિક્ષણ કરાવનાર બીજા લોકો પણ સાણસામાં આવે તેવી શકયતા છે. જિલ્લામાં મોટાપાયે ગર્ભ પરીક્ષણ થઇ રહ્યું છે. ત્યારે આરોગ્ય અધિકારીઓ ગામડામાં જઇ તપાસ કરે તો મોટા પ્રમાણમાં કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.