સર્કસમાં વપરાતી પાટિયા વાળી સીડી બહારથી ફેંકાતાં દીવાલ ઠેક્યાનો ઘટસ્ફોટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કર્મનો ફરાર કેદી નળુથી પકડાતાં બારિયા જેલ બ્રેક પ્રકરણમાં નવો વળાંક
  • પ્રિપ્લાનિંગ બાદ કેદી ફરાર થયા, બહારની વ્યક્તિની સંડોવણી નીકળી
  • પોલીસ કર્મીઓને બપોરે જ્યારે કેદીને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
  • પોલીસ કર્મચારી જામીન મુક્ત અને કેદીને ફરી સબજેલમાં મોકલાયો
  • દુષ્કર્મનો કાચા કામનો કેદી રાત્રે નળુથી ઝડપાયો હતો, બૂટલેગર હજી ફરાર

દેવગઢ બારિયા: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આવેલી સબજેલમાં બંધ બુટલેગર અને દુષ્કર્મના ગુનામાં શામેલ એક યુવક 7મી તારીખની રાત્રે ફરાર થઇગયો હતો. આ ઘટનામાં સર્કસમાં વપરાતી પાટિયા વાળી સીડી બહારથી ફેંકાતા તેમણે 20 ફુટ ઉંચી દીવાલ ઠેકી હોવાનો કેદીએ ઘટસ્ફોટ કર્યો છે. ઘટનાના ચોથા દિવસે દુષ્કર્મમાં શામેલ યુવક તો નળુ ગામેથી ઝડપાયો છે જ્યારે બેદરકાર પોલીસ કર્મીઓની પણ રાત્રે ધરપકડ કરાઇ હતી. પોલીસ કર્મીઓ તો જામીન મુક્ત થઇ ગયા છે જ્યારે કેદીને પુન: સબજેલમાં મુકી દેવાયો છે. પ્રિપ્લાન જેલબ્રેકની ઘટનામાં બુટલેગર પકડાયા બાદ જ મદદ કરનાર બહારની વ્યક્તિ કોણ હતી તે સામે આવે તેમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના મીઠીબોર ગામનો ભીખા ભલજી ઉર્ફે હેમસિંગ રાઠવા દારૂની હેરાફેરી, હત્યાના પ્રયાસમાં અને ધાનપુર તાલુકાના ડુમકા ગામના ડામોર ફળિયાનો કૌશિક કિર્તન ડામોર દુષ્કર્મના ગુનામાં છેલ્લા સાત માસથી દેવગઢ બારિયાની સબજેલમાં બંધ હતાં. 7મી તારીખની સાંજના 7.15 વાગ્યે જેલ પરિસરમાં આવેલા હનુમાનજીના મંદીરે પૂજા કરવા માટે બહાર કાઢવામાં આવ્યા બાદ ફરાર થઇ ગયા હતાં. જેલ પાછળથી પાતળી દોરી અને ચપ્પલો મળી આવતા આ બંને જેલની દીવાલ કુદીને ભાગ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. 
આ પ્રકરણમાં જેલમાં ફરજાધિન  એએસઆઇ રમણસિંહ ગણપતસિંહ, કેન્સ્ટેબલ અલ્પેશકુમાર લક્ષ્મણસિંહ, કોન્સ્ટેબલ અનિલકુમાર રમેશભાઇ અને અશ્વિનભાઇ વાલસિંગભાઇ  સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા પોલીસે આ ચારેય પોલીસ કર્મચારીઓની રાતના 10 વાગ્યે ધરપકડ કરી હતી ત્યારે ફરાર કૌશિક ડામોર નળુ ગામની માલણીયા ફળિયાની ચોકડી પાસેથી રાત્રે ઝડપાતા રાત્રે બે વાગ્યે તેને પણ અટક બતાવાયો હતો. પોલીસ કર્મીઓને બપોરે3.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરતાં તેઓ જામીન મુક્ત થઇ ગયા હતા જ્યારે કૌશિકને સાંજે 5.30 વાગ્યે રજૂ કરાતા તેને પુન: સબજેલમાં ધકેલી દેવાયો છે. કોઇ વ્યક્તિએ બહારથી સર્કસમાં વપરાતી લાકડા વાળી સીડી નાખતા તેના વાટે બંને દીવાલ કુદીને ભાગ્યા હોવાનું કૌશિકે પોલીસને જણાવ્યુ છે. ત્યારે જેલબ્રેક કરવાના પ્રિપ્લાનિંગમાં બહારની કઇ વ્યક્તિ સંડોવાયેલી છે તે ભીખાની ધરપકડ બાદ સામે આવે તેમ છે.

2010માં પણ 2 કેદીએ દીવાલ ઠેકી હતી
6 સપ્ટેમ્બર 2010માં પણ દાહોદ જિલ્લાના લીમખેડાની ટ્રેઝરી કચેરી અને પોલીસ શસ્ત્રાગારમાં લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપી ગોરધન ભાભોર અને કાંકણખીલામાં ધાડ પાડનાર રમેશ પરમાર સોમવારે દેવગઢ બારિયાની સબજેલની દીવાલે દોરડું નાખી ફિલ્મી ઢબે ફરાર થઇ ગયા હતાં. આ સાથે થોડા વર્ષ પહેલા જ દે.બારિયા જેલમાં જ પોલીસની નજર ચુકવી એક કેદી ફરાર થવા માટે જેલમાં દિવાલથી ઉંચા ઝાડ ઉપર ચઢીને બેસી ગયો હતો. ધ્યાને આવતાં આ કેદીને ઉતારી પુન: પાજરે પુર્યા બાદ આ ઝાડ કપાવી દેવાયુ હતું. વર્ષ 2010માં ગોરધન તો દે.બારિયા જેલ અને જાપ્તામાંથી ત્રણ વખત ફરાર થયો હતો. આ સાથે થોડા વર્ષો પહેલાં ઝાલોદની સબજેલમાંથી તો એક સાથે 11 કાચાકામના કેદી ફરાર થવાની ઘટના પણ બની હતી.