સૌરાષ્ટ્રમાં વરસાદ / તાલાલામાં 4, ગીર ગઢડામાં 3, રૂપેણ નદીમાં પૂર આવ્યું, રાજકોટમાં હોર્ડિંગ પડવાથી એકનું મોત, હાપામાં વીજળી પડતા સગીરનું મોત

ગીર ગઢડામાં ધોધમાર વરસાદ

  • ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
  • રાજકોટમાં ભારે પવન ફૂંકાયો, જામનગરમાં ધોધમાર વરસાદ

Divyabhaskar.com

Jul 23, 2019, 07:55 PM IST

રાજકોટ:સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે. છેલ્લી બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં4 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. જામનગરના હાપામાં વીજળી પડતા 15 વર્ષના ગૌતમ લખમણભાઇ પરમાર નામના સગીરનું મોત નીપજ્યું છે.

હોર્ડિંગ પડવાથી એકનું મોત
રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ભારે પવનને કારણે 2 મોટા હોર્ડિંગ્સ ધારાશાયી થયા છે. જેમાં હોર્ડિંગ નીચે ઊભેલા 2 લોકોમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ધારીના રામવાળાની વાવડી ગામે એક કલાકમાં બે ઇંચ

અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. ધારીના રામવાળાની વાવડી ગામે એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

મેટોડા અને લોધિકામાં ધોધમાર વરસાદ

રાજકોટના મેટોડા અને લોધિકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનને લઈને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ કારણે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

(જયેશ ગોંધિયા, ઉના/જયદેવ વરૂ, અમરેલી)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી