• Home
  • Kutchh
  • Bhuj
  • Water around in the white desert, a new 10 km long route has to be found for the renaissance, 1000 people are building Tent City

ભાસ્કર ઓરિજિનલ / રણમાં ચારે તરફ પાણી, રણોત્સવમાં જવા માટે 10 કિમી લાંબો નવો રસ્તો શોધવો પડ્યો, 1000 લોકો બનાવી રહ્યા છે ટેન્ટ સિટી

રણોત્સવમાં ટેન્ટની સિટીની કામગીરી

  • 125 એકર વિસ્તારમાં તૈયાર થઈ રહ્યા છે 350 ટેન્ટ 
  • 2018માં 3.25 લાખ લોકો રણોત્સવમાં આવ્યા હતા, 28મીથી પ્રારંભ

Divyabhaskar.com

Oct 20, 2019, 05:36 PM IST

ધોરડોથી તુષાર માહેશ્વરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ: કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા એવા ખ્યાતનામ સ્લોગન સાથે જેનો પ્રચાર થયો એ કચ્છના રણમાં ચાલુ વર્ષે સારા ચોમાસાને કારણે પાણી ભરાઇ ગયા છે. રણોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ટેન્ટ સિટી ઉભું કરવાનો ધમધમાટ ચાલુ છે ત્યારે જેના કારણે સફેદ રણ વિખ્યાત છે એ નમક સરોવરના સ્થાને હાલમાં પાણી છવાયેલું છે અને તે પાણી નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઉતરશે અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સફેદી દેખાશે. પહેલી વખત એવું થયું છે કે રણોત્સવ શરૂ થવાના સમયે જ રણમાં પાણી ભરાયેલા હોય. અલબત, દિવાળી માણવા આવનારા પ્રવાસીઓ નિરાશ નહીં થાય, તેઓ નજીકમાં જ્યાં પાણી સુકાઇ ગયું છે અને મીઠું સપાટી પર આવી ગયું છે ત્યાં સહેલગાહે જઇ શકશે. જે ધોરડોથી હાજીપીરના રસ્તે દસેક કિમીના દાયરામાં છે.
28મી ઓક્ટોબરથી પ્રવાસીઓને સત્કારવાનું શરૂ થશે
અત્યારે કચ્છના રણમાં 125 એકર જેટલી બંજર જમીન પર ટેન્ટસિટી ઉભું કરવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. ટેન્ટ સિટીમાં દિવાળી દરમિયાન પ્રવાસીઓએ બુકીંગ કરાવેલું છે. પ્રોજેક્ટ મેનેજર શત્રુંજ્ય શુકલા વિશ્વાસથી કહે છે કે 28મી ઓક્ટોબરથી અમે પ્રવાસીઓને સત્કારવાનું શરૂ કરી દઈશું.
ડિસેમ્બરની શરૂઆતમાં રણમાં નમકની સફેદી છવાઇ જશે
23 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. હાલમાં 1000 માણસો બે મહિનાથી ટેન્ટ સિટી ઉભું કરવાના કામે લાગેલા છે. તેની સાથે પુષ્કળ મશીનરી પણ કામ કરી રહી છે. ચાલુ વરસે ચોમાસું સારૂં હોવાને કારણે કામમાં ખુબ પરેશાની આવી રહી છે છતાં બધું સમુસૂતરૂં પાર ઉતરી જવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રણોત્સવ શરૂ થયો ત્યારથી અહીં ડ્રાઇવીંગનું કામ કરતા હરેશ રાઠોડના કહેવા મુજબ આ વર્ષે સારા ચોમાસાને કારણે રણમાં પાણી ભરાયેલું છે. જેને ઓસરતા હજુ થોડોક સમય લાગશે. ડિસેમ્બરની શરૂઆતમાં રણમાં નમકની સફેદી છવાઇ જશે. ત્યાં સુધી નજીકના ઘડુલી-સાંતલપુર રોડ પર આશરે દશેક કિમી દુર જે રણ છે ત્યાં લોકોને લઇ જવાશે. ત્યાં અત્યારે પણ સફેદી દેખાઇ રહી છે. રણોત્સવને માણવા ગત વર્ષે 3.25 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતાં. જિલ્લા કલેકટર ઓફિસમાંથી મળેલી વિગત મુજબ દર વરસે પ્રવાસીઓની સંખ્યા વધતી જ જાય છે. એ પ્રમાણે સુવિધાઓ પણ વધારવામાં આવે છે. રસ્તા પણ પહોળા કરવામાં આવી રહ્યા છે. ટેન્ટ સિટીમાં પણ ટેન્ટની સંખ્યા વધારીને 350 કરી દેવામાં આવી છે.
દિવાળીએ સફેદ મીઠાની ચાદરના બદલે પાણી
રણમાં જમા થયેલું ચોમાસાનું પાણી દિવાળી સુધીમાં સૂકાઇ જાય છે. આ વખતે પહેલીવાર રણમાં પાણી ભરાયેલા છે. ગત વર્ષે 3.25 લાખ પ્રવાસી આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કાર્યાલયના આંકડા પ્રમાણે દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધે છે. એટલે આ વખતે ટેન્ટની સંખ્યા વધારીને 350 કરાઈ છે.
પીએમ કક્ષાના VIP માટે બુલેટપ્રૂફ ટેન્ટ
ટેન્ટ સિટીમાં હાલ 350 ટેન્ટ આકાર લઇ રહ્યા છે. વિવિધ ક્લસ્ટરમાં ટેન્ટ સિટી વહેંચાયેલી છે. એક પીએમ-સીએમ ક્લસ્ટર છે. અહીંના ટેન્ટ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન કક્ષાના વીઆઇપી માટે રિઝર્વ છે. આ ક્લસ્ટરના એક ટેન્ટને બુલેટપ્રૂફ બનાવાયો છે. લોખંડની જાડી પ્લેટ આ ટેન્ટની ચોતરફ લગાવવામાં આવી છે. જેના વિઝન થકી રણોત્સવ સાકાર થયો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક વખત અહીં મહેમાનનવાજી માણી ચૂક્યા છે.
20-25 રિસોર્ટ ધમધમી ઊઠશે
રણોત્સવના પ્રવેશદ્વાર એવા ભીરંડીયારાથી રણ સુધી ટેન્ટ સિટી ઉપરાંત 20-25 રિસોર્ટ અને હોમ સ્ટે પણ છે. મોટાભાગના રિસોર્ટ ભૂંગા શૈલીના છે. ગેટ વે ટૂ રણ રિસોર્ટનું પીપીપીના ધોરણે સંચાલન કરતા ધોરડોના સરપંચ મિયા હુસૈન કહે છે કે આ રિસોર્ટ્સ દ્વારા મોટી સંખ્યામાં સ્થાનિકોને રોજગાર મળે છે.
(તસવીર: પ્રકાશ ભટ્ટ, ભુજ)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી