- મનઘડત હુકમો: અબડાસા તાલુકા વિકાસ અધિકારીના ફતવાથી કર્મચારીઓમાં નારાજગી વ્યાપી
- અધિકારીનું દબાણ: 50થી 1000 સુધીના ટાર્ગેટ આપી સામ, દંડ અને ભેદની નીતિથી દબાણ કરાયું
Divyabhaskar.com
Nov 12, 2019, 08:28 AM ISTભુજ: કચ્છ જિલ્લા પંચાયતની એપ લોંચ કરાઈ છે. જે એપ વધુને વધુ ડાઉન લોડ થાય એટલે ગ્રામ પંચાયતના કર્મચારીઓ ઉપર સામ, દંડ અને ભેદની નીતિથી દબાણ કરાઈ રહ્યું, જેમાં અબડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નલીયાના તલાટીએ લક્ષ્યાંક પાર ન કરતા પગારથી વંચિત કરી દેવાયાના હેવાલ છે, જેથી કર્મચારી આલમમાં તઘલખી નિર્ણયથી ભારે નારાજગી ફેલાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને જિલ્લા પંચાયતની એપ ડાઉન લોડ કરાવવાની ચાનક ચડી છે, જેમાં એપ વધુને વધુ લોકો ડાઉન લોડ કરે એ માટે તાલુકા વિકાસ અધિકારીઓ ઉપર દબાણ કર્યું છે, જેથી તાલુકા વિકાસ અધિકારીઓએ ગ્રામ પંચાયતના તલાટીઓ ઉપર દબાણ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અબડાસા તાલુકાની નલીયા ગ્રામ પંચાયતના તલાટીને 950નો ટાર્ગેટ આપી દેવાયો હતો. તેમણે દિવસ રાત એક કરીને 350 વ્યક્તિઓ પાસે એપ ડાઉન લોડ કરાવી લીધી હતી. પરંતુ, અબડાસા તાલુકા વિકાસ અધિકારીએ માનસિક દબાણ લાવવાની હદ વટાવી દીધી હતી અને તલાટીને દિવાળી પહેલા પગાર ચૂકવ્યો ન હતો. એટલું જ નહીં પણ 11 તારીખ થઈ ગઈ છતાં હજુ સુધી પગારથી વંચિત રાખી દીધા છે. જે બાબતની ખરાઈ માટે અબડાસા તાલુકા વિકાસ અધિકારી પ્રજાપતિનો ટેલિફોનિક સંપર્ક સાધવાની કોશિષોમાં નિષ્ફળતા મળી હતી, જેથી તેમના આવા વર્તન પાછળ કોણ દબાણ કરે છે એ જાણી શકાયું નથી.