- પાકિસ્તાની વાઇલ્ડ લાઇફની સંસ્થાઓના ગૃપમાં ઘોરાડની હાજરીનો વીડિયો વાયરલ
Divyabhaskar.com
Oct 24, 2019, 09:23 AM ISTલાખોંદ: આંતરરાષ્ટ્રીય સ્તરે વિલુપ્તીના આરે ઉભેલા ઘોરાડ પક્ષીની પ્રજનન ઋતુ પૂર્ણ થઇ ગઈ છે, તેમ છતાંય નલિયાના ઘાસિયા મેદાન એવા ઘોરાડના ગુજરાતમાં એકમાત્ર ઘરેથી ચાલ્યો ગયેલો રાજ્યના અંતિમ નર ઘોરાડનો હજુ સુધી કોઈ જ અતોપતો વનવિભાગને મળ્યો નથી. ડિસેમ્બર 2018માં ગુમ થયેલા ઘોરાડને લઈને રાજ્યસ્તરે અને કેન્દ્ર સરકાર સમક્ષની મીટીંગોમાં તો અનેક એક્શનપ્લાન અને રજૂઆતો થઇ ચૂકી છે, પણ બદનસીબે હજુ સુધી તેનું હાલનું કાંઈ જ લોકેશન કે હાજરી નોંધાઈ નથી.
બીજી તરફ પાકિસ્તાનથી તાજેતરમાં સોશિલ મીડિયાના માધ્યમથી વાઈલ્ડલાઈફ પર કામ કરતી સંસ્થાઓના ગ્રુપમાં ત્યાં ઘોરાડની હાજરી નોંધાઈ હોવાના વિડીયો ફૂટેજ સામે આવ્યા છે. જે ક્યાંક ને ક્યાંક એ વાતને ફરી સમર્થન આપે છે કે ઘોરાડ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી ગયું છે. ભલે તે કચ્છનું હોય કે રાજસ્થાનનું ! કારણ કે વિશ્વમાં આ બે જ સ્થળોએ ઘોરાડ વસી રહ્યા છે. જો કે કચ્છના ઘોરાડનું અંતિમ લોકેશન લિફરી અને બન્ની થઈને બોર્ડર સુધી લોકોએ જોયો હોવાનું પણ વનવિભાગ દ્વારા ભૂતકાળમાં જણાવાયું હતું.
કચ્છનો નર ઘોરાડ ગુમ થઇ ગયો તે સમયે, પવનચક્કીની વીજલાઇન થકી સંભવત અપમૃત્ય અથવા ઘાસિયા મેદાનોમાં શિકાર થયો હોવાની ભીતિ દર્શાવી જાણકારોએ ભય વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અત્યાર સુધી એવી થિયરી પર ચાલતા હતા કે, નલિયાથી નખત્રાણા અને ત્યાંથી બન્ની થઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર આ પક્ષીએ ક્રોસ કરી હોય તે સંભવત સાચી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે, કારણ કે અહીંથી ભાવનગર નજીક કાળિયાર રાષ્ટ્રીય અભયારણમાં આ પક્ષી હોવાની વાત ને લઈને ગયેલી ટીમને પણ તેને શોધવામાં નિષ્ફતા જ મળી હતી.