ભુજ / રાજસ્થાનના સાંભરની પક્ષી ત્રાસદી બાદ હવે ગુજરાતના કચ્છમાં કરા પડતા સાયબેરિયાથી આવેલી 56 કુંજના મોત,17 ગંભીર રીતે ઘાયલ

  • રણમાં હજુ વધુ પક્ષીઓના મોતની આશંકા ; કમોસમી કરાનો કહેર સહન ન થતાં મૃત્યું પામ્યા

Divyabhaskar.com

Nov 16, 2019, 01:35 PM IST

ભુજ: રાજસ્થાનના સાંભર લેકમાં હજારો પક્ષી મરવાની દુઃખદ ઘટના બાદ ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગુરુવારે સાંજે આકાશમાંથી પડેલા કરાના કારણે બાનિયારી વિસ્તારમાં કચ્છના પ્રવાસી મહેમાન એવા 56 કુંજ પક્ષીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા,તો 17 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બાનિયારી સીમમાં કમોરાઇ તળાવ નજીક ખેતરોમાં શુક્રવારે સવારે આ ઘટના સામે આવી હતી,જેમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મૃત્યુ પામેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.આ અંગે સ્થાનિકોએ જીવદયા મંડળ અને વનવિભાગને જાણ કરતા તરત વનતંત્રની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. જેમાં 56 કુંજ પક્ષીની પ્રજાતિના ડેમોસાઇલ ક્રેન જે કરકરાના નામે ઓળખાય છે,તેના સામૂહિક મોત થયા હોવાનું સામે આવ્યું હતું. પૂર્વ કચ્છ વનવિભાગના ડીસીએફ પ્રવિણસિંહ વિહોલના માર્ગદર્શન હેઠળ ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રાંતસિંહ જાડેજા ટીમ સહિત ગયા ત્યારે,કુંજ પક્ષીઓમાં આંખ,હાડકા.પાંખ અને પગ સહિત તૂટેલા જોવા મળ્યા હતા.56 જેટલા પક્ષીઓ મૃત અને 17 ઘાયલ મળ્યા હતા. જેને ભચાઉ જીવદયા કેન્દ્રમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા.પશુ ચિકિત્સક ડો.પરેશ વિરપારીએ પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું કે,દરેક પક્ષીને શરીરમાં વિવિધ જગ્યાઓએ ઈજાઓ થઇ છે અને અન્ય કોઈ જ અસર નથી.જેથી કરાનો કહેર સહન ન કરી શકતા મોત થયું હોવાનું ફલિત થયું હતું.જી.એમ પટેલ, એ.વી ભાટિયા,એન.એસ કોળી,દિનેશ ગોજીયા અને ભાવેશ ચાવડા સહિતની ટીમ જોડાઈ હતી.બાનિયારીના સરપંચ રૂપાભાઇ આહીરે આશંકા દર્શાવી હતી દર્શાવી હતી કે, રણમાં વધુ પક્ષીઓના મોત હોઈ શકે.જો કે આ બાબતની ગંભીરતા જોઈને વનવિભાગ ત્રણ દિવસ સુધી રણમાં વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરશે એમ આર.એફ.ઓ જાડેજાએ જણાવ્યું હતું.


કચ્છના ચારેય અભ્યારણોમાં તપાસ કરવી જરૂરી : પ્રવાસી પક્ષીઓ માટે લાલબત્તી

એકતરફ બાનિયારીમાં મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ કરાના વરસાદથી મોતને ભેટયા છે,ત્યારે ઘોરાડ અભ્યારણ્ય,નારાયણસરોવર અભ્યારણ્ય,ઘુડખર અભ્યારણ્ય અને કચ્છ રણ અભ્યારણ્યમાં વનવિભાગે વધુ તપાસ કરવી જોઈએ.અમરાપર નજીક હજારોની સંખ્યામાં સુરખાબ આવી ગયા છે,ત્યારે તેમાં કોઈ જાનહાની છે કે કેમ ? તે તપાસનો વિષય છે.આ ઉપરાંત છારીઢંઢમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા પહોંચી આવ્યા છે.


ટ્વિટર પર મુદ્દો છેડાયો,સાંભર લેક દુર્ઘટના સાથે થઈ સરખામણી

આઈ.એફ.એસ અધિકારી પરવીન કાસવાને કુંજના મોતનો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે,રાજસ્થાનના સાંભર લેકમાં પુષ્કળ પક્ષીઓના મોત બાદ હવે આ કચ્છમાં બન્યું છે.અત્રે નોંધનીય છે કે,રાજસ્થાનનું સાંભર લેક મીઠાનું સરોવર છે.જેમાં તાજેતરમાં હજારો પક્ષીઓ મોતને ભેટ્યા છે.આ સાથે જ કચ્છના મુદ્દે ચર્ચાઓ શરુ થઇ ગઈ હતી,કોંગ્રેસ પાર્ટીની પ્રવક્તા પંખુરી પાઠકે પૂછ્યું કે,શું ફ્લૂથી આ ઘટના બની છે?.તો પર્યાવરણ વિદોએ આ ઘટનાને ગંભીર ગણાવી પર્યાવરણનું અસંતુલન વિષે ચર્ચાઓ છેડી હતી.


( વીડિયો અને અહેવાલ - રોનક ગજજર, ભૂજ )

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી