વિશ્વ ટપાલ દિવસ / હવે તમે તમારો મનગમતો ફોટો અધિકૃત ટપાલ ટિકિટ પર છપાવી શકો છો

અમદાવાદની હેરિટેજ બિલ્ડીંગ GPO ખાતે 'માય-સ્ટેમ્પ’ સુવિધા શરૂ કરાઈ છે

Divyabhaskar.com

Oct 09, 2019, 02:01 PM IST

૯ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજીસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરુઆત બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ઈ.સ. ૧૭૬૪ માં મુંબઇથી થઇ અને ઈ.સ. ૧૮૫૪માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરુ થયો હતો.

ટપાલ સંદેશા-વ્યવહારનું આજે પણ સુલભ માધ્યમ છે.અમદાવાદ શહેરમાં ૧૦૦થી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે. પરંતુ મિરઝાપુરની જનરલ પોસ્ટ ઓફિસની (જી.પી.ઓ.) હેરિટેજ શહેર અમદાવાદના ઐતિહાસિક ધરોહરમાંની એક ઈમારત છે.

બ્રિટિશ અમલદાર I.C.S. જે. એચ. ગેર્રેટ દ્વારા ઈ.સ. ૧૯૨૮માં આ ઇમારતનો પાયો નંખાયો હતો. રૂા. ૧,૨૮,૦૦૦/- ના ખર્ચે તૈયાર થયેલી પોસ્ટ ઓફિસ ઈ.સ. ૧૯૩૧માં ખુલ્લી મુકવામાં આવી હતી. જનરલ પોસ્ટ ઓફિસ રાજ્ય દીઠ એક જ હોય છે જ્યાં ટપાલ વિભાગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.

જી.પી.ઓ. ફિલાટેલી શાખામાં ટપાલ વિભાગની નવિનતમ સુવિધા 'માય-સ્ટેમ્પ' પણ ઉપલબ્ધ છે જેમાં વ્યક્તિ પોતાનો મનગમતો ફોટોગ્રાફ આપી અધિકૃત ટપાલ ટિકિટ છપાવી શકે છે. જી.પી.ઓ. ના મુખ્ય ડાકપાલ મહેશ ત્રિવેદીએ જણાવ્યું કે, અમદાવાદ હેરિટેજ શહેર ઘોષિત થયાની સાથે જ જી.પી.ઓ.નો સમાવેશ હેરિટેજ સ્થળોની યાદીમાં થયો હતો. પુરાણી ઇમારત આજે પણ અકબંધ છે અને કોઇપણ નાનું-મોટુ બાંધકામ મહાનગરપાલિકાની પરવાનગી બાદ જ કરવામાં આવે છે. શાળા-કોલેજના વિદ્યાર્થિઓ અને જ્ઞાન-રસિકો જી.પી.ઓ. તથા અહિંની ફિલાટેલી શાખાની મુલાકાતે આવતા રહે છે.

જી.પી.ઓ.માં એક તરફ કેંદ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ ખાતુ અને અટલ પેન્સન જેવી ફ્લેગશીપ બચત યોજનાઓની સુવિધા, સંપૂર્ણ ડિજિટલ પોસ્ટ પેમેન્ટ બેંક, આધાર કાર્ડ કેંદ્ર તો વળી બીજી બાજુ વિવિધ ટપાલ સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ, અહીની હેરીટેજ ઇમારતમાં ટપાલ વિભાગનો વારસો અને ભાવિ એકમેકની લગોલગ ઉભા છે...

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી