તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

48 વર્ષથી સતત ચાલતી તારક મહેતાની વિખ્યાત હાસ્ય કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ બંધ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ પદ્મશ્રીથી સન્માનિત વિખ્યાત હાસ્યલેખક સ્વ. તારક મહેતાની અતિલોકપ્રિય સાપ્તાહિક હાસ્ય કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોલમ છેલ્લાં 48 વર્ષથી સતત ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં પ્રકાશિત થતી હતી. 12 એપ્રિલ શુક્રવારના રોજ પ્રકાશિત થયેલા ચિત્રલેખા સાપ્તાહિકના અંકમાં ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે આ જાહેરાત કરી હતી.

તારક મહેતા અને તેમની સાપ્તાહિક હાસ્યકોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ એકબીજાનો પર્યાય બની ગયાં હતાં. ‘ચિત્રલેખા’ના 7 જૂન, 1971ના અંકથી આ ધારાવાહિકનો પ્રારંભ થયો હતો. ત્યાર પછી સતત આ હાસ્યશ્રેણી ચાલતી રહી હતી. યાને કે પાછલાં 48 વર્ષથી આ લેખશ્રેણી વિશ્વભરમાં રહેતા લાખો ગુજરાતીઓની પહેલી પસંદ બની ગઈ હતી. ચિત્રલેખામાં પ્રકાશિત થયેલી માહિતી પ્રમાણે 2017માં તારક મહેતાના અવસાનનાં સાતેક વર્ષ પહેલાંથી જ એમની નાદુરસ્ત તબિયતને કારણે તારકભાઈની ઈચ્છા-મંજૂરીથી એમની કોલમમાં ‘દિવ્ય ભાસ્કર’ના કટારલેખક લલિત લાડ ઉર્ફ ‘મન્નુ શેખચલ્લી’ પ્રાસંગિક ફેરફારો  કરતા હતા. તારકભાઈના અવસાન પછી પણ આ ક્રમ જારી રહેલો.

ટપુડો, જેઠાલાલ, ચંપકલાલ, રસિક સટોડિયો, પત્રકાર પોપટલાલ, રંજનદેવી, મટકાકિંગ મોહનલાલ, બે માથાળો બોસ, તંબક તાવડો અને ખુદ તારક મહેતા તથા એમનાં શ્રીમતીજી વગેરે અનેક પાત્રોની સાથે ગુજરાતીઓની એકથી વધુ પેઢી ઊછરીને મોટી થઈ છે. દુઃખની વાત એ છે કે હવે આ પાત્રો માત્ર તારક મહેતાનાં ડઝનબંધ પુસ્તકોમાં અને ચિત્રલેખાના જૂના અંકોમાં જ વાંચવા મળશે.

તારક મહેતાને દેશ-દેશાવરમાં પ્રચંડ પ્રસિદ્ધિ અપાવનાર આ કોલમને પ્રોડ્યુસર અસિત મોદીએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નામે અત્યંત સફળ ટેલિવિઝન ધારાવાહિકમાં પ્રસ્તુત કરી. ઈ.સ. 2008થી ‘સબ ટીવી’ પર શરૂ થયેલી આ સિરિયલની લોકપ્રિયતા આજે અગિયાર વર્ષ અને 2700થી વધુ એપિસોડ પછીયે અકબંધ રહી છે.

અન્ય સમાચારો પણ છે...