• Home
  • Utility
  • Gadgets
  • Latest
  • 50 years complete with the feet of the moon, Google gives a tribute to cosmonaut Mike Collins commentary video Doodle

માઈલસ્ટોન / માનવે ચંદ્ર પર પગ મૂક્યાનાં 50 વર્ષ, ગૂગલે ચંદ્રયાત્રી માઈક કોલિન્સની કોમેન્ટરીવાળા ડૂડલથી અંજલિ આપી

ચંદ્રયાત્રાનાં 50 વર્ષ નિમિત્તે ગૂગલે મૂકેલું ડૂડલ
ચંદ્રયાત્રાનાં 50 વર્ષ નિમિત્તે ગૂગલે મૂકેલું ડૂડલ
ચંદ્ર પર પહેલું સફળ ઊતરાણ કરનારી ટીમઃ (ડાબેથી) નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલિન્સ અને એડવિન ‘બઝ’ એલ્ડ્રિન
ચંદ્ર પર પહેલું સફળ ઊતરાણ કરનારી ટીમઃ (ડાબેથી) નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલિન્સ અને એડવિન ‘બઝ’ એલ્ડ્રિન

Divyabhaskar.com

Jul 20, 2019, 11:22 AM IST

ગેજેટ ડેસ્કઃ આજથી એક્ઝેક્ટ પચાસ વર્ષ પહેલાં 20 જુલાઈ, 1969ના રોજ અમેરિકાએ ચંદ્ર પર સમાનવ આરોહણ કરીને સોવિયેત રશિયા સામેની ‘સ્પેસ રેસ’ જીતી લીધી હતી. આ માઈલસ્ટોન સેલિબ્રેટ કરવા માટે ગૂગલે આજે 19 જુલાઈના રોજ એક અનોખું એનિમેટેડ વીડિયો સાથેનું ડૂડલ મૂકીને તેનું સેલિબ્રેશન કર્યું છે.

વન જાયન્ટ લીપ ફોર મેનકાઈન્ડનાં 50 વર્ષ
અમેરિકન અંતરિક્ષ સંશોધન સંસ્થા ‘નાસા’ના ‘અપોલો-11’ સ્પેસ યાને 16 જુલાઈ, 1969ના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર લોન્ચ કોમ્પ્લેક્સ ખાતેથી ટેક ઓફ કર્યું હતું. તેના ચાર દિવસ પછી 20 જુલાઈના રોજ ‘અપોલો-11’એ ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. ચંદ્રની મુલાકાતે ગયેલા ત્રણ અવકાશયાત્રીઓ પૈકી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકનાર પહેલી વ્યક્તિ તરીકેનું બહુમાન મેળવીને વિશ્વ ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધેલું. તેની સાથે એડવિન ‘બઝ’ એલ્ડ્રિને પણ ચંદ્ર પર પગ મૂક્યો હતો. જ્યારે ત્રીજા અવકાશયાત્રી માઈકલ કોલિન્સે યાનમાં જ બેઠા રહીને સમગ્ર યુનિટનું કંટ્રોલિંગ કર્યું હતું.

ખુદ ચંદ્રયાત્રીના અવાજમાં ડૂડલ

અવકાશયાત્રી (એટલે કે નીલ આર્મસ્ટ્રોંગ) ચંદ્રની ધરતી પર પગ મૂકી રહ્યો હોય તેવા એનિમેશનવાળો આ વીડિયો અપોલો-11ના લોન્ચ વેળાના કાઉન્ટડાઉનથી સ્ટાર્ટ થાય છે. લિફ્ટ ઓફ થયા પછી માઈકલ કોલિન્સનો અવાજ સંભળાય છે, જેમાં તેઓ કહે છે,

‘હાય, આઈ એમ માઈક કોલિન્સ. પચાસ વર્ષ પહેલાં અમે એક એડવેન્ચર પર ગયેલા, જેણે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિનને ઈતિહાસમાં સૌપ્રથમવાર ચંદ્રની ધરતી પર પગ મુકાવેલો. ત્યારે હું તેમની 60 માઇલ (96 કિમી) ઉપર કમાન્ડ મોડ્યુલમાં રહ્યો હતો, જે પાછળથી અમને ઘરે (પૃથ્વી પર) પરત લાવ્યું....’

મિશન ક્યારે ટેક ઓફ થયું તેની માહિતી આપીને કોલિન્સ કહે છે, ‘માણસને ચંદ્ર પર મોકલવા માટે 4 લાખ લોકોનો ખપ પડ્યો હતો, જેમાં એન્જિનિયર્સથી લઈને કમ્પ્યુટર પ્રોગ્રામર્સ અને જેમણે અમારા એર ટાઈટ સ્પેસ સૂટ સીવ્યા તે તમામનો સમાવેશ થાય છે. એ તમામની અપેક્ષાઓનો ભાર અમારા ખભા પર હતો. અમને હતું કે અમારું ઓન બોર્ડ કમ્પ્યુટર બહુ સોફિસ્ટિકેટેડ હતું, પરંતુ અત્યારે લોકો પોતાના ખિસ્સાંમાં લઈને ફરે છે તેના (મોબાઈલ ફોન) કરતાં પણ ઓછો કમ્પ્યુટિંગ પાવર તેમાં હતો.’

માઈકલ કોલિન્સના ઉમ્રદરાજ અને ઘૂંટાયેલા અવાજમાં આપણને સંભળાય છે કે, ‘નાસાએ અમારી સાથે સતત કનેક્ટેડ રહેવા માટે પૃથ્વી પર ત્રણ એન્ટેનાનો ઉપયોગ કર્યો હતો, જેમાંનું એક સ્પેનમાં, એક ઓસ્ટ્રેલિયામાં અને એક કેલિફોર્નિયામાં હતું. તેની મદદથી તેઓ સતત અમને અમારી ભ્રમણકક્ષા વિશે માહિતી આપતા રહ્યા હતા.’

‘પૃથ્વીથી ચંદ્રની સફરમાં અમારા પર સતત સૂર્યપ્રકાશ પડતો હતો. એટલે અમારે યાનને સતત મેનુવર કરતા રહેવું એટલે કે ગોળ ગોળ ફેરવતા રહેવું પડ્યું હતું. સાદી ભાષામાં તેને ‘બાર્બેક્યુ રોલ’ પણ કહે છે.’ માઈકલ કોલિન્સ આગળ કહે છે, ‘પહેલીવાર અમે ચંદ્રને નજીકથી જોયો એ ખરેખર અદભુત દૃશ્ય હતું. એકદમ વિશાળકાય હતો ચંદ્ર. સૂર્યના તડકાને કારણે તેની આસપાસ એક સોનેરી આભા ફેલાયેલી હતી. જોકે આ અનેરું દૃશ્ય ત્યાંથી દેખાતી ટચૂકડી પૃથ્વીની સામે કશું જ નહોતું. યાનમાંથી એક લેન્ડર છૂટું પડ્યું અને આર્મસ્ટ્રોંગ તથા એલ્ડ્રિનને લઈને ધીમે ધીમે ચંદ્રની ધરતી પર ઊતર્યું. એ ટેન્સ મોમેન્ટમાં એમના યાનનું બળતણ લગભગ ખૂટી ગયેલું.’

હવે અહીંથી વીડિયોમાં લેન્ડિંગ પછી બઝ એલ્ડ્રિનનો અવાજ સંભળાય છે, જે કહે છે, ‘હ્યુસ્ટન (ધરતી પરનું કંટ્રોલસ્ટેશન), ટ્રાન્ક્વિલિટી બેઝ હિઅર. ધ ઈગલ હેઝ લેન્ડેડ.’ ચંદ્ર પર લેન્ડ થયાના સાડા છ કલાક પછી આર્મસ્ટ્રોંગે સૌથી પહેલાં ચંદ્ર પર પગ મૂક્યો અને ઐતિહાસિક એવી જાહેરાત કરી કે, ‘ધેટ્સ ધ વન સ્મોલ સ્ટેપ ફોર (અ) મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ.’ (એક માણસે ભરેલું આ નાનકડું ડગલું, સમગ્ર માનવજાત માટે વિરાટ ડગલું છે). આર્મસ્ટ્રોંગના અવાજમાં આ વાક્ય પણ ગૂગલ ડૂડલના વીડિયોમાં સાંભળી શકાય છે. આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિને ચંદ્રની ધરતી પર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ખોડેલો અને ઈગલ યાનની સીડી પર એક તકતી પણ છોડેલી, જેના પર લખેલું છે, ‘જુલાઈ, 1969માં પૃથ્વી પરથી માણસોએ અહીં સૌપ્રથમ વખત પગ મૂક્યો હતો. અમે સમગ્ર માનવજાત માટે શાંતિનો સંદેશો લઈને આવ્યા હતા.’

આગળ માઈક કોલિન્સ કહે છે, ‘આ બાજુ હું યાનમાં એકલો બેઠો હતો. જોકે સાવ એકલો નહોતો કેમ કે (પૃથ્વી પરના) ત્રણ અબજ પ્લસ ટુ (ચંદ્ર પર વિહરી રહેલા નીલ અને બઝ સહિત) લોકો મારી સાથે હતા. યાનમાં બહુ આરામદાયક સ્થિતિમાં મેં હોટ કૉફી પણ પીધેલી. 24 જુલાઈ, 1969ના રોજ અમે પૃથ્વી પર પરત ફર્યા અને પેસિફિક મહાસાગરમાં લેન્ડ થયા. એ પછી અમને આખી દુનિયામાંથી આમંત્રણો મળ્યાં. મને આશ્ચર્ય એ વાતનું થયું કે જ્યાં પણ અમે ગયા, ત્યાં બધે જ ઠેકાણે લોકો કહેતા, આપણે, આપણે કરી બતાવ્યું. આપણે એટલે કે આ અદભુત ગ્રહના રહેવાસીઓએ કરી બતાવ્યું.’ એ પછી, ‘હ્યુસ્ટન, માઇક કોલિન્સ ઑન અપોલો-11. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી ટુડે. માઇક કોલિન્સ આઉટ’ કહીને કોલિન્સ પોતાની વાત પૂરી કરે છે અને આ સાથે સાડા ચાર મિનિટનો આ વીડિયો પૂરો થાય છે.

ઉલ્લેખનીય છે કે 2012માં ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનારા વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગનું 82 વર્ષની વયે અવસાન થયું હતું.

X
ચંદ્રયાત્રાનાં 50 વર્ષ નિમિત્તે ગૂગલે મૂકેલું ડૂડલચંદ્રયાત્રાનાં 50 વર્ષ નિમિત્તે ગૂગલે મૂકેલું ડૂડલ
ચંદ્ર પર પહેલું સફળ ઊતરાણ કરનારી ટીમઃ (ડાબેથી) નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલિન્સ અને એડવિન ‘બઝ’ એલ્ડ્રિનચંદ્ર પર પહેલું સફળ ઊતરાણ કરનારી ટીમઃ (ડાબેથી) નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલિન્સ અને એડવિન ‘બઝ’ એલ્ડ્રિન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી