'નૈતિક'તાનું પતન:'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ કરન મેહરા પર પત્ની નિશાએ મારઝૂડનો આરોપ મૂક્યો

મુંબઈએક વર્ષ પહેલા
  • પોલીસ ફરિયાદ પ્રમાણે, કરન મેહરાએ પહેલા પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી માર માર્યો
  • 31 મેના રોજ ફરિયાદ કરવામાં આવી હતી, ધરપકડ પછી જામીન પર છુટકારો

ટીવીનો જાણીતો એક્ટર કરન મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેની પર પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરન મેહરાએ સોમવાર, 31 મેના રોજ પહેલા તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી મારપીટ કરી હતી.

ત્યાર બાદ નિશા રાવલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરને તેને એ હદે માર માર્યો કે તેને માથામાં ટાંકા લેવા પડ્યાં હતાં. ફરિયાદ બાદ પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી. કરન મેહરા પર કલમ 336, 337, 332, 504, 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કરન મેહરાની ધરપકડ બાદ તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

દીકરા કવિશ સાથે નિશા-કરન.
દીકરા કવિશ સાથે નિશા-કરન.

થોડાં દિવસ પહેલાં જ અણબનાવની ચર્ચા હતી
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ કરન તથા નિશાના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા થતી હતી. જોકે એ સમયે કરને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કોરોના દરમિયાન તેની પત્ની નિશાએ તેનું પૂરું ધ્યાન રાખ્યું હતું.

વધુમાં તે પંજાબી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત હતો. છેલ્લા 15 દિવસ તેમના માટે તણાવભર્યા રહ્યા હતા. તે શૂટિંગ કરતો હતો અને આ દરમિયાન તેને શરીરમાં દુખાવો થયો હતો અને થાક લાગ્યો હતો. તેને લાગ્યું કે તેને કોરોના છે. કરને આગળ કહ્યું હતું કે પછી તે મુંબઈ પરત ફર્યો અને ટેસ્ટ કરાવ્યો હતો. જોકે પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને પછી પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેની પત્નીએ ઘણી જ કાળજી લીધી હતી.

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના એક સીનમાં કરન તથા હિના ખાન.
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના એક સીનમાં કરન તથા હિના ખાન.

કરનના સપોર્ટમાં ઓનસ્ક્રીન દીકરો
સ્પોટબોય સાથેની વાતચીતમાં રોહન મેહરાએ કહ્યું હતું કે તેને આ સમાચાર વાંચીને આંચકો લાગ્યો હતો. તેને આ અંગે કંઈ જ ખબર નથી. આ તેમની અંગત લાઈફ છે તો તેમને જ ખબર હશે કે તેમની વચ્ચે શું ખોટું થયું છે. વધુમાં રોહને કહ્યું હતું કે તે કરનને છેલ્લાં પાંચ-છ વર્ષથી ઓળખે છે. રિયલ લાઈફમાં તે ઘણો જ સારો વ્યક્તિ છે. સેટ પર તે હંમેશાં રિસ્પેક્ટફુલ રહેતો હતો. ત્યાં સુધી કે ટેક્નિશિયન સાથે પણ સારો વ્યવહાર કરતો હતો. તેને ક્યારેય ગુસ્સામાં જોયો નથી અને ક્યારેય ઊંચા અવાજે વાત કરતાં સાંભળ્યો નથી. 'બિગ બોસ'ના ઘરમાં પણ કરન હંમેશાં શાંત રહ્યો હતો. કરન ઓન સ્ક્રીન કેરેક્ટર નૈતિકની જેમ જ સારો પતિ તથા દીકરો છે. તે નિશાને પણ મળ્યો છે. કરન હંમેશાં પત્નીને માન આપતો હતો. નિશા પણ સારી વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં હિના-કરનના દીકરા નક્ષની ભૂમિકા રોહન મેહરાએ ભજવી હતી.

'બિગ બોસ'ના ઘરમાં કરન તથા રોહન
'બિગ બોસ'ના ઘરમાં કરન તથા રોહન

2012માં લગ્ન કર્યા
કરન તથા નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાત ટીવી સિરિયલ 'હંસતે હંસતે'ના સેટ પર થઈ હતી. બંને 2017માં દીકરાના પેરન્ટ્સ બન્યા હતા. જ્યારે કરન મેહરા 'બિગ બોસ'માં ગયો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી.

કરને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેણે 7 વર્ષ સુધી કામ કર્યું હતું. તે નૈતિકના નામથી ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. નિશાએ 'શાદી મુબારક', 'કેસર', 'મૈં લક્ષ્મી તેરે આંગન કી'માં કામ કર્યું છે. બંનેએ 'નચ બલિયે'માં પણ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...