તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:શું દયાભાભીના રોલમાં દિશા વાકાણી પરત ફરશે? જેઠલાલે શું કહ્યું?

મુંબઈ3 મહિનો પહેલા
  • દિલીપ જોષીએ સિરિયલમાં પોતાના પાત્ર 'જેઠાલાલ' અંગે વાત કરી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર દિલીપ જોષી ભજવે છે. તાજેતરમાં જ તેમણે 54મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. દિલીપ જોષીએ પોતાના પાત્ર જેઠા અંગે વિગતે વાત કરી હતી. આટલું જ નહીં, દિલીપ જોષીએ દિશા વાકાણી અંગે પણ વાત કરી હતી.

ભગવાન ઘણો જ દયાળુ છે
મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે ભગવાન ઘણો જ દયાળુ છે. થોડા સમયમાં જ સિરિયલનાં 14 વર્ષ પૂરાં થશે. આ સપના જેવું લાગે છે. દર્શકો હજી પણ તેમને પ્રેમ કરે છે.

દિલીપ જોષીએ કહ્યું, 'મારા માટે જેઠાલાલનું પાત્ર ભજવવું પડકારજનક છે.'
દિલીપ જોષીએ કહ્યું, 'મારા માટે જેઠાલાલનું પાત્ર ભજવવું પડકારજનક છે.'

કોલેજના દિવસોથી અસિત મોદી સાથે ઓળખાણ
'તારક મહેતા..'ના પ્રોડ્યુસર અસિત મોદી છે. અસિત મોદી અંગે વાત કરતાં દિલીપ જોષીએ કહ્યું હતું, હું કોલેજના દિવસોથી અસિત મોદીને ઓળખું છું. અસિતને મારી એક્ટિંગ સ્કિલની ખબર છે. મારું કોઈ ઓડિશન લેવામાં આવ્યું નહોતું. અસિતે મને સિરિયલનાં બે પાત્રો જેઠાલાલ તથા ચંપકલાલમાંથી એકની પસંદગી કરવાની કહ્યું હતું. ચંપકના પાત્ર અંગે હું સ્યોર નહોતો અને તેથી જ મેં જેઠાલાલનું પાત્ર પસંદ કર્યું હતું. આ પાત્ર પણ 'તારક મહેતા'ની કોલમ કરતાં તદ્દન અલગ છે. અસિતજીએ ચંપકનું પાત્ર અલગ જ રીતે વિઝ્યુલાઇઝ કર્યું છે. સિરિયલમાં ચૉલને બદલે સોસાયટી બતાવવામાં આવી છે. સૌથી સારી વાત એ છે કે દરેક પાત્ર માટે યોગ્ય કલાકાર મળી ગયા છે.'

અસિત મોદી સાથે દિલીપ જોષી.
અસિત મોદી સાથે દિલીપ જોષી.

'હીરો જે કરે એ બધું જ રોજ કરું છું'
દિલીપ જોષીને એક સવાલમાં પૂછવામાં આવ્યું કે તેમને ખ્યાલ હતો કે આ શો આટલો લાંબો ચાલશે? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે પ્રામાણિક રીતે વાત કરું તો તેમને આ શો કરવામાં ઘણી જ મજા આવે છે. આજે પણ જેઠાલાલનું પાત્ર ભજવવામાં મજા છે. તે ગીત ગાય છે, ડાન્સ કરે છે, ફાઇટ કરે છે અને ઘણીવાર ડ્રીમ સિક્વન્સ પણ હોય છે. હિંદી ફિલ્મનો હીરો જે કરે એ બધું જ રોજ કરે છે. તેઓ શોમાં દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે. આનાથી વધારે શું જોઈએ?

તેમણે વધુમાં કહ્યું હતું કે થિયેટર કર્યા બાદ તેમણે આ સિરિયલમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે મોટા ભાગના રોલ ભજવી નાખ્યા છે અને તેથી જ તેમને ક્યારેય કંઈક અલગ કરવાની જરૂર લાગતી નથી. તેમને લાગતું જ નથી કે કંઈક બાકી રહી ગયું છે. એક્ટર તરીકે એક જ વસ્તુ વારંવાર કરવી અને દર્શકોનો રસ જળવાઈ રહે એમ કરવું આ સૌથી મોટો પડકાર છે.

દિલીપ જોષીને જેઠાનો રોલ ભજવવો ઘણો જ પસંદ છે.
દિલીપ જોષીને જેઠાનો રોલ ભજવવો ઘણો જ પસંદ છે.

તેમણે વાત કરતાં આગળ કહ્યું હતું કે તેમને જેઠાલાલના નામથી ઓળખાવું પસંદ છે અને તેની સામે કોઈ વાંધો નથી. કોઈપણ કલાકારને ત્યારે જ સંતોષ થાય, જ્યારે તે પાત્રના નામથી ઘેર-ઘેર લોકપ્રિય બને. તેઓ માને છે કે દર્શકો જ્યારે તેમને જેઠાલાલ કહીને બોલાવે છે ત્યારે તેમને લાગે છે કે તે પોતાનું કામ સારી રીતે કરે છે.

દર્શકો શું માને છે ?
નોંધનીય છે કે ઘણા દર્શકો માને છે કે હવે આ સિરિયલ બંધ કરી દેવી જોઈએ. સિરિયલમાં કોઈ નવું કન્ટેન્ટ આવતું નથી અને જબરદસ્તી સિરિયલમાં હાસ્ય ઉમેરવામાં આવતું હોય તેમ લાગે છે. આ અંગે જ્યારે દિલીપ જોષીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે કન્ટેન્ટ ક્રિએટ કરવાનું કામ તેમના હાથમાં નથી છતાં ટીમ બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે. એક્ટર તરીકે તે સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરતા હોય છે. દરેક લોકો રોજેરોજ ઘણી જ મહેનત કરે છે. ભગવાનની દયાથી તેમને અથવા ટીમમાં કોઈને સફળતા માથે ચઢી નથી. રોજ તેઓ કામ માટે સેટ પર આવે છે અને ચાહકોનું મનોરંજન કરે છે.

સિરિયલના એક સીનમાં જેઠાલાલ તથા દયાભાભી.
સિરિયલના એક સીનમાં જેઠાલાલ તથા દયાભાભી.

દિશા વાકાણી અંગે પણ વાત કરી
દિલીપ જોષીને દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી શોમાં પરત ફરશે કે નહીં એ અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે દિશા વાકાણી દીકરાની માતા બની. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી શોમાં કામ કરતાં નથી. તેઓ શોમાં પરત ફરશે કે નહીં એની જાણ માત્ર ને માત્ર પ્રોડક્શન હાઉસને હોઈ શકે. તેઓ આ બધી વાતમાં ક્યારેય પડતા નથી. તેઓ ખુશ છે કે દયા વગર પણ દર્શકોનો આટલો બધા પ્રેમ મળી રહ્યો છે.

તાજેતરમાં જ દિશા વાકાણીએ દીકરાને જન્મ આપ્યો
નોંધનીય છે કે દિશા વાકાણી ઓક્ટોબર, 2017થી સિરિયલમાં જોવા મળતી નથી. દિશાએ નવેમ્બર, 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મનાં પાંચ વર્ષ બાદ દિશાએ મે, 2022માં દીકરાને જન્મ આપ્યો છે.