કપિલ શર્મા સાથે વિવાદ કે ઓછી ફી?:કૃષ્ણા અભિષેકે 'ધ કપિલ શર્મા શો' કેમ છોડ્યો? અસલી કારણ હવે સામે આવ્યું

મુંબઈ3 મહિનો પહેલા

એક્ટર તથા કોમેડિયન કૃષ્ણા અભિષેક 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે નહીં. કપિલ શર્માનો આ શો સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે, આ વખતે શોમાં સપના એટલે કે કૃષ્ણા અભિષેકની હસી મજાક દર્શકો માણી શકશે નહીં. કૃષ્ણા કેમ આ શોમાં નહીં આવે તે પાછળનું કારણ હાલમાં જ ઉજાગર થયું હતું.

સપનાનું પાર્લર જોવા મળશે નહીં
કૃષ્ણાએ શોમાં સપનાનો રોલ પ્લે કર્યો હતો. સપના શોમાં આવનારા મહેમાનોને વિવિધ મસાજની ઑફર્સ કરતી હતી. કૃષ્ણા અભિષેક પોતાની કોમિક ટાઇમિંગથી શોને અલગ જ લેવલ પર લઈ ગયો હતો. કૃષ્ણાએ પણ આ વાત સ્વીકારી હતી કે આ શોને કારણે તેને અલગ જ ઓળખ મળી છે. તે પણ આ શોને મિસ કરશે.

અસલી કારણ શું છે?
શોના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'શોના મેકર્સ તથા કૃષ્ણાએ ફી અંગે સમાધાન કરવાના ઘણાં પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને વચ્ચે પૈસા મુખ્ય મુદ્દો છે. આ જ કારણે કૃષ્ણા આ શોમાં જોવા મળશે નહીં.

કપિલ શર્મા સાથે અણબનાવ હોવાની વાત ખોટી
એવી અફવા પણ વહેતી થઈ હતી કે કૃષ્ણા તથા કપિલ શર્મા વચ્ચે મતભેદ હતા. સૂત્રોના મતે, આ પાયાવિહોણી વાત છે. કૃષ્ણા ફીને કારણે આ શો કરી શકે તેમ નથી. આ શોનો પ્રોડ્યૂસર કપિલ શર્મા નથી. કપિલને પણ ચોક્કસ રકમની ફી મળે છે. તેની અને કૃષ્ણા વચ્ચે મતભેદ હોવાની વાત બેઝલેસ છે. બધી વાતો પૈસા પર નિર્ભર છે. કપિલ તથા કૃષ્ણાને એકબીજા માટે માન છે. જોકે, હજી સુધી એ વાત કન્ફર્મ નથી કે કૃષ્ણા શોમાં નહીં જ આવે. જો કંઈક વચ્ચેનો રસ્તો નીકળે તો કૃષ્ણા શોમાં ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે.

હાલમાં જ પ્રોમો શૂટ થયો
અર્ચના પૂરન સિંહે પ્રોમો શૂટનો વીડિયો શૅર કર્યો હતો. પ્રોમો શૂટ અર્ચનાના મડઆઇલેન્ડ ઘરની નજીકમાં જ કરવામાં આવ્યું હતું. અર્ચનાને પ્રોમોમાં માત્ર એક લાઇન બોલવાની હતી, પરંતુ તેને એ લાઇન પણ યાદ રહી નહોતી.

કપિલ ટીમ સાથે કેનેડા ગયો હતો
કોમેડિયન કપિલ શર્મા ટીમ સાથે દુબઈ તથા કેનેડા લાઇવ શો માટે ગયો હતો. અહીંયા બે મહિના રહ્યો હતો. લાંબા બ્રેક બાદ હવે તે ટીવી પર કમબેક કરી રહ્યો છે.