તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોણ છે કરન મેહરા?:'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નો 'નૈતિક' પહેલી જ સિરિયલથી થયો હતો સફળ, ફેશન ડિઝાઈનિંગનો કર્યો છે કોર્સ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરન મેહરાએ ઉનાળાના વેકેશનમાં ડોમિનોઝ પિત્ઝાના આઉટલેટમાં કામ કર્યું હતું
  • એક્ટિંગના ક્લાસિસ દરમિયાન પહેલી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' મળી હતી

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકનો રોલ ભજવનાર એક્ટર કરન મેહરાની મુંબઈ પોલીસે 31 મેના રોજ ધરપકડ કરી હતી. કરન મેહરા પર પત્ની નિશાએ મારઝૂડનો આક્ષેપ કર્યો હતો. જોકે, પછી કરનને જામીન મળી ગયા હતા. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે પહેલાં કરને તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી તેને માર માર્યો હતો. કરન મેહરા પર IPCની કલમ 336, 337, 332, 504, 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કરનનો જન્મ પંજાબમાં થયો છે. તે પોતાની પહેલી જ સિરિયલથી ઘેર-ઘેર લોકપ્રિય થયો છે.

પહેલાં જ બંને વચ્ચે અણબનાવ થયો હોવાની ચર્ચા હતી
કરન મેહરા તથા નિશાની વચ્ચે અણબનાવ થયો હોવાની વાત છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચાતી હતી. જોકે, એક ઈન્ટરવ્યૂમાં કરને આ તમામ બાબતોને પાયાવિહોણી ગણાવી હતી.

માતા સાથે કરન મેહરા
માતા સાથે કરન મેહરા

પંજાબી પરિવારમાં જન્મ
કરનનો જન્મ 10 સપ્ટેમ્બર, 1982માં પંજાબના જલંધરમાં પંજાબી પરિવારમાં થયો છે. કરન જ્યારે નાનો હતો ત્યારે જ તેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. અહીંયા કરને અપીજય સ્કૂલ, નોઈડમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ દિલ્હીની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)માંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. કરન યુનિવર્સિટીમાં ટોપર રહી ચૂક્યો છે. 12મા ધોરણ પછી સમર વેકેશનમાં કરને ડોમિનોઝ પિત્ઝામાં ટ્રેઈની તરીકે પણ કામ કરેલું છે.

ચાર ફિલ્મમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું
દિલ્હીથી ફેશન ડિઝાઈનિંગમાં ડિગ્રી લઈને કરન મુંબઈ આવ્યો હતો. અહીંયા તેણે ડિરેક્ટર રાજકુમાર હિરાની તથા રામ ગોપાલ વર્માની સાથે ચાર ફિલ્મમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.

પ્રિયંકા ચોપરાની ફિલ્મમાં પણ કામ કર્યું
2008માં કરન મેહરાએ પ્રિયંકા-હરમન બાવેજાની ફિલ્મ 'લવ સ્ટોરી 2050'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે હરમન બાવેજાના મિત્રના રોલમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નહોતી. આ ફિલ્મ બાદ કરને મોડલિંગ તથા ટીવી જાહેરાતોમાં કામ કર્યું હતું. આ દરમિયાન કરનને એક્ટિંગ ક્લાસ જોઈન કરવાનો વિચાર આવ્યો હતો.

2009માં રજન સાહીની સિરિયલ મળી
એક્ટિંગ ક્લાસ દરમિયાન જ કરન મેહરાને પ્રોડ્યૂસર રજન સાહીની ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકનો રોલ મળ્યો હતો. આ સિરિયલમાં તેણે સાડા સાત વર્ષ સુધી કામ કર્યું હતું. કરન મેહરા આ સિરિયલમાં આદર્શ દીકરો, આદર્શ પિતા તથા આદર્શ પતિના રોલમાં જોવા મળ્યો હતો. કરન 'નૈતિક' તરીકે ચાહકોમાં લોકપ્રિય થયો હતો. જોકે, કરને હેલ્થ ઈશ્યૂને કારણે આ સિરિયલ જૂન, 2016માં છોડી દીધી હતી.

નિશા રાવલ તથા કરન મેહરા
નિશા રાવલ તથા કરન મેહરા

2012માં લગ્ન કર્યા
નિશા તથા કરન પહેલી વાર 2007 ફિલ્મ 'હસતે હસતે'ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મમાં નિશા એક્ટ્રેસ હતી તો કરન મેહરા ફિલ્મના કલાકારોના ફેશન સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરતો હતો. નિશા તથા કરન વચ્ચે પહેલાં મિત્રતા થઈ હતી અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બંનેએ 2012માં લગ્ન કર્યાં હતાં. 2017માં નિશાએ દીકરા કવિશને જન્મ આપ્યો હતો.

ડાન્સ રિયાલિટીમાં પણ ભાગ લીધો હતો
આ સિરિયલમાં કામ કરતાં કરતાં કરને પત્ની નિશા સાથે 'નચ બલિયે 5' તથા 'નચ બલિયે શ્રીમાન v/s શ્રીમતી'માં 2012-13માં ભાગ લીધો હતો.

દીકરા કવિશ સાથે કરન
દીકરા કવિશ સાથે કરન

2016માં 'બિગ બોસ'માં એન્ટર થયો
ઓક્ટોબર, 2016માં કરન મેહરા કો-સ્ટાર રોહન મેહરા સાથે 'બિગ બોસ 10'ના ઘરમાં એન્ટર થયો હતો. કરન મેહરા પાંચમા અઠવાડિયે એવિક્ટ થયો હતો. કરન પહેલો સેલિબ્રિટી હતો, જે ઘરમાંથી એલિમિનેટ થયો હતો. કરન જ્યારે 'બિગ બોસ'ના ઘરમાં હતો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ કરને 'ખટમલ એ ઈશ્ક' સિરીઝમાં કેમિયો કર્યો હતો. તેણે સુમીત મિશ્રાનું પાત્ર ભજવ્યું હતું.

ગયા વર્ષે પંજાબી સિરિયલમાં કામ કર્યું હતું
કરન મેહરાની ફિલ્મ 'બસ્તી હૈ સસ્તી' 2018માં રિલીઝ થવાની હતી. જોકે, કેટલાંક કારણોસર હજી સુધી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. તેણે ગયા વર્ષે ચંદીગઢમાં પંજાબી સિરિયલ 'મવાન ઠંડિયા ચવાન'માં કામ કર્યું હતું. નવેમ્બર, 2020માં જુબિનના મ્યૂઝિક વીડિયો 'બેવફા તેરા માસૂમ ચહેરા'માં કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...