લૉકડાઉનની ચિંતા:જ્યારે 'તારક મહેતા...'નું શૂટિંગ બંધ થયું ત્યારે 'ઐય્યર'ને EMI ભરવાનું ટેન્શન થયું હતું

મુંબઈ3 મહિનો પહેલા
  • તનુજ મહાશબ્દે સિરિયલ 'તારક મહેતા..'માં ઐય્યરનું પાત્ર ભજવે છે.

કોરોનાની બીજી લહેર આવી ત્યારે મહારાષ્ટ્રમાં સરકારે લૉકડાઉન જાહેર કર્યું હતું અને તેથી જ ફિલ્મ તથા ટીવીનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ કારણે અનેક સિરિયલના શૂટિંગ અટવાઈ ગયા હતા, જેમાંથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પણ સામેલ છે. આ સિરિયલનું શૂટિંગ પણ ઘણાં સમય સુધી બંધ રહ્યું હતું. હાલમાં જ સિરિયલમાં ઐય્યરનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે લૉકડાઉનમાં તે ઘણો જ ચિંતમાં આવી ગયો હતો તે અંગે વાત કરી હતી.

લૉકડાઉનમાં લોનના હપ્તા ભરવાનું ટેન્શન
આજ તક સાથેની વાતચીતમાં તનુજ મહાશબ્દે કહ્યું હતું કે લૉકડાઉન દરમિયાન શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ જ કારણે તેને EMI (ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) તથા લોનનો ડર લાગ્યો હતો. હવે બીજીવાર શૂટિંગ શરૂ થયું તો તેના માથેથી ભાર હળવો થઈ ગયો હતો. હવે આટલા સમય પછી તેણે ચાહકો સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

ડિપ્રેશનની નજીક પહોંચી ગયો હતો
તનુજે વધુમાં કહ્યું હતું, 'જ્યારે શૂટિંગ બંધ થવાની વાત આવી તો શરૂઆતમાં એવું લાગ્યું કે થોડાં દિવસ બાદ ફરી શરૂ થઈ જશે. જોકે, સમય પસાર થતો રહ્યો, પરંતુ શૂટિંગ શરૂ થયું નહોતું. મને ચિંતા સતાવવા લાગી કે હું કેવી રીતે સર્વાઇવ કરીશ. EMIની ચૂકવણી કેવી રીતે થશે. હું મોટાભાગે ચિંતામાં જ રહેતો હતો. જોકે, ડિપ્રેશનમાં નહોતો, પરંતુ સ્થિતિ તો લગભગ એવી જ હતી. ચિંતાથી ભાગવા માટે મેં લખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન મેં ઘણાં શો તથા વાર્તાઓ લખી હતી. હાલમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે.'

સો.મીડિયામાં એક્ટવ રહે છે
સિરિયલમાં તનુજ મહાશબ્દે સિરિયલમાં બબિતા (મુનમુન દત્તા)ના પતિના રોલમાં છે. ચાહકોને બબિતા તથા ઐય્યરની જોડી ઘણી જ પસંદ છે. તનુજ સો.મીડિયામાં અવારનવાર તસવીરો શૅર કરતો હોય છે.

'યે દુનિયા હૈ રંગીન'થી કરિયરની શરૂઆત કરી હતી
તનુજ મહાશબ્દેનો જન્મ 1974માં મધ્યપ્રદેશના દેવાસમાં થયો છે. એક્ટર ઉપરાંત તનુજ રાઈટર પણ છે. તેણે ટીવી સિરિયલ 'યે દુનિયા હૈ રંગીન'થી કરિયરની શરૂઆત કરી હતી.

'તારક મહેતા..'ના એપિસોડ પણ લખ્યા
તનુજ મહાશબ્દેએ 'તારક મહેતા..'ના પણ કેટલાંક એપિસોડ લખ્યા છે. તનુજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિરિયલમાં તમિળનો રોલ ભજવવો તેના માટે ઘણું જ મુશ્કેલ હતું. તે મરાઠી પરિવારમાંથી આવે છે. આથી તેણે સૌ પહેલાં તમિળ કલ્ચર અંગે તમામ માહિતી જાણી હતી. તેણે તમિળ લોકોની બૉડી લેંગ્વેજથી લઈ કપડાં કેવી રીતે પહેરે છે, કેવી રીતે હસે છે, બોલે છે, ગુસ્સો કેમ કરે છે, આ તમામ બાબતો પર ધ્યાન આપ્યું હતું.

તનુજે કહ્યું હતું કે તેના મતે તેના રંગે તેને સાથ આપ્યો હતો. બાકી તેની પાસે કંઈ જ નથી. તનુજે એક ઈન્ટરવ્યૂમાં હસતા હસતા કહ્યું હતું કે સિરિયલમાં તો પોપટલાલના લગ્ન નથી થયા, પરંતુ રિયલ લાઈફમાં તેના લગ્ન થયા નથી. તે તમામ કામ જાતે કરે છે.

2021માં લગ્ન કરવાની વિચારણા
તનુજ મહાશબ્દે 2021માં લગ્ન કરવાનું વિચારે છે. જોકે, હજી સુધી તનુજને કોઈ યોગ્ય યુવતી મળી નથી.