ઇન્ટરવ્યૂ:કોરોના સંક્રમિત થવા પર 'બિગ બોસ 10' ફેમ સાહિલ આનંદના હાથમાંથી બે પ્રોજેક્ટ નીકળી ગયા, કહ્યું - હવે નવા કામની શોધમાં છું, આશા છે મોટા પ્રોજેક્ટ જરૂર મળશે

એક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન

બોલિવૂડ અને ટીવી એક્ટર સાહિલ આનંદ હાલ કામની શોધમાં છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, આનંદે લોકડાઉનને કારણે કરિયરમાં ફેસ કરેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું.

કોરોના સંક્રમિત થવા પર હાથમાંથી 2 પ્રોજેક્ટ ગયા
સાહિલ આનંદે જણાવ્યું કે, 'કોરોના મહામારીનો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર ઘણો ખરાબ પ્રભાવ પડ્યો છે. ઘણા સેક્ટર્સ અનલોક થઇ ગયા છે પરંતુ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી હજુ સંપૂર્ણ રીતે ખુલી નથી. એક સમયે મને દિવસના 10 ઓડિશન માટે કોલ આવતા હતા હવે તેને બદલે 1-2 કોલ આવે છે. લોકો હવે નવા પ્રોજેક્ટ શરૂ કરતા ડરે છે. હું પણ કોરોનાનો શિકાર થયો હતો. મારું ઇન્ફેક્શન લેવલ ઘણું વધી ગયું હતું અને માટે રિકવર થવામાં મને અંદાજે 2 મહિના લાગ્યા. આ દરમ્યાન મારા હાથમાંથી 2 પ્રોજેક્ટ નીકળી ગયા. બંને પ્રોજેક્ટમાં હું મેઈન રોલમાં હતો. જોકે જે સમયે શૂટ થવાનું હતું તે સમયે હું સંક્રમિત હતો અને મારી જગ્યાએ અન્યને કાસ્ટ કરી દેવામાં આવ્યા. હવે નવા કામની શોધમાં છું. ભલે પ્રોજેક્ટ હાથમાંથી જતા રહ્યા હોય, પણ આશા છે કે મોટા પ્રોજેક્ટ જરૂર મળશે.'

સાહિલે ઇન્ડસ્ટ્રીમાં 'રોડીઝ' શોથી શરૂઆત કરી હતી
સાહિલે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં તેની જર્ની 'રોડીઝ' શોથી શરૂ કરી હતી. ત્યારબાદ તેને એન્જિનિયરિંગનું સ્ટડી પૂરું કર્યું. આ બાબતે સાહિલે જણાવ્યું કે, 'સાચું કહું તો મેં ક્યારેય એક્ટર બનવા માટે વિચાર્યું જ ન હતું. મારા પરિવારમાં મોટાભાગે ડોક્ટર્સ છે અને મેં એન્જિનિયરિંગ કર્યું છે. ત્યાં સુધી કે મને કેલિફોર્નિયામાં નોકરી પણ મળી ગઈ હતી. પરંતુ એક ઓડિશને મારા બધા વિચાર બદલી નાખ્યા. મારા ફ્રેન્ડના કહેવા પર રોડીઝનું ઓડિશન આપ્યું, ત્યારબાદ મને એક્ટિંગ ફિલ્ડ રસપ્રદ લાગી. કેલિફોર્નિયાની જગ્યાએ મુંબઈ આવી ગયો અને મને મારા આ નિર્ણય પર કોઈ અફસોસ નથી.'

જણાવી દઈએ કે સાહિલ 'સ્ટુડન્ટ ઓફ ધ યર', 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2', 'બબલુ હેપ્પી હૈ' અને 'અપના દિલ તો આવરા' જેવી ફિલ્મોમાં સામેલ હતો. તે 'બિગ બોસ 10', 'કસૌટી ઝીંદગી કે 2' અને 'સસુરાલ સીમર કા' જેવા ટીવી શોમાં દેખાયો હતો.