યાદોમાં 'રામાયણ'ના કલાકારો:'રાવણ'થી લઈને 'હનુમાન' સુધી, 'રામાયણ' સિરિયલનાં 14 પાત્રની વિદાય, ત્રણનાં થયાં હતાં શોકિંગ નિધન

અમદાવાદ2 મહિનો પહેલા
  • 'રામાયણ' સિરિયલ 1987માં શરૂ થઈ હતી
  • લૉકડાઉનમાં આ સિરિયલ ફરી એકવાર આવી હતી અને ઘણી જ લોકપ્રિય બની હતી

'રામાયણ' સિરિયલમાં રાવણનું પાત્ર ભજવીને આખા દેશમાં લોકપ્રિય થનારા અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેમના અવસાનથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. અરવિંદ ત્રિવેદી પહેલાં અત્યારસુધી 'રામાયણ'ના 13 કલાકારનાં મૃત્યુ થયાં હતાં. 2021માં ચાહકોએ 'રામાયણ'ના બે કલાકારને ગુમાવી દીધા છે, એક અરવિંદ ત્રિવેદી અને બીજા ચંદ્રશેખર. ચંદ્રશેખરે સિરિયલમાં સુમંતનો રોલ પ્લે કર્યો હતો. સિરિયલમાં 'સુનયના'નું પાત્ર ભજવનાર ઉર્મિલા ભટ્ટની હત્યા કરવામાં આવી હતી, 'ભરત'નું પાત્ર ભજવનાર સંજય જોગનું માત્ર 40ની ઉંમરમાં કેન્સરને કારણે અવસાન થયું હતું. 'વિભીષણ' બનેલા મુકેશ રાવલની લાશ મુંબઈના રેલવે-ટ્રેક આગળથી મળી આવી હતી.

નલિન દવેનું 50 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. તેમને 26 વર્ષની ઉંમરમાં ગુજરાતી ફિલ્મ 'ભાદર તારા વહેતા પાણી'માં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. તેમણે અનેક ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કર્યો હતો. તેમનો પરિવાર એક્ટિંગ કરિયરની વિરુદ્ધમાં હતો. 1989માં તેમની છેલ્લી ફિલ્મ 'પાપ' રિલીઝ થઈ હતી.

40ની ઉંમરમાં સંજયનું લિવર ફેલ થતાં અવસાન થયું હતું. 50થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 30થી વધુ મરાઠી, થોડીક હિંદી અને થોડી ગુજરાતી ફિલ્મ સામેલ છે. હિંદી ફિલ્મ 'જિગરવાલા'થી હિંદી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. સંજય જોગને પહેલા 'લક્ષ્મણ'નો રોલ ઓફર થયો હતો. જોકે તેમણે રિજેક્ટ કરી દીધો હતો. પછી તેમને 'રામાયણ'માં કામ કરવાની ઈચ્છા થઈ અને પછી 'ભરત'નો રોલ મળ્યો હતો.

ઉર્મિલા ભટ્ટે પોતાના કરિયરની શરૂઆત ડ્રામાથી કરી હતી. રાજકોટમાં ફોક ડાન્સર તથા સિંગર તરીકે સંગીત કળા એકેડેમી જોઇન કરી હતી. ત્યાર બાદ ગુજરાતી તથા રાજસ્થાની ફિલ્મમાં કામ કર્યું છે. ઉર્મિલા ભટ્ટે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, શશિ કપૂર, રિશી કપૂર, શત્રુધ્ન સિંહા, હેમા માલિની જેવાં કલાકારોની ફિલ્મી માતાનો રોલ પ્લે કર્યો હતો. 22 ફેબ્રુઆરી, 1997ના દિવસે 63 વર્ષીય ઉર્મિલા મુંબઈના જુહુ સ્થિત ઘરમાં એકંલા હતાં. આ દિવસે કેટલાક ગુંડાઓ ઘરમાં ઘૂસી આવ્યા અને એક્ટ્રેસને દોરડાથી બાંધી દીધા અને ઘરમાંથી તમામ રોકડ, જ્વેલરી લૂંટી લીધી હતી. આટલું જ નહીં, જતાં જતાં ઉર્મિલાનું ગળું ધારદાર હથિયારથી કાપી નાખ્યું હતું. ઉર્મિલા ભટ્ટના દર્દનાક મોતથી ચાહકો આઘાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાતી થિયેટર એક્ટર-ડિરેક્ટર માર્કંડ ભટ્ટ સાથે લવ-મેરેજ કર્યાં હતાં. તેમને એક દીકરી ને દીકરો છે.

લલિતા પવારનું સાચું નામ અંબા છે. 1942માં 'જંગ એ આઝાદી'ના શૂટિંગ દરમિયાન ભગવાન દાદાએ લલિતાને થપ્પડ મારવાની હતી. જોકે તમાચો એટલો જોરથી વાગ્યો કે લલિતા પડી ગયાં અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. સારવાર દરમિયાન ડૉક્ટરે ખોટી દવા આપી અને તેથી જ શરીરના એક ભાગે લકવા મારી ગયો હતો. છ વર્ષ બાદ 1948માં તેમણે 'ગૃહસ્થી' ફિલ્મથી કમબેક કર્યું હતું. પહેલા પતિ ગણપતે વિશ્વાસઘાત આપ્યો હતો. ગણપત, લલિતાની નાની બહેનને પ્રેમ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ લલિતાએ પ્રોડ્યુસર રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. લલિતાએ 700થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. પૂનાના આરોહી બંગલામાં મોતના 3 દિવસ બાદ પરિવારને આ અંગે જાણ થઈ હતી. આ સમયે તેમના પતિ રાજપ્રકાશ હોસ્પિટલમાં એડમિટ હતા અને દીકરો પરિવાર સાથે મુંબઈમાં હતો. દીકરાએ મોતના ત્રણ દિવસ બાદ જ્યારે ફોન કર્યો ત્યારે કોઈએ રિસીવ ના કર્યો, એ સમયે મોતની જાણ થઈ હતી. પોલીસ ઘરનો દરવાજો તોડીને બંગલામાં પ્રવેશી હતી. અવસાન સમયે લલિતાની ઉંમર 81 વર્ષની હતી.

સિરિયલના પ્રોડ્યુસર-ડિરેક્ટર રામાનંદ સાગરનું 87 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. તેમનો જન્મ લાહોર, પંજાબ બ્રિટિશ ઇન્ડિયામાં 1917માં થયો હતો. તેમનું નામ જન્મ સમયે નામ ચંદ્રમૌલી ચોપરા હતા. વર્ષ 2000માં સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. સંતાનોમાં તેમને આનંદ સાગર, પ્રેમ સાગર, મોતી સાગર, સુભાષ સાગર, શાંતિ સાગર તથા સરિતા ચૌધરી છે.

વિજય અરોરાએ 1971માં ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. પહેલી ફિલ્મ 'જરૂરત' હતી. ઝિન્નત અમાન સાથે 'યાદો કી બારાત'ના ગીત 'ચૂરા લિયા..'થી ઘણા જ લોકપ્રિય થયા હતા. 62 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે અવસાન થયું હતું.

જયશ્રી ગડકર જાણીતા મરાઠી તથા હિંદી એક્ટ્રેસ હતાં. તેઓ મરાઠી સિનેમાનાં સ્ટાર કહેવાતાં હતાં. 66 વર્ષીય જયશ્રી અવસાનના અઠવાડિયા પહેલાં હોસ્પિટલમાં પડી ગયાં હતાં. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

રજનીબાળા વીતેલા સમયમાં ડાન્સર તરીકે લોકપ્રિય હતાં. જયશ્રી તલપડે, હેલન જેવાં લિડિંગ ડાન્સર્સની યાદીમાં રજનીબાળાનું પણ નામ હતું. તેઓ મુંબઈમાં પતિ મોહન શર્મા સાથે રહેતાં હતાં. અંતિમ સમયે તેમનાં મોટી બહેન તેમની સાથે હતાં.

દારા સિંહ એક્ટર પહેલાં પહેલવાન તરીકે જાણીતા હતા. દારા સિંહને કિંગ કોંગ સાથેના મુકાબલાને કારણે હંમેશાં યાદ રાખવામાં આવે છે. દારા સિંહે આ મુકાબલામાં 200 કિલોના કિંગ કોંગને ઊંચકીને ફેંક્યો હતો. એ સમયે દારા સિંહનું વજન 130 કિલો હતું. 83 વર્ષની ઉંમરમાં હાર્ટ-અટેકને કારણે અવસાન થયું હતું.

80 વર્ષીય મૂળરાજ રાજડાએ ગુજરાતી નાટકો તથા ટીવી સિરિયલ ડિરેક્ટ કરી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી. 'રામાયણ'માં તેમનો દીકરો સમીર રાજડા પણ જોવા મળ્યો હતો. સિરિયલમાં સમીરે શત્રુધ્નનો રોલ પ્લે કર્યો હતો.

66 વર્ષીય મુકેશનની લાશ 2016માં ધડથી માથું અલગ થયું એ રીતે મળી આવી હતી. તેઓ ઘરેથી દોઢ દિવસ પહેલાં જ ગુમ થઈ ગયા હતા. તેઓ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે કાંદિવલીથી ઘાટકોપર જતા હતા અને તેમનો મૃતદેહ કાંદિવલી રેલવે-ટ્રેક પાસે મળ્યો હતો. એક ચર્ચા એવી હતી કે ટ્રેનમાંથી પડી જવાને કારણે તેમનું અવસાન થયું હતું. નવાઈની વાત એ છે કે 2001માં મુકેશ રાવલના દીકરાની લાશ માટુંગા-માહિમ રેલવે-ટ્રેક પરથી મળી આવી હતી.

55 વર્ષીય શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. 29 માર્ચના રોજ તેમણે હરિયાણાના કાલકામાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્યામ સુંદરના કરિયરની વાત કરવામાં આવે તો તેમણે ‘હીર રાંઝા’, ‘ત્રિમૂર્તિ’, ‘છૈલા બાબુ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

97 વર્ષની ઉંમરમાં ચંદ્રશેખરનું 16 જૂન, 2021ના રોજ સવારે સાત વાગે નિધન થયું હતું. તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું. 'રામાયણ' પહેલાં ચંદ્રશેખરે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. 1950ના દાયકામાં તેઓ લોકપ્રિય એક્ટર રહ્યા હતા. તેમનું પૂરું નામ ચંદ્રશેખર વિદ્યા છે. તેમણે ફિલ્મ 'સુરંગ'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ વી. શાંતરામે 1954માં બનાવી હતી. તેમણે અંદાજે 112 પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. 'રામાયણ'માં સુમંતનું પાત્ર ભજવીને ચંદ્રશેખર ઘેર-ઘેર લોકપ્રિય થયા હતા. જ્યારે તેમણે 'સુમંત'નું પાત્ર ભજવ્યું ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી. આજે તેમનો દોહિત્ર શક્તિ અરોરા જાણીતો એક્ટર છે. શક્તિ 'સિલસિલા બદલતે રિશ્તો કા'થી લોકપ્રિય થયો હતો.

એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગર કૃત 'રામાયણ' સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 83 વર્ષની ઉંમરે મુંબઈના કાંદિવલી ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.