ભગવાને બચાવી:'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ફૅમ યામિની મલ્હોત્રાની ચાલતી કાર અચાનક જ ભડભડ સળગી ઉઠી, એક્ટ્રેસનો આબાદ બચાવ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં શિવાની બુઆનો રોલ પ્લે કરતી યામિની મલ્હોત્રાની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. હાલમાં જ આ ઘટના મુંબઈમાં મોડી રાત્રે બની હતી. યામિનીની કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટના બાદ યામિની ઘણી જ ડરી ગઈ હતી.

યામિની મલ્હોત્રાએ ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'હું જૂહુમાં ડ્રાઇવ પર નીકળી હતી અને પછી લોખંડવાલા તરફ જતી હતી. મેં સો.મીડિયામાં તસવીરો પણ શૅર કરી હતી. છેલ્લી તસવીરમાં હું મારી કાર પર બેઠી હતી. જોકે, જ્યારે હું કારની અંદર બેસીને ડ્રાઇવ કરવા લાગી તો મેં બોનેટમાંથી આગના ધુમાડા જોયા હતા. હું તરત જ કારની બહાર આવી ગઈ હતી. હું કંઈ સમજું તે પહેલાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.'

ગણતરીમાં બધું બન્યું
વધુમાં યામિનીએ કહ્યું હતું, 'બધુ ગણતરીની સેકન્ડમાં બની ગયું હતું અને મને ઘણો જ આઘાત લાગ્યો હતો. રોડ પર જતા લોકો મદદ માટે ભેગા થઈ ગયા હતા અને તેમાંથી જ કોઈકે ફાયર બ્રિગેડ તથા પોલીસને ફોન કર્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધીમાં તો કાર પૂરી રીતે સળગી ગઈ હતી. હું મારી કારને બચાવવા માટે કંઈ જ ના કરી શકી. મને તો બસ એક જ વિચાર આવે છે કે જો કારની અંદર ફસાઈ ગઈ હોત તો હું આજે જીવતિ ના હોત. આ વિચાર સાથે જ હું ધ્રુજી જાઉં છું.'

પોલીસ સ્ટેશન ગઈ
યામિનીએ આગળ કહ્યું હતું, 'હું પોલીસ સ્ટેશન ગઈ હતી અને રિપોર્ટ લખાવ્યો હતો. હું પોલીસની ટીમ સાથે પાછી ઘટનાસ્થળે પરત આવી હતી. આગને કારણે કાર આખી સળગી ગઈ હતી. માત્ર રાખ તથા લોખંડનો કાટમાળ પડ્યો હતો. મારી કારની આ દશા જોઈને મને ઘણું જ દુઃખ થયું હતું. જોકે, હું ભગવાનની આભારી છું કે તેમણે બને બચાવી લીધી. મેં ભારે હૈયે કારના પિક્ચર ક્લિક કર્યા હતા. થોડાં સમય પહેલાં હું કારમાં એકદમ ખુશ હતી અને પછી તરત જ ઉદાસ થઈ ગઈ હતી. આ જ વાત સાબિત કરે છે કે જીવન કેટલું અચોક્કસ છે.'

સો.મીડિયામાં આ વાત કહી
કારની ઘટના બાદ યામિની મલ્હોત્રાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ખરાબ સમય કોઈને પૂછીને આવતો નહીં અને તમને જાણ પણ કરતો નહીં. બસ ઝટકા સાથે આવી જાય છે. જીવનની થોડીક ક્ષણો અને તમારા જીવનમાં ઉતાર-ચઢાવ આવી જાય છે. આથી જ ઉપરવાળાથી ડરો.'

તાત્કાલિક કાર ખરીદી પડશે
યામિની મલ્હોત્રા સિરિયલના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે કહ્યું હતું, 'થોડાં દિવસ મારા માટે ઘણાં જ ટફ રહેવાના છે. મારે તાત્કાલિક નવી કાર ખરીદવી પડશે. કોરોનાકાળમાં હું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરી શકીશ નહીં.'

ઉલ્લેખનીય છે કે યામિની મલ્હોત્રાએ પંજાબી તથા સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કર્યું છે. 'મૈં તેરી તુ તેરા', 'દિલ હોના ચાહીંદા જવાન' જેવી પંજાબી ફિલ્મમાં જોવા મળી છે.