તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈન્ટરવ્યૂ:'અનુપમા' ફૅમ રૂપાલીએ કહ્યું, 'પતિને કારણે અઠવાડિયાના 7 દિવસ, મહિનાના 30 દિવસ ને દિવસના 14 કલાક કામ કરી શકું છું'

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
રૂપાલીએ ચાર વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી - Divya Bhaskar
રૂપાલીએ ચાર વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી
  • રૂપાલીએ કહ્યું, કોવિડ 19ના માહોલમાં શૂટિંગ કરવું ઘણું જ તણાવગ્રસ્ત છે
  • રૂપાલીને લાગે છે કે હવે ટીવીનું માધ્યમ પહેલાં કરતાં ઘણું જ બદલાઈ ગયું છે

ટીવી સિરિયલ 'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી 4 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે. જોકે, એક્ટ્રેસ માને છે કે તેને 39 વર્ષ બાદ યોગ્ય સફળતા મળી છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં 43 વર્ષીય રૂપાલીએ પોતાની પ્રોફેશનલ તથા પર્સનલ લાઈફ અંગેની ખાસ વાતો શૅર કરી હતી. વાતચીતમાં રૂપાલીએ પતિ તથા પિતાની વાત કરી હતી. પતિની વાત કરતાં રૂપાલીએ કહ્યું હતું કે તે માત્રને માત્ર પતિને કારણે જ ઘરની બહાર જઈને કામ કરી શકે છે. તેના પતિએ ઘરમાં ધ્યાન આપ્યું, તેથી જ તે શૂટિંગ કરી શકે છે. જ્યારે પિતા અંગે કહ્યું હતું કે તેના પિતાને અંતે તેના પર ગર્વ થશે. ઉલ્લેખનીય છે કે રૂપાલીના પિતા અનિલ ગાંગુલી એક જાણીતા ફિલ્મમેકર હતા, જેમણે 'હાફ ટિકિટ', 'તૃષ્ણા' તથા 'અંગારા' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

રૂપાલી ગાંગુલી સાથેની વાતચીતના મુખ્ય અંશો

તમે તમારી અભિનયની સફરને કેવી રીતે જુઓ છો?
મેં મારા પિતાની ફિલ્મમાં ચાર વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કર્યું હતું. મેં દીના પાઠકના બાળકની ભૂમિકા ભજવી હતી. મને યાદ છે કે ફિલ્મમાં મિથુન ચક્રવર્તી પણ હતા. મિથુન અંકલ પરિવારનો જ હિસ્સો હતા અને તેઓ મારા પિતાજીની દરેક ફિલ્મમાં જોડાયેલા હતા. જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે એક ફિલ્મ 'સાહેબ' આવી હતી. આ ફિલ્મના એક માત્ર સીનમાં હું ઘરમાં દોડતી જોવા મળું છું. રેખા આંટીને પગે લાગુ છું અને દોડીને જતી રહું છું. મને આ સીન પર ઘણો જ ગર્વ છે. 13 વર્ષની ઉંમરમાં મેં મારી બંગાળી ફિલ્મ 'બલિદાન' કરી હતી. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં મેં તપસ પૉલની સાથે કામ કર્યું હતું. તેઓ 20-25 વર્ષના હતા. આ ફિલ્મ બાદ મેં 10મા ધોરણની એક્ઝામ આપી હતી.

82 વર્ષની ઉંમરમાં અનિલ ગાંગુલીનું 2016માં નિધન થયું હતું
82 વર્ષની ઉંમરમાં અનિલ ગાંગુલીનું 2016માં નિધન થયું હતું

ડેડી હંમેશાં કહેતા કે મારે પહેલાં મારો અભ્યાસ પૂરો કરવો અને પછી જ હિરોઈન બનવું, કારણ કે એક્ટિંગ એક વાઈરસની જેમ હોય છે. તમે તેનાથી છૂટકારો મેળવી શકતા નથી. મેં મારો કોલેજનો અભ્યાસ કર્યો અને પછી મોડલિંગની શરૂઆત કરી. તે સમયે આજની જનરેશનની જેમ અમને આ પ્રોફેશન અંગે કોઈ માહિતી નહોતી. જ્યારથી મેં ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી, ત્યારથી મને દમદાર રોલ મળ્યા છે. હું પાછળ ફરીને મારી એક્ટિંગ જર્નીને જોઉં છું તો ઘણો જ સંતોષ થાય છે.

તમે વિવિધ શોમાં કામ કર્યું છે, ક્યું પાત્ર દિલની નજીક છે?
સૌથી પહેલાં 'સારાભાઈ v/s સારાભાઈ'ની મોનિશા છે. તે શોનું શૂટિંગ 14 વર્ષ પહેલાં જ બંધ થઈ ગયું હતું. જોકે, આજે પણ અમારું એક ચેટ ગ્રુપ છે, તેમાં આ સિરિયલની વાત થાય છે. વિશ્વાસ કરો રોજ 'સારાભાઈ' સાથે જોડાયેલી કોઈને કોઈ વાત ગ્રુપમાં થાય છે. બીજો શો 'અનુપમા' મારા માટે ખાસ છે. મને લાગે છે કે આ એક એવો શો છે, જેણે મારામાં એક એક્ટર તરીકે મારી આત્મ-યોગ્યતા, મારી અભિનય સીમાને શીખવાડ્યું છે. આ શોએ મને એ આપ્યું છે, જે હું એક્ટ્રેસ તરીકે ઈચ્છતી હતી. અંતે, આટલા વર્ષો બાદ મારી મહેનત રંગ લાવી. આ શોએ મને શાનદાર રીતે બંગાળી જર્નીને પ્રદર્શિત કરવાની તક આપી છે. મને ફિલ્મી જનીન મારા પિતા પાસેથી મળ્યા છે અને 'અનુપમા'ના માધ્યમથી મને આ બતાવવાની તક મળી.

2017માં રૂપાલી 'સારાભાઈ v/s સારાભાઈ 2'માં જોવા મળી હતી
2017માં રૂપાલી 'સારાભાઈ v/s સારાભાઈ 2'માં જોવા મળી હતી

'અનુપમા'નો લીડ રોલ ઓફર થયો ત્યારે કોઈ જાતનું દબાણ અનુભવ્યું હતું?
જ્યારે મેં શો સાઈન કર્યો ત્યારે હું આ પાત્રને સારી રીતે સમજી ચૂકી હતી. વિશ્વાસ કરો, હું આ પ્રકારનું પાત્ર વર્ષોથી ભજવવા માગતી હતી. જ્યારે મેં આ શો માટે હા પાડી ત્યારે મને ખ્યાલ નહોતો કે શોનું ટાઈટલ પણ 'અનુપમા' જ રહેશે. મને પ્રોડ્યૂસર કે અન્ય કોઈ તરફથી કોઈ જાતનું દબાણ નહોતું, પરંતુ મારા તરફથી જ હતું. મારે મારું બેસ્ટ આપવું હતું. કમબેક કરવા માટે આ શો બેસ્ટ હતો. મને શંકા છે કે કોઈ અન્ય એક્ટ્રેસ કે એક્ટરને કમબેક માટે આટલી શાનદાર તક મળી હોય. હું હજી પણ રોજ મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. આજે પણ નવી જનરેશન પાસેથી શીખવાનો પ્રયાસ કરું છું. 20 વર્ષ પહેલાં અમે જે રીતે કામ કરતા હતા, તે હવે બદલાઈ ગયું છે. ટીવી બહુ અલગ થઈ ગયું છે. હવે વધુ આરામદાયક થયું છે.

'અનુપમા'ના સેટ પર રૂપાલી ગાંગુલી
'અનુપમા'ના સેટ પર રૂપાલી ગાંગુલી

આ ભૂમિકા ભજવવામાં સૌથી મોટો પડકાર કયો હતો?
જ્યાં સુધી પાત્રની વાત છે તો કોઈ પડકાર નહોતો. કારણ કે રાઈટર તથા રાજન સર પોતાની રીતે ઘણાં જ સ્પષ્ટ છે કે તેમણે શું જોઈએ છે. અભિનયની વાત છે તો કોઈ પડકાર નથી. હું માત્ર એક જ વાતમાં ધ્યાન આપું છું કે મેકઅપમાં હું સ્ક્રીન પર બિલકુલ ફૅક ના લાગુ. મોટાભાગના એપિસોડમાં તમે મને મેકઅપ વગર જ જોશો. ભારતીય ટેલિવિઝનમાં આ મહત્ત્વની વાત છે. આ પાત્ર સાથે લોકો એટલા માટે જોડાયેલા છે, કારણ કે મેં પાત્રને નેચરલ રાખવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. મારી ઉંમર 40થી વધુ છે. મેકઅપ વગર કેમેરાની સામે જવું અને તે પણ ટીવીમાં એ એક માત્ર પડકાર હતો. મને વધુ પડતા મેકઅપથી નફરત છે. હું જે સાડી પહેરું છું, તે સુતરાઉ છે. હું 13 વર્ષની હતી ત્યારથી સુતરાઉ સાડી પહેરું છું. અનુપમા મારો કમ્ફર્ટ ઝોન છે અને આમાંથી હું બહાર આવવા માગતી નથી.

રૂપાલીએ અશ્વિ કે વર્મા સાથે 2013મા લગ્ન કર્યા હતા
રૂપાલીએ અશ્વિ કે વર્મા સાથે 2013મા લગ્ન કર્યા હતા

આ સિરિયલની સફળતા તમારા માટે કેટલી મહત્ત્વની છે?
માતા બન્યા બાદ સાત વર્ષ પછી સ્ક્રીન પર પરત ફરવું અને અચાનક એવી સ્થિતિમાં આવવું, જ્યાં લોકોએ મને સારી એક્ટ્રેસ તરીકે ઓળખી. હું આ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. હું 39 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છું અને 'અનુપમા'થી મને સફળતા મળી છે. મારા પરિવારને મારી પર ગર્વ છે. મારી માતા 'અનુપમા'ના રિપીટ એપિસોડ જોવાનું ભૂલતી નથી. મારા પતિ, જેમને કારણે હું આ શો કરું છું. તેમણે પોતાનું કામ છોડીને પરિવારની દેખરેખ રાખવાની જવાબદારી લીધી છે. તેઓ એડવર્ટાઇઝિંગ ફિલ્મ પ્રોડ્યૂસર છે. તેઓ મારી સાસુમા તથા દીકરાની સાથે રહેવા માટે કામ કરતા નથી. જો મારા પતિનો સપોર્ટ ના મળ્યો હોત તો હું ઘરની બહાર જઈ શકું નહીં અને અઠવાડિયાના 7 દિવસ, મહિનામાં 30 દિવસ અને દિવસના 14 કલાક સુધી કામ કરી શકું નહીં. મારા પિતાને અંતે મારી પર ગર્વ થશે અને સાથે જ આ શો પર પણ. 'અનુપમા' જેવી ફિલ્મ મારા પિતા બનાવતા હતા અને મને આ શોથી મારા પિતાની ફિલ્મની યાદ આવે છે. મારા પરિવારની લાગણી મારા માટે ઘણી જ મહત્ત્વની છે.

કોવિડ 19ના સમયમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ઈમાનદારીથી કહું તો આ ઘણું જ તણાવપૂર્ણ છે. જોકે, પ્રોડ્યૂસર ઘણું જ ધ્યાન રાખે છે. સેટ પર રોજ અમારું ટેમ્પરેચર માપવામાં આવે છે. ઓક્સિજન લેવલ ચેક થાય છે. આખો દિવસ માસ્ક પહેરીને રાખવો સરળ નથી. સેટ પર ઘણો જ સારો માહોલ હોય છે, પરંતુ જ્યારે ઘરે પરત આવું તો થોડો ડર લાગે છે કે મારામાં કોઈ વાઇરસ આવી ના ગયો હોય. મારા સાસુમા 88 વર્ષના છે. મારી મમ્મી મને દર અઠવાડિયે એકવાર મળવા આવે છે, તેમની ઉંમર 70થી વધારે છે. મારો દીકરો નાનો છે. આથી જ મને સતત ડર લાગે છે. આથી જ જ્યારે ઘરે આવું ત્યારે સ્ટ્રેસ શરૂ થાય છે. મને લાગે છે કે જે પણ એક્ટર ઘરની બહાર કામ પર જતો હશે, તેની સાથે આમ જ બનતું હશે.

રૂપાલી સાસુ (ડાબી બાજુ) તથા માતા (જમણી બાજુ) સાથે
રૂપાલી સાસુ (ડાબી બાજુ) તથા માતા (જમણી બાજુ) સાથે

હેક્ટિક શિડ્યૂઅલમાં તમે પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને કેવી રીતે બેલેન્સ કરો છો?
પ્રોફેશનલી હેક્ટિક જરૂર છે, પરંતુ જ્યારે તમારું ઘર તણાવ-મુક્ત હોય તો તમે ખરી રીતે કામમાં તણાવને અનુભવતા નથી. મને ઘણો જ સારો પતિ મળ્યો છે. તે મારું ઘર, દીકરો તથા દરેક બાબતોનું ધ્યાન રાખે છે. તે જે રીતનું બલિદાન આપે છે, તે ખરેખર અવિશ્વસનીય છે. તે ઘરેથી કામ કરે છે, કારણ કે હું બહાર જઈને કામ કરી શકું. આ એક પ્રકારના આશીર્વાદ છે. એક પુરુષ પોતાની મહિલાને ઉડવા માટે પાંખો આપે છે. હું બહાર દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું, કારણ કે તે ઘરે રહીને દરેક વસ્તુનો સામનો કરી રહ્યા છે. મને જેવો પતિ મળ્યો છે, તેવો મળવો મુશ્કેલ છે. તેમના કારણે જ હું અંગત તથા પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી શકું છું.

રૂપાલીએ દીકરા રૂદ્રાક્ષને 2015માં જન્મ આપ્યો હતો
રૂપાલીએ દીકરા રૂદ્રાક્ષને 2015માં જન્મ આપ્યો હતો

તમે કરિયરમાં અનેક યાદગાર રોલ પ્લે કર્યા, પરંતુ ડ્રીમ રોલ કયો છે?
મેં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે. હાલમાં જે રોલ કરું છું, તે જ મારો ડ્રીમ રોલ છે. હું 'અનુપમા'નો રોલ ભજવી રહી છું અને આ દરેક એક્ટ્રેસનો ડ્રીમ રોલ છે. જ્યારે મેં મોનિશાનું પાત્ર ભજવ્યું તો તે પણ મારા માટે ડ્રીમ રોલ જેવું હતું. અનુપમાના માધ્યથી હું દરેક એક્ટ્રેસનો ડ્રીમ રોલ ભજવું છું. કોઈની નજર ના લાગે. હું ઘણી જ ખુશ તથા સંતુષ્ટ છું.