લક્ઝુરિયસ લાઇફ છોડીને સંન્યાસી બની:ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકાર રસ્તા પર ભીખ માગી રહી છે, 21 રૂપિયા મળ્યા

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. હવે નૂપુરે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. આટલું જ નહીં, નૂપુરે સંન્યાસ લઈ લીધો છે. હાલમાં જ નૂપુર ભીખ માગતી જોવા મળી હતી.

નૂપુર ભીખ માગી રહી છે
નૂપુરે સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે મથુરાના રસ્તાઓ પર ભીખ માગી રહી હતી. નૂપુરે કહ્યું હતું કે તેને અત્યાર સુધી છ લોકોએ ભીખ આપી હતી. નૂપુરે ભિક્ષામાં શું મળ્યું તે પણ જણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે 11 લોકો પાસે ભીખ માગવાની છે. જો તેને 11 લોકો પાસેથી ભિક્ષા મળી જશે તો તેના દિવસનું ગુજરાન ચાલી જશે. નૂપુરે એમ પણ કહ્યું હતું કે ભિક્ષાટનનો આજે તેનો પહેલો દિવસ છે. સંન્યાસમાં ભિક્ષાટનનો અર્થ ભીખ માગવો એવો થાય છે.

ભિક્ષામાં શું મળ્યું?
નૂપુરને દિવસની પહેલી ખાંડ વગરની ચા એક સંન્યાસીએ આપી હતી. નૂપુરને ભિક્ષામાં રૂપિયા, મંદિરમાંથી પેંડો તથા વેજ ફ્રાઇડ રાઇસ મળ્યા હતા. તેણે એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં વાટકામાં 21 રૂપિયા તથા ચાનો કપ જોવા મળ્યો હતો. આ પોસ્ટ સાથે નૂપુરે કહ્યું હતું કે તેની પહેલી ભિક્ષા.

કેમ સંન્યાસ લીધો?
નોંધનીય છે કે નૂપુરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો. તે ધાર્મિક સ્થળ ફરવામાં તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વ્યસ્ત હતી. નૂપુરે કહ્યું હતું કે તેને હંમેશાંથી અધ્યાત્મ પ્રત્યે લગાવ હતો, આથી જ હવે તે પૂરી રીતે અધ્યાત્મને સમર્પિત છે. સિને તથા ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનનો આભાર માન્યો હતો. તેણે અહીં કમિટી મેમ્બર તરીકે કામ કર્યું હતું.

ટીવી ઇન્ડસ્ટ્રી સાથે હવે કોઈ સંબંધ નથી
નૂપૂરે એમ પણ કહ્યું હતું કે તેની બહેન જિજ્ઞાસાને તેના આ નિર્ણયથી સહેજ પણ નવાઈ લાગી નહોતી. તે 2007થી યોગ કરતી આવી છે. એ સમયે તેની કરિયર પીક પર હતી. હવે તેના જીવનમાં કોઈ ડ્રામાની જરૂર નથી. હવે તે ખોટાં તથા ઢોંગી-દંભી કામો કરીને થાકી ગઈ છે. ડિસેમ્બર, 2020માં તેની માતાના અવસાન બાદ ખ્યાલ આવ્યો કે હવે તેની પાસે ગુમાવવાનો કોઈ ડર નથી. તે તમામ અપેક્ષાઓ તથા જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ છે.

પતિને ડિવોર્સ આપ્યા નથી
નૂપુરે પતિનો સાથ પણ છોડી દીધો છે. તેણે 2002માં અલંકાર શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યાં હતાં. નૂપુરે પતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેમને ખ્યાલ છે કે તે ક્યાં જાય છે. જોકે મેં તેમને એકવાર સંન્યાસ લેવાની વાત કરી હતી. તેમણે ત્યારે જ તેને ફ્રી કરી દીધી હતી. તેમના પરિવારે તેના આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે. તે અલંકારને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. જ્યાં સુધી તે લગ્નજીવનમાં રહી ત્યાં સુધી તો સારું રહ્યું હતું. હવે તેઓ સાથે નથી અને તેમણે અલગ થવા માટે કોઈ કાયદાકીય પ્રોસેસ કરી નથી.

આ ટીવી શો-ફિલ્મમાં કામ કર્યું છે
નૂપુરની ઉંમર 49 વર્ષની છે. તેણે 157થી વધુ ટીવી શોમાં કામ કર્યું છે, જેમાં ‘શક્તિમાન’, ‘સ્વરાગિની’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘દિયા ઔર બાતી હમ’, ‘અગલે જનમ મોહે બિટિયાં હી કીજો’ તથા ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ સામેલ છે. ‘રાજાજી’, ‘સાવરિયાં’ તથા ‘સોનાલી કેબલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

લૉકડાઉનમાં માતાની સારવાર માટે પૈસા નહોતા
ઉલ્લેખનીય છે કે કોવિડ લૉકડાઉન સમયે નૂપુરની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેને માતાની સારવાર માટે પૈસાની જરૂર હતી. એક્ટ્રેસની મિત્ર રેણુકા શહાણેએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને નૂપુર માટે આર્થિક મદદ માગી હતી. અક્ષયકુમાર મદદ માટે આગળ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...