'નૈતિક' સાથેનો વિવાદ:કરન મેહરાની પત્ની નિશાનો ચોંકાવનારો દાવો, 'પાંચ મહિનાની પ્રેગ્નન્સી બાદ મિસકેરેજ થયું, ત્યારે પણ કરન મારઝૂડ કરતો હતો'

મુંબઈએક વર્ષ પહેલા
  • નિશાએ કહ્યું, કરનના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધો છે
  • 'કરનની ઈમેજ બચાવવા માટે અત્યાર સુધી કોઈ વાત બહાર પાડી નહોતી'

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકના રોલથી જાણીતો કરન મેહરા પર પત્ની નિશાએ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઈલ કર્યો હતો. પોલીસે કરનની ધરપકડ કરી હતી અને પછી જામીન પર છોડી મૂક્યો હતો. કરને કહ્યું હતું કે નિશાએ જાતે જ દીવાલ સાથે માથું અથડાવ્યું હતું અને મને ખોટા કેસમાં ફસાવ્યો છે. હવે નિશા રાવલે કરન મેહરા સાથે કેવા સંબંધો છે અને તે કેવો છે એ અંગે વાત કરી હતી. નિશા પત્રકાર પરિષદમાં રડી પડી હતી અને તેના માથા પર પટ્ટી બાંધેલી હતી. નિશાએ કહ્યું હતું કે તેના પતિને એક્સ્ટ્રા મેરિટલ સંબંધો છે અને આ જ કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો અને વાત છૂટછેડા સુધી પહોંચી ગઈ છે. નિશાએ એમ પણ કહ્યું હતું કે 2014માં જ્યારે તેનું મિસકેરેજ થયું તે પછી પણ કરન તેને માર મારતો હતો.

શું કહ્યું નિશાએ?
નિશાએ કહ્યું હતું, તમને બધાને આ રીતે મળવું ઘણું જ શરમજનક છે, કારણ કે આપણે હંમેશાં રેડ કાર્પેટ ઈવેન્ટ્સ પર મળીએ છીએ. હું અહીં માત્ર દીકરા કવિશ (નિશા-કરનનો દીકરો)ને કારણે છું. અમે 14 વર્ષ સુધી સાથે હતાં. આ વર્ષોમાં ઘણું જ થયું હતું, પરંતુ કોઈને કંઈ ખબર પડવા દીધી નહોતી.

કરને જાતે અફેર હોવાની વાત સ્વીકારી હતી
નિશાએ આગળ કહ્યું હતું, કરનનું કોઈ છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. કરન લાંબા સમયથી મને છેતરી રહ્યો છે, પરંતુ મને થોડાં મહિના પહેલાં કરનના મેસેજ વાંચ્યા બાદ સાચી વાતની જાણ થઈ હતી. મેં તે બંનેને સાથે જોયા હતા. મેં માત્ર પતિની ઈમેજ બચાવવા માટે આ વાત સાર્વજનિક કરી નહોતી. કરને પણ આ વાત મારી આગળ સ્વીકારી હતી કે તેના જીવનમાં અન્ય કોઈ યુવતી છે. આટલું જ નહીં, જ્યારે મેં તેને પૂછ્યું કે શું તમારી વચ્ચે શારીરિક સંબંધો છે, તો કરને એવો જવાબ આપ્યો હતો કે તે એ યુવતીને પ્રેમ કરે છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધો છે. તે યુવતી દિલ્હીની છે. કરન જ્યારે પરિવારથી દૂર ચંદીગઢમાં ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે યુવતીને મળ્યો હતો અને તેમની વચ્ચે અફેર શરૂ થયું હતું.

નિશાએ કહ્યું, કરને લગ્નજીવન બચાવવાનો કોઈ પ્રયાસ ના કર્યો
નિશાએ વધુમાં કહ્યું હતું, અફેરની વાત સામે આવતાં મેં આ વાત મારાં સાસુ-સસરાને કહી હતી. તેમણે અમને વાતચીત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું કહ્યું હતું. મેં તેમને એમ કહ્યું કે જો કરન સોરી કહે છે અને હવેથી આવું નહીં કરે તો હું કોશિશ કરીશ. જોકે આટલું બધું થવા છતાંય કરને સંબંધ સુધારવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. પ્રયાસો મારા તરફથી થતા હતા. છેલ્લાં 14 વર્ષમાં કરનના વ્યવહારને જોઉં તો આ કોઈ નવી વાત નથી. તેની ઈમેજ સારા દીકરાની, સારા પિતાની તથા એક સારા પતિની છે. આ ઈમેજને જાળવી રાખવા માટે મેં આ વાત કોઈને કહી નહીં. અમે એક્ટર્સ છીએ અને આ બધાની અસર અમારા કરિયર પર પડે છે. અમારે એક બાળક પણ છે. કરન ઝઘડો કરીને માફી માગતો ત્યારે હું ઠીક છે કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી દેતી. હું તેના પર વિશ્વાસ કરવા માગતી હતી.

કરને અનેકવાર માર માર્યો છે
નિશાએ દાવો કર્યો છે, કરને મારી પર આ વખતે પહેલીવાર હાથ નથી ઉપાડ્યો, તેણે અનેક વાર મને માર માર્યો છે. એના માટે આ સાવ સામાન્ય વાત છે. તેણે ઘણીવાર મને મુક્કા માર્યા છે અને આ જ કારણે મારા ચહેરા પર નિશાન પડી જતા હતા. હું કરનને પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. જોકે, હું મૂર્ખ હતી, આ મારા મોં પર તમાચો છે. હું તેનાથી અલગ થવા તૈયાર નહોતી. આટલું કહેતાં જ નિશા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

બાયપોલર હોવાની વાત સ્વીકારી
નિશાએ કહ્યું હતું, હું કેમ આ વાત છુપાવીશ. સૌ પહેલા તો હું તમને કહી દઉં છે કે બાયપોલર શું છે. બાયપોલર એક મૂડ ડિસઓર્ડર છે. આ કોઈ આઘાતને કારણે અથવા તો જિનેટિક હોય છે. હું આ અંગે કંઈ જ ખોટું બોલીશ નહીં અને મને આના પર શરમ નથી.

પાંચમા મહિને મિસકેરેજ થયું હતું
નિશાએ કહ્યું હતું, બાયપોલરની બીમારી હોય તે વ્યક્તિ પાગલ નથી હોતી. તમને પણ ખ્યાલ છે કે હું કેટલી બેલેન્સ્ડ છું. હું કન્ટેન્ટ બનાઉં છું. લોકો સાથે આ અંગે વાત કરું છું. મારે આ બધું સાબિત કરવાની જરૂર નથી. 2014 સપ્ટેમ્બર મહિનામાં હું પાંચ મહિનાની પ્રેગ્નન્ટ હતી અને મારું મિસકેરેજ થઈ ગયું હતું. તમને ખ્યાલ છે કે જે માતાઓએ પોતાનાં બાળકો ગુમાવ્યાં હોય, તેમનું એક ગ્રુપ મેં બનાવ્યું છે. 2014 પહેલાં પણ કરન મને મારતો હતો. જોકે 2014માં જ્યારે મારું મિસકેરેજ થયું ત્યારે કરનનું અલગ જ રૂપ જોવા મળ્યું. આ દરમિયાન પણ કરન મને માર મારતો હતો. તે ક્યારેય મારો ઈમોશનલ સપોર્ટ બની શક્યો નહીં. પતિ હોવાને નાતે તેણે મને ક્યારેય સપોર્ટ કર્યો નહીં. મિસકેરેજ બાદ પણ કરન મને માર મારતો હતો. જ્યારે મારે તેની સૌથી વધારે જરૂર હતી, ત્યારે તે મારી સાથે નહોતો. આ સમયે હું સાઇકિયાટ્રિસ્ટ પાસે ગઈ હતી.

કરન કંટ્રોલિંગ નેચરનો છે
નિશાએ આગળ કહ્યું હતું, કરન બહું જ કંટ્રોલિંગ નેચરનો છે. તે મને જિમમાં જવા દેતો નથી. હું થેરપિસ્ટ પાસે જઉં એ પણ તેને ગમતું નહોતું. જોકે હું ડૉક્ટર પાસે ગઈ અને મને ખબર પડી કે હું બાયપોલર ડિસઓર્ડરથી પીડાઉં છું.

નોકરીની શોધમાં
નિશા રાવલ છેલ્લા એક મહિનાથી નોકરીની શોધમાં છે. આ અંગે તેણે કહ્યું હતું કે તે છેલ્લા મહિનાથી અલગ અલગ જગ્યાએ નોકરી શોધે છે. તેણે મેકડોનાલ્ડ્સથી લઈ વિવિધ જગ્યાએ કામ શોધે છે. તે દીકરા માટે કોઈપણ નોકરી કરવા તૈયાર છે.

મારી બધી જ્વેલરી લઈ લીધી
નિશાએ કહ્યું હતું, કરને મારી બધી જ જ્વેલરી લઈ લીધી છે. અમે જે ઘરમાં રહીએ છીએ તે સાત વર્ષ પહેલાં લીધું છે. ગયા વર્ષે EMI ભરવા માટે કરને મારી તમામ જ્વેલરી તથા કાવિશ માટે ભેગા કરેલા રૂપિયા લઈ લીધા હતા. મેં મારી તમામ કમાણી કરનને આપી દીધી છે. તેણે મારી કમાણીમાંથી થોડાક પૈસા પણ મારા માટે રાખ્યા નથી.