આપવીતી:ટીવી એક્ટ્રેસ એકતા શર્મા કોલ સેન્ટરમાં નોકરી કરવા મજબૂર, 2 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું નથી

મુંબઈ13 દિવસ પહેલા

'ક્યૂંકિ સાંસ ભી કભી બહૂ થી', 'કુસુમ', 'બેપનાહ પ્યાર' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કરનાર ટીવી એક્ટ્રેસ એકતા શર્મા છેલ્લા ઘણા સમયથી એક્ટિંગથી દૂર છે. છેલ્લા થોડા સમયમાં એકતા શર્માના જીવનમાં ઘણા જ ચઢાવ-ઉતાર આવ્યા છે. અત્યારે એકતા શર્મા પાસે કામ નથી. ઘર ચલાવવા માટે એકતાએ કોલ સેન્ટરમાં કામ કરવું પડ્યું. હાલમાં એકતા માતા સાથે ભાડાના ઘરમાં રહે છે

સંઘર્ષ અંગે વાત કરી
એકતાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષ તથા ખરાબ સમય અંગે વાત કરી હતી. એકતા છેલ્લે 'બેપનાહ પ્યાર'માં જોવા મળી હતી. આ સિરિયલ 2020માં પૂરી થઈ હતી. જોકે, પછી કોરોનાને કારણે એકતાની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી.

સતત ઑડિશન અને લુક ટેસ્ટ આપે છે
એકતા શર્માએ કહ્યું હતું કે તેને એક્ટિંગની ઑફર મળતી નથી. ઘણો જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તે ઘરે બેસીને એક્ટિંગમાં સારી તક મળે તેની રાહ જોઈ શકે તેમ નથી. તેને એક્ટિંગ પ્રત્યે ઘણો જ પ્રેમ છે. તે એક્ટિંગમાં પરત ફરવા માગે છે. તે સતત લુક ટેસ્ટ ને ઑડિશન આપે છે. આશા છે કે તેને કંઈક સારી ઑફર મળશે.

દીકરીની કસ્ટડી માટે લડે છે
એકતા શર્માને માત્ર કરિયરમાં જ સંઘર્ષ કરવો પડે છે તેમ નથી. તે અંગત જીવનમાં પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. એકતાએ 2009માં બિઝનેસમેન અનિલ દોંડે સાથે લગ્ન કર્યાં હતાં. 2014માં દીકરી કિઆરાને જન્મ આપ્યો હતો. જોકે, એકતા તથા અનિલ કોર્ટમાં દીકરીની કસ્ટડી માટે લડી રહ્યાં છે.

ગુજરાન ચલાવવા કોલ સેન્ટરમાં કામ કરે છે
એકતા શર્માએ કહ્યું હતું કે કોલ સેન્ટરમાં કામ કરવું ખરાબ નથી. કોઈ કામ નાનું કે મોટું નથી. જોકે, સૌથી દુઃખની વાત એ છે કે ટીવીમાં બે દાયકા સુધી કામ કર્યા બાદ પણ તેને આજે કામ મળતું નથી. તેણે પોતાના સ્વર્ગીય પિતાની વાત માનીને સારું કામ કર્યું છે. તેના પિતાએ તેને કહ્યું હતું કે તે ગ્રેજ્યુએશન પૂરું કરીને એક્ટિંગ ફિલ્ડમાં જાય. કોલ સેન્ટરમાં તેને ઘણો જ સપોર્ટ કરવામાં આવે છે, પરંતુ ઇન્ડસ્ટ્રીના લોકોથી તે નારાજ છે. ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ તેની મદદ કરી નહોતી.

1998માં કરિયરની શરૂઆત કરી
એકતા શર્માએ 1998માં 'CID'થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, 2001માં ટીવી સિરિયલ 'કુસુમ'થી ઓળખ મળી હતી. ત્યારબાદ તે એકતા કપૂરની ઘણી જ સિરિયલમાં જોવા મળી છે. એકતા શર્મા એક્ટર મોહનિશ બહલની સાળી છે. એકતાની બહેન આરતીએ મોહનિશ બહલ સાથે લગ્ન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...