બોલિવૂડે મદદ ના કરી:'હલ્લા બોલ' ફૅમ શિવકુમાર સાજા થઈને ઘરે આવ્યા, દીકરીએ કહ્યું- ના ભાઈએ મદદ કરી કે ના બોલિવૂડ-ટીવીમાંથી કોઈ આગળ આવ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજય દેવગન સ્ટારર 'હલ્લા બોલ' જેવી ફિલ્મમાં કામ કરનાર શિવકુમાર વર્માને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. ડિસેમ્બરના પહેલાં વીકમાં તેમને ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD, એક જાતની શ્વસન તથા ફેફસાંની બીમારી)ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ ડિસેમ્બરના રોજ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)એ શિવ કુમાર હોસ્પિટલમાં હોવાની વાત શૅર કરી હતી. CINTAAએ તે સમયે 12 કલાકની અંદર ત્રણ સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરીને સલમાન ખાન, અક્ષય કુમાર, સની દેઓલ, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો પાસે આર્થિક મદદ માગી હતી. જોકે, વર્માની દીકરી રાજસીએ કહ્યું હતું કે કુનિકા લાલ સિવાય કોઈએ પણ મદદ કરી નહોતી.

દીકરાએ પણ મદદ ના કરી
ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજસીએ કહ્યું હતું, 'મને ખ્યાલ નથી કે આ દિવસો કેવી રીતે પસાર થયા છે. જે દિવસે ડેડીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા તે દિવસથી હું ચિંતામાં હતી. છ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મારા ભાઈએ પણ મદદ કરી નહોતી. મારો ભાઈ અમારાથી અલગ થઈ ગયો છે. તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે અલગ રહે છે.'

વધુમાં રાજસીએ કહ્યું હતું, 'સૌથી નવાઈની વાત એ છે કે ટીવી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ તેમની મદદે આવ્યું નહોતું. ડેડી જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયા તે જ દિવસે અમે મદદ માટે અપીલ કરી હતી. કેટલાંક લોકોએ તબિયત જાણવા માટે ફોન કર્યો હતો પરંતુ આર્થિક મદદ કોઈએ નહોતી કરી.'

'મારે મારી પાંચ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડવી પડી હતી. દુર્દશા જોઈને અને ઓળખાણ આપીને અમે અટલાન્ટિસ હોસ્પિટલમાં થોડીક છૂટછાટ લીધી હતી. ડૉક્ટર્સનો ખૂબ આભાર કે તેમણે પિતાની સારી રીતે દેખરેખ કરી,'

ટીવી શો પ્રોડ્યૂસ કર્યા બાદ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા
શિવકુમાર શર્માએ 'કહાની તોતા મૈના કી' તથા 'નાદાનિયાં' ટીવી શો પ્રોડ્યૂસ કર્યાં હતાં. રાજસીએ કહ્યું હતું, 'પ્રોમો પણ આવી ગયા હતા. જોકે, કેટલાંક મિડલમેન સતત પૈસા માગતા હતા. મારા પિતાએ બહુ જ રોકાણ કર્યું હતું અને રિકવરી થઈ નહીં. કમનસીબે આ શો ઓન એર પણ થયા નહીં.'

બે સંસ્થા તથા એક એક્ટ્રેસે મદદ કરી
રાજસીના મતે, CINTAAએ 50 હજાર રૂપિયાની મદદ કરી હતી. આ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રી વેલફેર ટ્રસ્ટે પણ 50 હજાર રૂપિયા આપ્યા હતા. એક્ટ્રેસે કુનિકા લાલે પણ આર્થિક મદદ કરી હતી. આ સિવાય કોઈએ મદદ કરી નહોતી.